પાટણમાં અજાણ્યા વાહનની ટક્કરે ત્રણનાં મોત થયા
પાટણ, પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના પંચાસર ગામ નજીક અકસ્માતનો બનાવ બન્યો છે. અકસ્માતમાં કુલ ત્રણ લોકોનાં મોત થયા છે. અકસ્માતમાં ત્રણથી વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. અહીં એક અજાણ્યા વાહન ચાલકે રિક્ષા અને પદયાત્રીઓને અડફેટે લીધા હતા.
આ બનાવમાં રિક્ષામાં સવાર બે લોકો અને એક પદયાત્રીનું મોત થયું છે. એવી માહિતી મળી છે કે અકસ્માતની ઘટનામાં રિક્ષામાં સવાર ત્રણ લોકોને ગંભીર ઈજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને શંખેશ્વર આરોગ્ય કેન્દ્ર બાદ પાટણ ધારપુર હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે ખસેડાયા છે. અકસ્માતની ઘટનાને પગલે હોસ્પિટલ ખાતે લોકોનાં ટોળેટોળા ઉમટી પડ્યા હતા. મોડી રાત્રે આ અકસ્માત બન્યો હતો.
મળતી માહિતી પ્રમાણે અકસ્માતનો ભોગ બનેલા પદયાત્રીઓ ચાલીને રાધનપુરથી ચોટીલા જતા હતા. આ દરમિયાન પંચાસર ગામ નજીક અજાણ્યા વાહન ચાલક તેમને ટક્કર મારી હતી.
ટક્કર બાદ વાહન ચાલક ફરાર થઈ ગયો હતો. આ બનાવમાં ત્રણ લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધીને ફરાર થઈ ગયેલા વાહન ચાલકની શોધખોળ આદરી છે.SS1MS