Western Times News

Gujarati News

આણંદ સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્ર સજજ

આણંદ: હવામાન વિભાગ દ્વારા આજથી એટલે કે તા. ૬ઠ્ઠી નવેમ્બરથી ૮મી નવેમ્બર દરમિયાન મહા વાવાઝોડાની આગાહીને પગલે આણંદ જિલ્લામાં વાવાઝોડાની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા વહીવટીતંત્ર સજજ હોવાનું જિલ્લા કલેકટર શ્રી દિલીપ રાણાએ જણાવ્યું છે. મહા વાવાઝોડાની ખાસ કરીને દરિયાકાંઠાના  ખંભાત, તારાપુર અને બોરસદ તાલુકાના અસરગ્રસ્ત ૧૫ ગામોના લાયઝન અધિકારીઓ સાથે આજે જિલ્લા કલેકટર શ્રી દિલીપ રાણાના અધ્યક્ષસ્થાને ખંભાત ખાતે બેઠક મળી હતી.

આ બેઠકમાં જિલ્લાના તમામ અધિકારીઓ તેમજ તલાટીઓને મુખ્ય મથકે હાજર રહેવા તેમજ લાયઝન અધિકારીઓને સંબંધિત ગામોની મુલાકાત લઇ સંભવિત પરિસ્થિત પર ચાંપતી નજર રાખવા સૂચના આપી હતી.

કલેકટરશ્રીએ આણંદ જિલ્લામાં જાહેર જનતાની સલામતી માટે અને સાવચેતીના ભાગરૂપે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલ આયોજનની વિગતો આપી વાવાઝોડાના સમયે નાગરિકોએ શું કરવું અને શું ન કરવું જોઇએ તેની નાગરિકોને સમજ આપવા સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું.

કલેકટરશ્રીએ ભયજનક હોર્ડિંગ્સ સત્વરે ઉતારી લેવા તેમજ વાવાઝોડા દરમિયાન  પડી જાય તેવા વૃક્ષોનું ટ્રીમીંગ કરવા પણ સંબંધિતોને સૂચના આપી હતી. કલેકટર શ્રી રાણાએ લાયઝન અધિકારીઓ સાથે ગામ દીઠ કરવામાં આવેલ આયોજનની વિગતો મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

શ્રી રાણાએ પોલીસ, પંચાયત, પુરવઠા, કૃષિ, માર્ગ-મકાન વિભાગ, આરોગ્ય, શિક્ષણ, પશુપાલન, વન વિભાગ સહિત સંબંધિતોને આપવા પ્રબંધન અંગે પોતાના વિભાગોને લગતી કામગીરી હાથ ધરી બચાવ રાહત સહિત તકદારી અને અગમચેતીના પગલાં લેવા પણ જણાવ્યું હતું. કલેકટરશ્રીએ ખંભાત નગરપાલિકાને શહેરના નાગરિકોને પૂરતા પ્રમાણમાં કે તેથી વધુ પાણીનો જથ્થો પૂરો પાડવા સૂચના આપી હતી.

કલેકટર શ્રી દિલીપ રાણાએ વાવાઝોડા દરમિયાન ખોટી અફવાઓથી દૂર રહી આધારભૂત સૂચનાઓનો જ ધ્યાને લેવા જિલ્લાના નાગરિકોને અપીલ કરી છે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી આશિષકુમાર, પ્રાદેશિક મ્યુનિસિપાલિટીના કમિશનરશ્રી, પ્રાંત અધિકારીશ્રી, નાયબ પોલીસ વડાશ્રી, લાયઝન અધિકારીશ્રીઓ સહિત અમલીકરણ અધિકારીઓ હાજર રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.