ગાયો ચરાવવાની ના પાડતાં ખેડૂતને કુહાડીનો ઘા માર્યો

પ્રતિકાત્મક
સાવરકુંડલાના મોટા ઝીંઝુડા ગામે રહેતા એક ખેડૂતે તેના ખેતરમાં ગાયો ચરાવવાની ના પાડતાં તેમના જ ગામના બે લોકોએ હુમલો કર્યો હતો. આ અંગે મયુરભાઈ કનુભાઈ દુધાત (ઉ.વ.૩૦)એ પ્રવીણભાઈ મંગળાભાઈ રાતડીયા તથા ભીમાભાઈ મંગળાભાઈ રાતડીયા સામે ફરિયાદ નોંધાવી હતી.
ઘટનાની વિગત પ્રમાણે, મોટા જીંજુડાથી મોલડી ગામે જવાના જુના માર્ગ પર આવેલી વાડી ખેતરે તેઓ કામ કરતા હતા ત્યારે બંને આરોપીઓ પોતાની ગાયો ચરાવવા લાગ્યા હતા. જેથી તેમણે પોતાના ખેતરમાં ગાયો ચરાવવાની ના પાડતાં ઉશ્કેરાઈ ગાળો બોલવા લાગ્યા હતા.
ઉપરાંત પ્રવીણભાઈએ કુહાડીનો ઘા માથામાં માર્યો હતો અને ભીમાભાઈએ લાકડી વડે મૂઢમાર માર્યો હતો. જતા જતા બંને આરોપીઓ જાનથી મારી નાંખવાની ધમકી આપતા ગયા હતા. સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ બી.કે.રાણા વધુ તપાસ કરી રહ્યા છે.