અશિસ્તમાં રાચનારા લોકો પર ધાક બેસાડીને પે એન્ડ પાર્કમાં જ વાહનો પાર્ક કરવાની ટેવ પાડવામાં આવશે
હવે ઓન રોડ પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરાશે-તંત્રના ટ્રાફિક એન્ડ પાર્કિંગ સેલે આડેધડ પાર્ક કરાતાં વાહનોનાં ટોઈંગને અસરકારક બનાવવા પર ખાસ ભાર મૂક્યો
અમદાવાદ, અમદાવાદ શહેરને કનડતી સમસ્યાઓમાં રખડતાં ઢોર, બિસમાર રસ્તા ઉપરાંત ટ્રાફિકની સમસ્યા છે. અત્યારે મ્યુનિ.તંત્ર દ્વારા વધતા જતા ટ્રાફિકની સમસ્યાનાં નિરાકરણ માટે નવા ફ્લાય ઓવરબ્રિજ, રેલવે ઓવરબ્રિજ અને રેલવે અંડરપાસનાં નિર્માણને લગતા કરોડો રૂપિયાના બ્રિજ પ્રોજેક્ટ પર ભાર મુકાઈ રહ્યો છે.
એએમટીએસનો વ્યાપ વધારે છે તો તેનાં નિયમિત સંચાલનનાં ધાંધિયા હોઈ સ્વાભાવિકપણે વધુને વધુ લોકો પોતાના અંગત વાહન વસાવીને નોકરી-ધંધાના સ્થળે જવાનું વધુ પસંદ કરી રહ્યાં છે. પરિણામે દબાણોનાં કારણે પહેલાથી સાંકડા થયેલા રસ્તા પર વાહનોના રાફડે થાય છે. ઉપરાંત વાહનો ક્યાં પાર્ક કરવાં તેનનો જટિલ પ્રશ્ન ઉદ્ભવે છે.
જાેકે મ્યુનિ.સત્તાવાળાઓ રાજ્ય સરકાર પાસેથી તા.૧ નવેમ્બર-૨૦૨૧માં સ્વીકૃત કરેલી પાર્કિંગ પોલિસી હેઠળ વાહનચાલકોને મહત્તમ સ્થળે વાહન પાર્ક કરવાનાં સ્થળો મળે તે માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે. તંત્ર દ્વારા અંડરબ્રિજ નીચેની પાર્કિંગની જગ્યા, મ્યુનિ.પ્લોટના પે એન્ડ પાર્ક વગેરે રીતે વાહનચાલકોને પાર્કિંગની સુવિધા પૂરી પડાઈ રહી છે. પરંતુ હવે તંત્રે રોડ પરના પાર્કિંગની દિશામાં ગંભીરતાથી વિચારણા હાથ ધરી છે. ઓનસ્ટ્રીટ પાર્કિંગનો લાભ નાગરિકોને મળતો થાય તે માટેનાં ચક્રો ગતિમાન કરાયાં છે.
મ્યુનિ.તંત્રની ટ્રાફિક પોલિસીના અમલીકરણ માટે ટ્રાફિક એન્ડ પાર્કિંગ સેલની રચના કરાઈ છે. આ સેલના વડા મ્યુનિ.કમિશનર લોચન સહેરા છે તેમજ ટ્રાફિકના જાેઈન્ટ કમિશનર ઓફ પોલીસ, આરીઆ ઓફિસર અને ગુજરાત ઈન્સ્ટિટ્યૂટ ઓફ સિવિલ એન્જિનિયર્સ એન્ડ આર્કિટેક્ટ (GICEA)ના પ્રતિનિધિ તેમજ મ્યુનિ.તંત્રના સંબંધિત એસ્ટેટ વિભાગના અધિકારીઓ છે.
ટ્રાફિક પોલીસીને સુચારુ ઢબથી અમલમાં મુકાય તે માટે સર્વપ્રથમ આડેધડ પાર્કિંગ કરતા વાહનચાલકો સામે લાલ આંખ કરવાની સૂચના ટ્રાફિક એન્ડ પાર્કિંગ સેલ દ્વારા ટ્રાફિક પોલીસને અપાઈ હોવાનું જાણવા મળ્યું છે. જે લોકો મ્યુનિ.કોર્પાેરેશનના પે એન્ડ પાર્ક સાવ નજીક હોય તો પણ ત્યાં પૈસા ખર્ચીને વાહન પાર્ક કરવા ટેવાયેલા નથી.
