૯ વર્ષના છોકરાએ ૭ દિ’માં હિમાલયની ૧૪,૦૦૦ ફૂટની ઊંચાઈ સર કરી
ચાર મહિનાથી કરતો હતો તૈયારી
વિઆન ચોથા ધોરણમાં અભ્યાસ કરે છે:તેણે ટ્રેકિંગના અનુભવને પોતાના જીવનનો શ્રેષ્ઠ અનુભવ ગણાવ્યો હતો
વડોદરા, બે વર્ષની વયે પપ્પા સાથે કાંગારુ બેગમાં બેસીને પર્વતો જાેતા વડોદરાના છોકરાએ મોટી છલાંગ લગાવી છે.
અત્યાર સુધી તેના પપ્પા ટ્રેકિંગ કરતાં ત્યારે તેમની સાથે કાંગારુ બેગમાં બેસીને જતા છોકરાએ હિમાલયમાં આવેલા ગાડસર પાસની ૧૪,૦૦૦ ફૂટની ઊંચાઈ સર કરી છે. માત્ર નવ વર્ષની ઉંમરે તે કદાચ ગુજરાતનો સૌથી નાની વયનો બાળક હશે જે આટલે ઊંચે ચઢ્યો હશે અને તે પણ માત્ર સાત દિવસની અંદર.
બિલબોંગ સ્કૂલમાં ચોથા ધોરણમાં અભ્યાસ કરતાં વિઆને કહ્યું, “મારા જીવનના શ્રેષ્ઠ અનુભવ પૈકીનો એક હતો. મેં ક્યારેય આટલી ઊંચાઈ પર ચઢાણ નથી કર્યું એટલે ક્યારેક નર્વસ થઈ જાઉં એવી ક્ષણો પણ આવી હતી. પરંતુ મને વિશ્વાસ હતો કે હું ટોચ પર પહોંચીશ અને મેં તે કર્યું.” ૭ ઓગસ્ટથી ૧૪ ઓગસ્ટ વચ્ચે યોજાયેલા કાશ્મીર ગ્રેટ લેક્સ ટ્રેકમાં વિઆને તેના પિતા મિત્તલ પટેલ સાથે ભાગ લીધો હતો.
“ટ્રેક મુશ્કેલ હતો અને એટલે જ હું વિઆનને સંપૂર્ણપણે તૈયાર કરવા માગતો હતો. અમે છેલ્લા ચાર મહિનાથી આ એડવેન્ચરની તૈયારી કરી રહ્યા હતા. દર અઠવાડિયે હું અને વિઆન પાવાગઢ પર્વત ચઢતા હતા અને શિખર સુધી પહોંચવા માટે કપરાં રૂટ પસંદ કરતાં હતા”, તેમ અવારનવાર ટ્રેકિંગ કરતાં મિત્તલ પટેલે જણાવ્યું.
“છેલ્લા થોડા વર્ષોમાં વિઆને મને કેટલીયવાર પાવગઢ અને માઉન્ટ આબુ ચઢતો જાેયો છે. હકીકતે વિઆન બે વર્ષનો હતો ત્યારથી જ હું તેને કાંગારુ બેગમાં મારી સાથે લઈને જતો હતો. મને લાગે છે કે મારા લીધે તે ટ્રેકિંગના પ્રેમમાં પડી ગયો. આ વખતે મેં તેને પૂછ્યું કે શું તે મારી સાથે હિમાલય ચઢવા માગે છે અને તેણે તરત જ હા પાડી હતી”, તેમ તેમણે ઉમેર્યું.ss1