કેરળમાં સંખ્યા સતત ઘટી રહ્યા છે, બંદી હાથીઃ પાંચ વર્ષમાં 115 મોત
તિરુવનંતપુરમ, ભારતીય સંસ્કૃતિમાં ગણેશજીનો ભારે મહિમા છે. કદાચ એટલે જ દેશભરમાં હાથીઓને દેવતાનો દરજ્જાે અપાય છે. અનેક સ્થળે હાથીઓની પૂજા પણ થાય છે. હાથી દક્ષિણનાં કેરળ, તમિલનાડુ, કર્ણાટક જેવાં રાજ્યોની સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. જાેકે, કેરળમાં તો હવે બંદી હાથીઓની સંખ્યા સતત ઘટી રહી છે.
વર્ષ ૨૦૦૮માં અહીં ૯૦૦ બંદી હાથી હતા, પરંતુ હવે તેમની સંખ્યા ૫૦% જેટલી ઘટીને ૪૪૮ થઈ ગઈ છે. ૨૦૧૮માં સૌથી વધુ હાથીનાં મોત નોંધાયાં હતાં. આ વર્ષે કેરળમાં આશરે ૩૪ હાથીનાં મોત થયાં છે, જ્યારે છેલ્લાં ૫ વર્ષનો આંકડો ૧૧૫ સુધી પહોંચે છે.
હાલમાં જ કેરળના પ્રસિદ્ધ મંગલમકુન્નુ કેશવન નામના હાથીનું મૃત્યુ થયું. હકીકતમાં કેશવન પાસે ગયા વર્ષે થ્રિસૂર પૂરમ ઉત્સવની પરેડ કરાવાઈ હતી. આ દરમિયાન ભીષણ ગરમીના કારણે તેનું આરોગ્ય બગડ્યું. આ પરેડ થલુકુલંગારા શિવ મંદિરમાં થઈ હતી. આ દરમિયાન ટાસ્ક ફોર્સે જાેયું કે હાથી નબળાઈ અનુભવતો હતો અને મહાવતનો આદેશ નહોતો માનતો. ટાસ્ક ફોર્સના રિપોર્ટમાં માલુમ પડ્યું કે તેને ફિટનેસ સર્ટિફિકેટ વિના જ પરેડમાં સામેલ કરાયો હતો. તેના પગ અને આંતરડાની બીમારીની સાથે પેરાલિસિસ પણ થઈ ગયો હતો.
આ રિપોર્ટ આવ્યા પછી સરકારે કેશવનને સેવાનિવૃત્તિ શિબિરમાં મોકલી દીધો. છેવટે ૧૪ જુલાઈએ ૬૮ વર્ષની ઉંમરે તેનું મૃત્યુ થઈ ગયું. હેરિટેજ એનિમલ ટાસ્ક ફોર્સના સચિવ વી.કે. વેંકટચલમ કહે છે કે જે હાથી બંદી છે તેની વિરુદ્ધ ક્રૂરતા વધી રહી છે. માણસોની કેદમાં જાનવરોની વસતી સતત ઘટી રહી છે.
સામાજિક કાર્યકર પુરુષ એલુર કહે છે કે ધનિકો દેખાડા માટે તહેવારો વખતે હાથીઓની પરેડ કરાવે છે. આ દરમિયાન તેઓ ના તો હવામાન જુએ છે, ના તો હાથીના આરોગ્યનું ધ્યાન રાખે છે. ઉત્સવોમાં ફટાકડા ફૂટે છે, જેનાથી હાથી ખૂબ તણાવમાં આવે છે. હવે તો લગ્ન-સગાઈ જેવા ઘરેલુ કાર્યક્રમમાં પણ હાથીઓને બોલાવાય છે, જે એક ખતરનાક ટ્રેન્ડ છે.
કેરળમાં દર વર્ષે સરેરાશ ૨૫ બંદી હાથી મૃત્યુ પામે છે. કેરળ વન વિભાગના આંકડામાં માહિતી મળી કે બંદી હાથીઓનાં મૃત્યુનું સૌથી મોટું કારણ તેમના માલિકો દ્વારા કરાતો દુર્વ્યવહાર છે. છેલ્લા એક દસકામાં માલિકો દ્વારા ૧૬ ઈજાગ્રસ્ત હાથી જપ્ત કરાયા છે.
કોચીન દેવસ્વમ બોર્ડના અધ્યક્ષ વી.નંદકુમાર કહે છે કે તાજેતરનાં વર્ષોમાં આપણે અનેક પ્રસિદ્ધ હાથી ગુમાવ્યા છે. આપણે હાથીઓ વિના થ્રિસૂર પૂરમ જેવાં આયોજનોની પરંપરા કેવી રીતે જાળવી શકીશું? સરકારે વન્ય જીવન(સંરક્ષણ) કાયદો, ૧૯૭૨માં સુધારો કરવો જાેઇએ.