આ વર્ષે નવરાત્રિ પર્વમાં વરસાદનું વિઘ્ન નડે તેવી શક્યતા
રાજ્યમાં ઓગસ્ટ મહિનાના અંતની સાથે સપ્ટેમ્બરની શરુઆત અને મધ્યમાં વરસાદ પડશે એવી આગાહી
(એજન્સી)ગાંધીનગર, રાજ્યમાં વરસાદનું જાેર ફરી એકવાર વધ્યું છે, ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદના કારણે રાજ્યની નદીઓમાં પાણી છોડાઈ રહ્યું છે. આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યમાં હળવો વરસાદ રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
ગઈકાલે રાજ્યના ઉત્તર ભાગમાં વરસાદી માહોલ હતો જેમાં સૌથી વધારે મહેસાણામાં વરસાદ થયો હતો, આજે પાટણમાં ધોધમાર વરસાદ થયો છે. આ વર્ષે મેઘરાજા નવરાત્રી બગાડશે કે કેમ તેને લઈને પણ ખેલૈયાઓ અને નવરાત્રી રસીકોને સવાલો થઈ રહ્યા છે.
શ્રાવણ માસમાં વરસાદનું જાેર વધ્યા બાદ આગામી દિવસોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. ઓગસ્ટ મહિનાના અંતમાં તારીખ ૨૬થી ૩૧ દરમિયાન રાજ્યમાં વરસાદ રહેવાની સંભાવના છે. રાજ્યમાં ઓગસ્ટના અંતની સાથે સપ્ટેમ્બરની શરુઆત અને મધ્યમાં વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે.
પાછલા વર્ષે પણ ચોમાસું પૂર્ણ થયા પછી પણ કમોસમી વરસાદ ડિસેમ્બર અને જાન્યુઆરી મહિના સુધી વરસતો રહ્યો હતો. ચાલુ વર્ષે ૧૦૦ ટકા વરસાદ થઈ ગયો છે આમ છતાં હજુ રાજ્ય પર વરસાદી માહોલ જામેલો છે, ગઈકાલે સૌથી વધારે મહેસાણામાં વરસાદ નોંધાયો હતો, આજે પણ ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ છે.
રાજ્યમાં ઓગસ્ટના અંતમાં ૨૬થી ૩૧ દરમિયાન વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તેમણે સપ્ટેમ્બર મહિના દરમિયાન ૧૨ અને ૧૩ તારીખે તથા ૧૭થી ૨૨ દરમિયાન પણ વરસાદ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. રાજ્યમાં હર્ષો ઉલ્લાસ સાથે નવરાત્રી ૨૬ સપ્ટેમ્બરથી શરુ થઈ રહી છે
જાે આ સમય દરમિયાન વરસાદ થયો તો ખેલૈયાના રંગમાં ભંગ પડી શકે છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ એટલે કે ૨૫થી ૨૮ ઓગસ્ટ દરમિયાન અમદાવાદ સહિત બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, આણંદ, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, વલસાડ, નર્મદા, તાપી, છોટા ઉદેપુર, ડાંગ, દમણ, દાદરા નગર હવેલીમાં હળવો વરસાદ રહેવાની આગાહી કરી છે.