જે ગામની વસતી 800 લોકોની છે, ત્યાં 2 વર્ષમાં 1293 લગ્નની નોંધણી થઈ

પ્રતિકાત્મક
આણંદમાં આંતરરાષ્ટ્રીય લગ્ન નોંધણીનું કૌભાંડ
આણંદ, આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના ચાર ગામોમાં ૯ વર્ષ દરમિયાન જુદા જુદા સમયગાળામાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા અરવિંદભાઈ એન મકવાણાએ પોતાની ફરજ દરમિયાન ૧૮૦૪ જેટલા લગ્નની નોંધણી લગ્નસ્થળ કે પુરાવાની ખાતરી કર્યા સિવાય લગ્નની નોંધણી કરીને લગ્ન નોંધણી અધિનિયમ ર૦૦૬ની અવગણના હોવાનું ધ્યાને આવતા આણંદ જિલ્લા વિકાસ અધિકારીએ ગેરરીતિ આચરનાર તલાટીને તાત્કાલિક સસ્પેન્ડ કરી દીધા છે.
તેમની સામે પોલીસ કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરી છે. ખોટી રીતે લગ્નની નોંધણી કરનાર તલાટી અરવિંદ મકવાણા આણંદ જિલ્લા મહિલા મોરચાના મંત્રી નિમીષાબેન ઝાલાના પતિ હોવાનું બહાર આવ્યું છે.
તારાપુર ગામે રેલ, જીણજ, વલ્લી અને ખાખસર ગામે ગેરકાયદેસર લગ્નની નોંધણી થતી હોવાની ફરિયાદો ઉઠી હતી જે અંગેની ફરિયાદ આણંદ જિલ્લા વિકાસ અધિકારીને મળી હતી. તેઓએ આ અંગેની ખરાઈ કરવા માટે એક ટીમ બનાવીને તપાસ હાથ ધરી હતી.
તારાપુર તાલુકાના રેલ ગામના એક આગેવાને નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે, અમારા ગામમાં લગ્ન કરવા માટે કોઈ વાડી કે મંદિર નથી. તેમજ છતાં ગામમાં લગ્ન થયા હોવાના બોગસ પુરાવા ઉભા કરીને લગ્નની નોંધણી કરાવાઈ હતી વિદેશી યુગલ સહિત રાજસ્થાન, મહારાષ્ટ્ર, કાશ્મીર સહિતના રાજયમાંથી લગ્નની નોંધણી માટે આવતા હોવાનું ગ્રામજનોમાં ચર્ચાઈ રહ્યું હતું.
તારાપુર તાલુકામાં મખોટી રીતે લગ્નની નોંધણી થતી હોવાની ફરિયાદો ઉઠી હતી. જે બાબતે ટીમ બનાવીને તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે લગ્નની નોંધણી અધિનિયમ ર૦૦૬ની અવગણના કરીને તલાટી એ.એન.મકવાણે પુરાવા કે લગ્નસ્થળ ચકાસણી કર્યા સિવાય ગેરકાયદે લગ્નની નોંધણી કરી હોવાનું માલુમ પડતાં તેઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. તલાટી સામે પોલીસ ફરિયાદ કરાશે.
અગાઉ ૧૦ હજારની વસ્તી ધરાવતા લસુન્દ્રા ગામમાં પાંચ જ મહિનામાં ૪૯૭ લગ્ન નોંધાયા છે. ૧૦ હજારની સંખ્યા વાળા ગામમાં આટલી મોટી સંખ્યામાં લગ્ન રજીસ્ટર થતાં હોઈ યુવતીના ભાઈએ તલાટીની કામગીરી પર શંકા વ્યકત કરી હતી. જાેકે જિલ્લામાં લસુન્દ્રા ઉપરાંત અન્ય ઘણી ગ્રામ પંચાયતોમાં ટેબલ નીચેનો વ્યવહાર કરવાથી ફટાફટ સર્ટિફિકેટ મળી જતા હોવાની ચર્ચા છે.