૧ ઓક્ટોબરથી ડેબિટ અને ક્રેડિટ કાર્ડના નવા નિયમો આવશે
નિયમો લાગુ કરવા આરબીઆઈએ આપી ડેડલાઈન
નવા નિયમથી ગ્રાહકો સાથે ફ્રોડ થવાની ઘટના ઓછી થશે
નવી દિલ્હી,ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડનો ઉપયોગ કરતા લોકો માટે મહત્વપૂર્ણ સમાચાર આવ્યા છે. ૧ ઓક્ટોબરથી રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના કાર્ડ-ઓન-ફાઈલ ટોકનાઈઝેશન નિયમમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનું કહેવું છે કે, ટોકનાઈઝેશન સિસ્ટમમાં ફેરફાર બાદ કાર્ડધારકોના પેમેન્ટ સુવિધામાં સુધારો થશે અને ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડના વ્યવહારો પહેલા કરતા વધુ સુરક્ષિત રહેશે.
આરબીઆઈના નિયમ મુજબ હવેથી ગ્રાહક ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ દ્વારા ઓનલાઈન, પોઈન્ટ ઓફ સેલ અથવા એપ દ્વારા વ્યવહાર કરશે ત્યારે તમામ વિગતો એનક્રિપ્ટેડ કોડમાં સાચવવામાં આવશે.નવી પ્રણાલી હેઠળ રિઝર્વ બેંકે પેમેન્ટ કંપનીઓને ગ્રાહકોના ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડનો ડેટા સ્ટોર કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. પેમેન્ટ કંપનીઓએ હવે કાર્ડના બદલે વૈકલ્પિક કોડ આપવો પડશે, જેનું નામ ટોકન છે.
આ ટોકન યુનિક હશે અને તે જ ટોકન એકથી વધારે કાર્ડ્સ માટે કામ કરશે. આ લાગુ થયા પછી ઓનલાઈન પેમેન્ટ માટે સીધા કાર્ડનો ઉપયોગ કરવાને બદલે એક યુનિક ટોકનનો ઉપયોગ કરવો પડશે.આરબીઆઈના આ નવા નિયમ મુજબ ગ્રાહક પાસેથી મંજૂરી લીધા વિના તેની ક્રેડિટ લિમિટ વધારી શકાશે નહીં. ઉપરાંત જાે કોઈ ચૂકવણી કરવામાં આવી ન હોય તો વ્યાજ ઉમેરતી વખતે ચાર્જ અથવા ટેક્સ વગેરેનું કેપિટલાઈઝેશન કરી શકાશે નહિ.
રિઝર્વ બેંકનું કહેવું છે કે કાર્ડના બદલામાં ટોકન વડે પેમેન્ટની સિસ્ટમ લાગુ થવાને કારણે ફ્રોડના કેસમાં ઘટાડો થશે. હાલમાં ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડની માહિતી લીક થવાને કારણે ગ્રાહકો સાથે છેતરપિંડીનું જાેખમ વધી રહ્યું છે. નવી સિસ્ટમથી છેતરપિંડીના આવા કેસમાં ઘટાડો થવાની અપેક્ષા છે.
રિઝર્વ બેંકનું કહેવું છે કે હાલમાં ઈ-કોમર્સ વેબસાઈટ, મર્ચન્ટ સ્ટોર્સ અને એપ્સ વગેરે ગ્રાહકો ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ વડે પેમેન્ટ કર્યા બાદ કાર્ડની વિગતો સ્ટોર કરે છે. ઘણા કિસ્સાઓમાં વેપારીઓ પાસે ગ્રાહકો સમક્ષ કાર્ડની વિગતો સંગ્રહિત કરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. જાે આ વિગતો લીક થશે તો ગ્રાહકોને નુકશાન થવાની સંભાવના છે. રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર નવા નિયમથી આ જાેખમો ઓછા થશે.
આરબીઆઈની નવી જાેગવાઈઓમાં કહેવામાં આવ્યું છે કે કાર્ડ દ્વારા કરવામાં આવેલા ટ્રાન્ઝેક્શન સંબંધિત વિગતો બ્રાન્ડિંગ પાર્ટનરને આપી શકાશે નહીં. આ જાેગવાઈઓ કો-બ્રાન્ડેડ કાર્ડ સેગમેન્ટમાં કાર્યરત કંપનીઓના બિઝનેસ મોડલને અસર કરી શકે છે કારણ કે આ કંપનીઓ આ વ્યવહારોના આધારે ગ્રાહકોને વિવિધ ઑફર્સ સાથે લલચાવે છે.
આ નવા નિયમની સાથે આરબીઆઈએ ફિનટેક કંપનીઓને અસર કરવા જઈ રહેલા નિયમોને લાગુ કરવામાં કોઈ રાહત આપી નથી. આ સિવાય આમાંની કેટલીક જાેગવાઈઓ કો-બ્રાન્ડેડ કાર્ડ માટે છે, જેમાં સ્લાઈસ, યુનિ, વનકાર્ડ, લેઝીપે (ફાઈ),PayU’s, Jupiter વગેરેનો સમાવેશ થાય છે.
વિવિધ હિતધારકો તરફથી મળેલા સૂચનોને ધ્યાનમાં લઈને, આરબીઆઈએ કાર્ડ-ઓન-ફાઈલ ડેટા સ્ટોર કરવાની સમયમર્યાદા ૩૧ ડિસેમ્બર, ૨૦૨૧થી વધારીને ૩૦ જૂન, ૨૦૨૨ કરી હતી. બાદમાં તેને ફરીથી ૩૦ સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી હતી.હવે રિઝર્વ બેંક આ સમયમર્યાદાને વધુ લંબાવવાનું વિચારી રહી નથી મતલબ કે હવે પેમેન્ટ કંપનીઓએ ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૨ પછી લોકોના ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડનો ડેટા ડિલીટ કરવો પડશે અને નવી ટોકન સિસ્ટમ અપનાવી પડશે.ss1