Western Times News

Gujarati News

મેડીકલ બેઠકોનો વેપાર કરવા ‘મેટ’ની સ્થાપના થઈ છેઃ કોંગ્રેસનો આક્ષેપ

પ્રતિકાત્મક

શહેરમાં દર વરસે રપ હજાર કરતા વધુ ખાડા પડે છે: શહેજાદ ખાન

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મેડીકલ સીટોનો વેપાર કરવા માટે જ “મેટ”ની રચના કરી છે. મ્યુનિ. શાસકો દર વરસે ફુલગુલાબી બજેટ રજુ કરે છે પરંતુ તે પૈકી પ૦ ટકા કામો પણ થતા નથી તેમજ દર વરસે ચોમાસાની સીઝનમાં સ્માર્ટસીટી “ખાડા સીટી” બની જાય છે તેવા આક્ષેપ મ્યુનિ. બોર્ડમાં વિપક્ષ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા હતા.

મ્યુનિ. કોર્પોરેશનની માસિક સામાન્ય સભામાં વિપક્ષી નેતા શહેજાદખાન પઠાણે આક્રમક રજુઆત કરતા જણાવ્યુ હતુ કે શેઠ વાડીલાલ સારાભાઈ હોસ્પીટલને તોડી સત્તાધારી પાર્ટી એ મોટુ પાપ કર્યું છે, મ્યુનિ. શાસકો એ તબીબી શાખાની બેઠકોનો વેપાર કરવા માટે જ વી.એસ. તોડી હતી તથા “મેટ”ની સ્થાપના કરી છે

મેડીકલ કોલેજ માટે રૂા.૮૦૦ કરોડના ખર્ચથી એસવીપી હોસ્પીટલ બનાવવામાં આવી છે. દુઃખદ બાબત એ છે કે ૧પ૦૦ બેડની હોસ્પિટલમાં માત્ર ર૦૦ પેશન્ટ જ હોય છે જેના કારણે વિદ્યાર્થીઓને પ્રેકટીકલ અનુભવ મળતા નથી જયારે એસવીપી હોસ્પિટલ ખોટના ખાડામાં જઈ રહી હોવાથી મ્યુનિ. તિજાેરી પર દર મહીને રૂા.૧૭ કરોડનો આર્થિક બોજ આવી રહયો છે.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા છેલ્લા બે વર્ષમાં સ્પોર્ટસ ફેસીલીટી માટે રૂા.૧૦૦ કરોડ કરતા પણ વધુ રકમ ખર્ચ કરવામાં આવી છે પરંતુ એક પણ સંકુલમાં ઓલમ્પીકને લાયક સુવિધા નથી, તંત્ર દ્વારા કરોડો રૂપિયા ખર્ચ કરીને તૈયાર કરવામાં આવતા સંકુલ છેવટે ખાનગી કોન્ટ્રાકટરોને સોંપી દેવામાં આવે છે જેને ખોટી રીતે પીપીપી મોડેલ નામ આપવામાં આવી રહયું છે

જાે આ રીતે જ કોન્ટ્રાકટરોને સોંપવામાં આવે તો નાગરિકોના રૂપિયાનો વ્યય થાય છે મ્યુનિ. કોર્પો. દ્વારા દર વરસે ફુલગુલાબી બજેટ રજુ કરવામાં આવે છે પરંતુ તે મતલબના કોઈ કામ થતાં નથી. મ્યુનિ. કોર્પો.ની આર્થિક સ્થિતિ ભયંકર હદે ખરાબ છે તેમ છતાં ખોટી રીતે ઉડાઉ ખર્ચા કરવામાં આવી રહયા છે.

મ્યુનિ. કોર્પો.માં હાલ ૭૦૦ કરોડના બીલોના પેમેન્ટ બાકી છે તેમજ રિવરફ્રન્ટ માટે લીધેલી રૂા.૩પ૦ કરોડની બ્રીજ લોનનું દેવુ છે તેમ છતાં વધુ રૂા.૩પ૦ કરોડની લોન લેવામાં આવી છે. પ્રજાના પરસેવાની કમાણીનો મ્યુનિ. શાસકો ખોટી રીતે વ્યય કરી રહયા છે.

શહેરમાં ચોમાસાની સીઝન દરમિયાન ર૦ હજાર કરતા વધુ ખાડા પડી જાય છે. ર૦ર૦માં ૩૦પ૦૯ અને ર૦ર૧માં ર૦૬૩૯ રોડ પેચવર્કના કામો કરવા પડયા હતા જેના માટે લગભગ ૧૪ કરોડનો ખર્ચ થયો હતો. ચાલુ વરસે પણ રપ હજાર કરતા વધુ પેચવર્કના કામો કરવાની ફરજ પડી છે તેમજ ૮૩ જેટલા સ્થળોએ નાના મોટા ભુવા પડ્યા છે આ બાબત જ સત્તાધારી પક્ષનો વિકાસ કેવો છે તે દર્શાવે છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.