ઓઝત નદીનો પાળો તૂટી જતા કાંઠા વિસ્તારના ખેતરોનુ મોટા પાયે ધોવાણ થતાં આવેદનપત્ર અપાયું
(પ્રતિનિધિ)માણાવદર , ગુજરાતના દરેક જિલ્લા અને તાલુકાઓના ગામોમાં આ વર્ષે વરસાદે ધમરોળી નાખ્યા છે સિઝનનો વરસાદ ૮૦% પડ્યો છે તેમાય ૪ ઓગસ્ટ ૨૦૨૨ થી ૧૮ ઓગસ્ટ ૨૦૨૨ એમ ૧૪ દિવસ સુધી વરસાદે કાળો કોપ વરસાવ્યો હતો. અતિશય વરસાદને કારણે પ્રજાની માલ મિલકતોને મોટી નુકસાની થઈ છે.
આ નુકસાનની સંદર્ભે માણાવદર તાલુકા રાષ્ટ્રીય કોંગ્રેસના નેતાઓએ સિંચાઈ મંત્રીને માણાવદર મામલતદાર મારફત આજરોજ એક આવેદનપત્ર પાઠવી જણાવ્યું છે કે માણાવદર તાલુકામાંથી ઓઝત નદી પસાર થઈ રહી છે આ નદીને કાંઠે બાંધેલ પાળો ૪ ઓગસ્ટથી ૧૮ ઓગસ્ટ દરમિયાન સતત એકધારા પડેલ અતિભારે વરસાદથી તૂટી ગયો છે પાળો તૂટી જવાથી ઓઝત નદીના કાંઠે આવેલ ગામોના ખેડૂતોના ખેતરમાં પાણી ફરી વળતા ખેતરોને ભારે નુકસાની થઈ છે.
જેમના ખેતરો ધોવાઈ ગયા છે તેવા ગામોમાં પાદરડી, કોયલાણા, મટીયાણા, આંબલીયા વગેરેનો સમાવેશ થાય છે પાદરડીના આઠ ખેતરો, મટીયાણાના ચાર ખેતરો, કોયલાણાનું એક ખેતર અને આંબલીયા ગામના બે ખેતરો મળી કુલ ૧૫ ખેડૂતોના ખેતરોનું ધોવાણ થયેલ છે.
આવેદનપત્રમાં તમામ ખેડૂતોના નામો સિંચાઈ મંત્રીને મોકલવામાં આવ્યા છે અને સરકાર તાકીદ થી નદીકાંઠાના આ પાળા ને રીપેર કરે અને આનો કાયમી ઉકેલ આવે તે માટે જ્યાં જરૂર છે ત્યાં પૂર સંરક્ષણ દિવાલ બનાવી પ્રતિ વર્ષે સર્જાતા નુકસાનીના પ્રશ્નને હલ કરે એમ જણાવ્યું છે.
આ આવેદનપત્ર આપતી વેળાએ માણાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ જીગ્નેશભાઈ છૈયા, જુનાગઢ જિલ્લા પંચાયતના સદસ્ય અરવિંદભાઈ લાડાણી, માણાવદર શહેર કોંગ્રેસ પ્રમુખ વિજય ઝાટકિયા, માણાવદર તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા ધર્મેન્દ્ર બોરખતરીયા, માણાવદર તાલુકા ઓબીસી પ્રમુખ વિરમભાઇ ખોડભાયા, કોંગ્રેસ અગ્રણી ભરતભાઈ ડાંગર, માણાવદર તાલુકા કોંગ્રેસ અગ્રણી સુરેશભાઈ મોરી વગેરે ઉપસ્થિત રહીને માણાવદર મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું