Western Times News

Gujarati News

ખારીકટ-ફતેવાડી યોજનાનો 35000 હેક્ટર વિસ્તાર  નર્મદા યોજનાના પિયત વિસ્તારમાં સમાવી લેવાશે

 મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો ખેડૂત હિતલક્ષી વધુ એક નિર્ણય -૧૧૧ ગામોના ૬ હજારથી વધુ ખેડૂતોને મળશે લાભ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ૧૧૧ ગામોના ખેડૂતોને સિંચાઇ માટે પૂરતું પાણી મળી રહે તેવા ઉદાત્ત અભિગમથી વધુ એક ક્રાંતિકારી કૃષિ હિતલક્ષી નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રીશ્રીએ કરેલા આ નિર્ણય અનુસાર ખારીકટ-ફતેવાડી યોજનાના અંદાજે ૩પ હજાર હેક્ટર પિયત વિસ્તારને સરદાર સરોવર નર્મદા યોજનાના પિયત વિસ્તારમાં સમાવી લેવાશે.

ખારીકટ-ફતેવાડી યોજનાનો આ આશરે ૩પ હજાર હેક્ટર પિયત વિસ્તાર નિયમીત પાણીના અભાવે છેલ્લા ઘણા વર્ષોથી સિંચાઇના પાણીની તકલીફ ભોગવતો હતો.

એટલું જ  નહીં,અત્યાર સુધી સરદાર સરોવર યોજનામાંથી જેટલું શક્ય બને એટલું પાણી આ પિયત વિસ્તારને આપીને ખેતી બચાવવામાં આવી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ ૧૧૧ ગામોના અંદાજે ૩પ હજાર હેક્ટર પિયત વિસ્તારને સરદાર સરોવર યોજનાના પિયત વિસ્તારમાં સમાવી લેવાનો ત્વરિત નિર્ણય કરીને આ લાંબા સમયથી પડતર પ્રશ્નનો સુખદ ઉકેલ લાવી દીધો છે.

શ્રી ભૂપેન્દ્ર પટેલના આ કિસાન હિતકારી નિર્ણયને પરિણામે ૧૧૧ ગામોના ૬ હજારથી વધુ ખેડૂતોને પણ સિંચાઇ માટે સરદાર સરોવર યોજનાના પિયત વિસ્તારોના અન્ય ખેડૂતોને જે રીતે નિર્ધારીત પાણી મળે છે તે જ રીતે નર્મદા જળ મળતું થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.