સમર તરીકે સાગર પારેખને જોઈ પારસના ફેન્સ નારાજ
મુંબઈ, ટીવી સીરિયલ ‘અનુપમા’ થોડા દિવસ પહેલા એક્ટર પારસ કલનાવતને લઈને ખૂબ ચર્ચામાં હતી. શોમાં અનુપમા અને વનરાજના દીકરા સમરનો રોલ કરતાં પારસને રાતોરાત કાઢી મૂકવામાં આવ્યો હતો. પારસે બીજી ચેનલ પર શો સાઈન કરી દેતાં નારાજ પ્રોડક્શન હાઉસે તેનો કોન્ટ્રાક્ટ રદ્દ કર્યો હતો. જે બાદ પારસે વિવિધ ઈન્ટરવ્યૂ આપીને શોમાં કામ કરવાને ખરાબ સ્વપ્ન સમાન ગણાવ્યું હતું.
સાથે જ તેને પોતાનો પક્ષ મૂકવાની તક પ્રોડક્શન હાઉસે નહોતી આપી તેમ જણાવ્યું હતું. પારસને શોમાંથી કાઢ્યા બાદ રાતોરાત જ નવા સમરને કાસ્ટ પણ કરી લેવાયો હતો. એક્ટર સાગર પારેખની પસંદગી સમરના રોલમાં કરવામાં આવી છે. જાેકે, પારસના ફેન્સ સાગરને સમરના રોલમાં જાેઈને નારાજ હતા.
સાગર પારેખે હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યૂમાં સમરનો રોલ કરવામાં કેવા પડકારોનો સામનો કરવો પડ્યો તેના વિશે વાત કરી છે. સાગરના કહેવા અનુસાર તેના પર ખૂબ દબાણ હતું કારણકે પારસના ફેન્સ તેને સમરના રોલમાં જાેઈને ખુશ નહોતા.
જાેકે, હવે દર્શકો સાગરને સમરના રોલમાં પસંદ કરી રહ્યા હોવાથી તે ખુશ છે. સાગરે સમરનો રોલ ભજવવા અંગે કહ્યું, “મને આનંદ છે કે લોકો મને પ્રેમ આપી રહ્યા છે, સ્વીકાર્યો છે અને હું જે રીતે રોલ ભજવી રહ્યો છું તેના માટે મને પસંદ કરી રહ્યા છે. પારસના ફેન્સ ચોક્કસ હજી પણ ખુશ નહીં હોય પણ મને આનંદ છે કે, દર્શકોએ મને સ્વીકાર્યો છે. આ જ એક્ટર તરીકે મારા માટે સૌથી મોટી સિદ્ધિ છે.” આ સાથે જ સાગરે એમ પણ જણાવ્યું કે, સીરિયલમાં જેમ સમર અનુપમાનો લાડલો છે તેમ રિયલ લાઈફમાં પણ સાગર મમ્મીનો લાડલો છે.
જણાવી દઈએ કે, સોશિયલ મીડિયા પર પારસ કલનાવત અને સાગર પારેખ વચ્ચે ખૂબ સરખામણી થઈ રહી છે. બીજી તરફ સાગરના પર્ફોર્મન્સના વખાણ પણ થઈ રહ્યા છે. પારસ કલનાવત હવે ડાન્સ રિયાલિટી શો ‘ઝલક દિખલા જા ૧૦’માં જાેવા મળશે. આ શો માટે તેણે કમર કસી છે.SS1MS