ગુજરાતમાં શિક્ષણની હાલત કફોડી : કોંગ્રેસ
અમદાવાદ : ગુજરાતનો સરકારના ૧૦૦ ટકા શાળા પ્રવેશના દાવા સામે ભારત સરકારના તાજેતરના નેશનલ હેલ્થ પ્રોફાઈલ – ૨૦૧૯, ચીલ્ડ્રન ઈન ઈન્ડિયા, માનવ સંશાધન મંત્રાલયના એજ્યુકેશન સ્ટેટેસ્ટીક્સમાં માત્ર ૪૩ ટકા બાળકો જ ધોરણ-૧૧ સુધી અભ્યાસ માટે આગળ વધી શકે છે. ધો. ૧૧ સુધીમાં ૫૯ ટકા દિકરીઓનો ડ્રોપ આઉટ છે.
ભાજપ સરકારના ભ્રષ્ટ શિક્ષણ વિભાગના ‘‘ડ્રોપ આઉટ ઘટાડો’ અને શિક્ષણ સુધારણાના મોટા મોટા દાવાઓના પરપોટા ફૂટી ગયા છે. ત્યારે, રાજ્યમાં પ્રાથમીક, માધ્યમિક, ઉચ્ચ માધ્યમિક, ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ અંગે ભાજપ સરકારની ભ્રષ્ટાચારી રીતરસમો, શિક્ષણના વેપારીકરણ અંગે આકરો પ્રહાર કરતા કોંગ્રેસ નેતા અને શિક્ષણવિદ ડા. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, ’ગુજરાતમાં દર ૧૦માંથી ૬ છોકરીઓ ધો.૧૦ પછી અભ્યાસ છોડી દે છે.
ધો.૧માં ૯૭.૧૧ ટકા પ્રવેશ મેળવે છે તેવા સરકારી દાવા વચ્ચે પણ ધો.૯ થી ૧૧ સુધી પહોંચતા આ આંકડો ઘટી જાય છે. સરકાર ‘બેટી બચાવો, બેટી પઢાવો’ ની જાહેરાતો વચ્ચે ગુજરાતમાં આજે પણ છોકરીઓનો સ્કૂલોમાં ડ્રોપઆઉટ રેશિયો ઘણો વધારે છે. રાજયમાં દર ૧૦માંથી ૬ છોકરીઓ ધોરણ ૧૦થી આગળ અભ્યાસ કરી શકતી નથી. ધોરણ ૧માં ૯૭.૧૧ ટકા છોકરીઓના પ્રવેશ અંગેના સરકારી દાવા સામે ધોરણ ૯ થી ૧૧ સુધી પહોંચતા આ આંકડો વધારે ચિંતાજનક રીતે ઘટી જાય છે.
નેશનલ હેલ્થ પ્રોફાઈલ ૨૦૧૯ના રિપોર્ટ મુજબ માત્ર ૪૧.૫ ટકા છોકરીઓ ધોરણ ૧૧ સુધી પહોંચે છે. જે ખૂબ જ ચિંતાજનક કહી શકાય. શાળામાં છોકરીઓના ડ્રોપઆઉટનો આ આંકડો રાષ્ટ્રીય સરેરાશ થી ૧૪.૪ ટકા વધારે છે. દેશમાં ૧૪-૧૭ વર્ષની વય વચ્ચેની સરેરાશ ૫૫.૯૧ ટકા છોકરીઓ ધોરણ ૧૧ અને ૧૨ સુધી અભ્યાસ કરે છે. માનવ સંશાધન વિભાગ દ્વારા વર્ષ ૨૦૧૬-૧૭ના અપાયેલા આંકડાનો અહેવાલ કેન્દ્રિય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સેન્ટ્રલ બ્યૂરો ઓફ હેલ્થ ઈન્ટેલિજન્સ દ્વારા જાહેર કરાયો હતો. રાજયમાં છોકરીઓના હાયર સેકન્ડરી અભ્યાસ મામલે ગુજરાત બિહાર કરતા પણ પાછળ છે. જે ચોંકાવનારી બાબત છે.
ધોરણ ૧૧-૧૨માં ભણતી છોકરીઓની સંખ્યા ૫૭.૪૬ ટકા, રાજસ્થાનમાં ૫૩.૬ ટકા અને પંજાબમાં ૪૫.૮૪ ટકા છે. પ્રાઈમરી સ્કૂલમાં ૯૪.૧૨ ટકા છોકરાઓના એડમિશન સામે છોકરીઓનું ૯૯.૧૧ ટકા છે. પરંતુ ધોરણ ૯-૧૦ સુધી પહોંચતા તે દ્યટીને ૬૮ ટકાએ પહોંચી જાય છે. જયારે છોકરાઓમાં આ સંખ્યા ૮૦ ટકા છે. ધોરણ ૧૧-૧૨ સુધીમાં માત્ર ૪૧.૫ ટકા છોકરીઓ અને ૪૪.૬ ટકા છોકરાઓ અભ્યાસ કરે છે. ઉચ્ચ અભ્યાસ માટે રાજયની સરેરાશ ૪૩.૧૭ ટકા છે. જયારે રાષ્ટ્રીય રેશિયો ૨૦૧૬-૧૭ માટે ૫૫.૪ ટકા હતો. આ બાબતમાં ધોરણ ૧૦ મોટો અવરોધ છે.