મ્યુનિ. આસીસ્ટન્ટ કમિશ્નરોની બદલી કરવા માંગણી
(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પો.માં આસીસ્ટન્ટ મ્યુનિ. કમિશ્નરની જગ્યાઓ ૧પ વર્ષ અગાઉ ખોલવામાં આવી હતી તે સમયે ૬ જગ્યા ભરવામાં આવી હતી પરંતુ ત્રણ વર્ષ અગાઉ તત્કાલીન કમિશ્નર વિજય નેહરાએ વોર્ડ દીઠ એક આસીસ્ટન્ટ કમિશ્નરની નિમણુંક કરવા જાહેરાત કરી હતી.
જેના પગલે લગભગ રપ જેટલી નવી જગ્યાઓ ભરવામાં આવી હતી પરંતુ આસીસ્ટન્ટ મ્યુનિ. કમિશ્નરને એન્જીનીયરીંગ અને ટેક્ષ વિભાગની સત્તા આપવામાં આવી નથી જયારે અન્ય જે ખાતાઓ તેઓ સંભાળે છે તેમાં તેમની કામગીરી અત્યંત નબળી હોવાથી તેમજ ભ્રષ્ટાચારને રોકવા માટે તાકિદે બદલી કરવા માંગણી કરવામાં આવી છે.
જમાલપુર વોર્ડના કોર્પોરેટર રફીક શેખે આ અંગે જણાવ્યું હતું કે અ.મ્યુ. કોર્પોરેશનમાં એક સાથે ર૦ કરતા વધુ આસી. મ્યુ. કમિશ્નરોની ૩ વર્ષ અગાઉ ભરતી કરવામાં આવી છે તેનો મુખ્ય ઉદ્ેશ વોર્ડ કક્ષાના કામો ઝડપથી પૂર્ણ કરવાનુ અને ભ્રષ્ટાચાર દુર કરવાનો હતો
પરંતુ દુઃખદ બાબત એ છે કે આ ઉદ્દેશ સાર્થક થયો નથી અને પ્રજાના કામો અટવાઈ પડયા છે. ચોમાસાની સિઝનમાં વરસાદી પાણી ભરાવા કે રોડ તૂટવા બાબતે તેમની કોઈ જવાબદારી રહેતી નથી પરંતુ તેમની ફરજમાં આવતા એસ્ટેટ- હેલ્થ- તેમજ સોલીડ વેસ્ટ વિભાગમાં પણ તમામ આસી. મ્યુ. કમિશ્નરની કામગીરી અત્યંત નબળી છે તેમ છતાં ગંદકી મામલે પીએચએસ કે ગેરકાયદેસર બાંધકામ મામલે વોર્ડ ઈન્સ્પેકટર સામે પગલા લેવાય છે
પરંતુ ૩-૩ વર્ષ થયા બાદ પણ આસી મ્યુ. કમિશ્નરની જવાબદારી નકકી થતી નથી તેવીજ રીતે વોર્ડ કક્ષાની સંકલન સમિતિની બેઠક મામલે પણ તેઓ ઉદાસીન રહે છે તેમજ સમયસર મીટીંગ બોલાવતા નથી તથા મીટીંગમાં નક્કી થયા કામો પૂર્ણ કરવા બાબતે રસ દાખવતા નથી તેથી તમામ આસી. મ્યુનિ. કમિશ્નરઓની જવાબદારી નકકી કરવામાં આવે તેમજ તેમની બદલી કરવામાં આવે તો વોર્ડ કક્ષાએ થી જ સારા પરિણામ મળી શકે છે.
અત્રે નોંધનીય છે કે આસીસ્ટન્ટ મ્યુનિ. કમિશ્નરની ભરતી સમયે વ્યાપક ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ થયા હતા તેમજ લેખિત પરીક્ષામાં ઓછા માર્કસ મેળવનારને મૌખિક ઈન્ટરવ્યુમાં વધુ માર્ક આપી પસંદ કરવામાં આવ્યા હોવાના પણ આક્ષેપ થયા હતા જેના માટે મોટી રકમની લેવડ દેવડ થઈ હોવાની પણ ચર્ચા ચાલી હતી.
તત્કાલીન મ્યુનિ. કમિશ્નર ધ્વારા આ કેડરની ભરવામાં આવેલી જગ્યાઓ હાલ તો તદ્દન બિનઉપયોગી હોય તેમ લાગી રહયુ છે. ચોંકાવનારી બાબત એ છે કે કેટલાક આસીસ્ટન્ટ કમિશ્નરની નિમણુંક તેઓ તેમના રહેઠાણના વોર્ડમાં જ કે તેની નજીકના વોર્ડમાં કરવામાં આવી છે જેના કારણે ભ્રષ્ટાચારને વેગ મળી રહયો હોવાનું માનવામાં આવે છે.