અમદાવાદના કુલદીપ યાદવ ૨૮ વર્ષ પાકિસ્તાનની જેલમાં રહીને આવ્યા
અમદાવાદ, ભલે રક્ષાબંધ જતી રહી પરંતુ ચાંદખેડામાં રહેતા રેખાને આ પવિત્ર દિવસ ગયા પછી બહુ મોટી ભેટ મળી છે. તેમનો ભાઈ કુલદીપ યાદવ ૨૮ વર્ષ સુધી પાકિસ્તાનની જેલમાં રહ્યા પછી ઘરે આવ્યો છે. આ રેખા માટે બહુ જ ખુશીની વાત છે. કુલદીપ યાદવ હવે ૫૯ વર્ષના થઈ ગયા છે.
તેમને પાકિસ્તાનની એજન્સીઓ દ્વારા જાસૂસીના કેસમાં પકડ્યા પછી આજીવન કેદની સજા સંભળાવી હતી. તેમને પાછલા અઠવાડિયે જ પાકિસ્તાન સુપ્રીમ કોર્ટ દ્વારા મુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, અને તેમને વાઘા બોર્ડરથી ૨૮ ઓગસ્ટે ભારતમાં મોકલવામાં આવ્યા છે.
રેખા દર વર્ષે તેમના ભાઈ કુલદીપને પાકિસ્તાનની કોટ લખપત જેલમાં રાખડી મોકલતા હતા, જ્યારે કે ૨૦૧૩ પછી તેમના ભાઈ સાથેના સંપર્ક તૂટી ગયા હતા ત્યારે પણ તેઓ રાખડી મોકલતા હતા.
તેઓ ભાઈને રાખડી મોકલીને તેમનું સ્વાસ્થ્ય સારું રહે અને તેઓ સાજા-સમા રહે તેવી પ્રાર્થના કરતા હતા. કુલદીપને જેલમાંથી મુક્તિ મળ્યા બાદ તેમને હાશકારો થયો છે, પરંતુ હજુ તેમની પરીક્ષા પૂર્ણ નથી થઈ. તેમને પોતાની આજીવિકાને લઈને ચિંતા છે, તથા સરકાર અને નાગરિકો તરફથી મદદ મળે તેવી ભાવનાત્મક અપીલ કરી છે.
પત્રકારો સાથે વાત કરીને કુલદીપ યાદવે કહ્યું કે, “૧૯૯૨માં મને પાકિસ્તાન મોકલવામાં આવ્યો હતો. વિદેશની ધરતી પર ૨ વર્ષ સુધી સેવા કર્યા પછી, મેં ૧૯૯૪માં ભારત આવવાની યોજના બનાવી હતી, પરંતુ સ્વદેશ પરત ફરતા પહેલા મને ૧૯૯૪માં પાકિસ્તાનની એજન્સીઓએ પકડી લીધો હતો અને કોર્ટની સામે રજૂ કર્યો હતો. બે વર્ષ સુધી વિવિધ એજન્સીઓ દ્વારા મારી પૂછપરછ કરવામાં આવી હતી.
પાકિસ્તાનની એક કોર્ટે તેમને ૧૯૯૬માં આજીવન કેદની સજા સંભળાવી હતી અને તેઓ લાહોરની કોટ-લખપત જેલમાં બંધ હતા. કુલદીપ યાદવને પંજાબના સરબજીત સાથેની પોતીની મિત્રતા પણ યાદ છે, જેમને પાકિસ્તાનમાં આતંકવાદી અને જાસૂસના દોષિ ગણાવવામાં આવ્યા હતા.
પાકિસ્તાનની જેલમાં બંધ કેદીઓના હુમલામાં તેમનું મોત થઈ ગયું હતું. તેમણે કહ્યું કે, “મને કોટ-લખપતમાં દિવંગત સરબજીતને મળવાનો મોકો મળ્યો હતો. જેલના અધિકારીઓ દર પખવાડિયે અમારી સાથે બેઠક કરાવતા હતા. સરબજીતના મોત સુધી પાકિસ્તાનના અને ભારતીય કેદી એક જ બેરેકમાં રહેતા હતા. આ પછી પાકિસ્તાની અને ભારતીય કેદીઓને અલગ કરી દેવામાં આવ્યા હતા.
પાછલા અઠવાડિયે કુલદીપ યાદવને ભારતીય અધિકારીઓ વાઘા બોર્ડર પર લેવા માટે આવ્યા હતા અને એક પોલીસ અધિકારી દ્વારા તેમને ઘરે લઈ જવામાં આવ્યા હતા, તેમના ભાઈ દિલીપે કહ્યું કે, “આટલા લાંબા સમય પછી અમારા માટે તેમને ઓળખવા મુશ્કેલ હતા, તેઓને પણ અમને ઓળખવામાં મુશ્કેલી પડી હતી.SS1MS