ટ્રાફિકના પ્રશ્નો, ચોરીના દુષણને દૂર કરવા આછોદ ગામમાં પોલીસ ચોકી ઉભી કરવા માંગણી

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકે આમોદ પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઈન્સ્પેકશન કર્યું
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ.લીના પાટીલ દ્વારા આમોદ પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઈન્સ્પેકશન કરવામાં આવ્યું હતું.
આમોદની મુલાકાત દરમ્યાન તેમની સાથે જંબુસર ડિવિઝનના આસીસ્ટન્ટ પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલ,સર્કલ પોલીસ ઈન્સપેક્ટર બી.પી.રજયા તેમજ આમોદ પોલીસ સબ ઈન્સ્પેક્ટર જે.જી.કામળિયા હાજર રહ્યા હતા.આમોદ પોલીસ સ્ટેશનના વાર્ષિક ઇન્સ્પેકશન દરમ્યાન જીલ્લા પોલીસ અધિક્ષકે પોલીસને લગતાં વિવિધ પ્રશ્નો પણ સાંભળ્યા હતા અને તેમના પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવવા ખાતરી આપી હતી.
આમોદ બચ્ચો કા ઘર ખાતે ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડૉ.લીના પાટીલના અધ્યક્ષ સ્થાને લોક દરબાર પણ યોજાયો હતો.જેમાં સંસ્થાના કુલપતિ બસીર રાણા,આમોદ તાલુકા પંચાયત પ્રમુખ રોનક પટેલ,નગરપાલિકા ઉપપ્રમુખ ઉષાબેન પટેલ દ્વારા આવેલા પોલીસ અધિકારી મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું.
ત્યાર બાદ આમોદ પોલીસ મથકને નવો રૂમ બનાવી આપનાર કેરવાડા ગામના દાતા મદનસિંહજી માનસિંહજી રાણાનું પુષ્પગુચ્છ તથા શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.બચ્ચો કા ઘર ખાતે યોજાયેલા લોક દરબારમાં આમોદ નગર સહિત તાલુકાના આગેવાનો અને સરપંચો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.લોકદરબારમાં લોકોએ મુક્ત મને રજુઆત કરી હતી.
જેમાં આમોદ પંથકમાં બકરાં ચોરીના બનાવો,ખરાબ રોડ રસ્તાઓ,આમોદ ચાર રસ્તા ઉપર થતાં ટ્રાફિકના પ્રશ્નો,ચોરીના દુષણને દૂર કરવા આછોદ ગામમાં પોલીસ ચોકી ઉભી કરવા માંગણી તેમજ આમોદ નગરમાં સીસીટીવી કેમેરા લગાવવા રજુઆત કરી હતી.પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં મોટાપાયે થતી ગાયોની હેરાફેરી અટકાવવા વગેરે પ્રશ્નો ચર્ચાયા હતાં.જેમાં જિલ્લા પોલીસ અધિક્ષકે ગાયોની હેરાફેરી કરનારા સામે સખત કાર્યવાહી કરવાની ચેતવણી આપી હતી.
ત્યાર બાદ આમોદના વણકરવાસ ખાતે પણ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ.લીના પાટીલે તેમના અધિકારીઓ સાથે મુલાકાત લીધી હતી.અને પોલીસ પ્રશાસન દરેક સમાજ સાથે હોવાનો સધિયારો આપ્યો હતો.અને દલિત વિસ્તારના રહીશોના પ્રશ્નો સાંભળ્યા હતા.