એવા લોકોનાં વાહનને ટ્રાફિક પોલીસને ટોઈંગ વિભાગ દ્વારા તત્કાળ ઉપાડીને આવા અશિસ્તમાં રાચનારા લોકો પર ધાક બેસાડીને પે એન્ડ પાર્કમાં જ વાહનો પાર્ક કરવાની ટેવ પાડવામાં આવશે.
અત્યારે સામાન્ય લોકોની રોડ પર મનફાવે તેમ વાહન પાર્ક કરવાની આદત છે. જજીસ બંગલો જેવા પોશ વિસ્તારમાં રોડ પર પાર્ક કરેલી કારની આડેધડ બીજી કાર પાર્ક કરેલી હોય તેવાં દૃશ્યો સામાન્ય થઇ ગયાં છે. આ પ્રકારનું પાર્કિંગ રસ્તો તો સાંકડો કરે જ છે,
પરંતુ છાશવારે નાના-મોટા અકસ્માતો સર્જીને વાહનચાલકો વચ્ચે આપસના ટંટા-ફસાદનું નાહકનું કારણ પણ બને છે. સુશિક્ષિત એવા લાકો પણ ટ્રાફિકની સેન્સમાં ઊણા ઊતરી રહ્યા હોય તો રિક્ષાચાલકો પાસે તો કેવી રીતે ટ્રાફિક સેન્સની અપેક્ષા રાખી શકાશે ? એકંદરે શહેરીજનોની તેમનાં વાહન પાર્ક કરવાની ઉતાવળ કહો કે બેદરકારી ગણો, પણ પાર્કિંગની સમસ્યા દિન-પ્રતિદિન વકરતી જાય છે.
મ્યુનિ.સત્તાવાળાઓએ પબ્લિક પાર્કિંગની સુવિધાને મુખ્યત્વે ઓફ સ્ટ્રીટ પાર્કિંગ અને ઓન સ્ટ્રીટ પાર્કિંગ એમ બે પ્રકારમાં વહેંચી નાંખી છે, જેમાં ઓફ સ્ટ્રીટ પાર્કિંગ હેઠળ ૧૯ હજારથી વધુ ટુ-વ્હીલર અને ફોર વ્હીલરની પાર્કિંગની સુવિધા તંત્ર દ્વારા ઉપલબ્ધ કરાઈ છે.
હવે તંત્રે ફરી એક વાર ઓન સ્ટ્રીટ પાર્કિંગ તરફ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. ભૂતકાળમાં પ્રહલાદનગર રોડ પર ઓન સ્ટરીટ પાર્કિંગનો પ્રયોગ તંત્રે હાથ ધર્યાે હતો. પરંતુ તે નિષ્ફળ નીવડ્યો હતો. આ પ્રકારના અનુભવોને ધ્યાનમાં રાખીને હવે સત્તાવાળાઓ છાશ પણ ફૂંકી ફૂંકીને પીવા માગે છે.
સત્તાવાળાઓ કહે છે ઓન સ્ટ્રીટ પે એન્ડ પાર્કમાં ફક્ત જે તે રસ્તો ૧૦૦ ફૂટ કે ૧૩૨ ફૂટ પહોળો હોય તે બાબત નહીં જાેવાય, તેના બદલે એવા પહોળા રસ્તા પસંદ કરાશે કે જ્યાં દબાણ કે ટ્રાફિક જામની સમસ્યા ન હોય.
એટલે શહેરના મુખ્ય રસ્તાને બદલે અન્ય રસ્તા પણ ઓન સ્ટ્રીટ પાર્કિંગ માટે પસંદ થઈ શકે છે. અત્યારે સીજી રોડને કરોડો રૂપિયાના ખર્ચે વિકસિત કરાયા બાદ ત્યાં સ્ટેડિયમ ચાર રસ્તાથી પંચવટી ચાર રસ્તા સુધીના રોડ પર ઓન સ્ટ્રીટ પાર્કિંગની સુવિધા વાહન ચાલકોને પૂરી પડાઈ છે.
જે હેઠળ ૮૩૯ ટુ વ્હીલર અને ૪૧૫ ફોર વ્હીલર પાર્ક થઈ શકે છે. ઉપરાંત હેપી સ્ટ્રીટ ખાતે પણ ઓન સ્ટ્રીટ પાર્કિંગની સુવિધા છે. ત્યાં ૧,૬૫૭ ટુ વ્હીલર અને ૨૯૪ ફોર વ્હીલર મળીને કુલ ૧૯૧૧ વાહનો માટે ઓન સ્ટ્રીટ પાર્કિંગની સુવિધા છે.