Western Times News

Gujarati News

સોશ્યલ મીડીયાના માધ્યમથી ૧૨.૭૫ કરોડ ભક્તોએ ઘરે બેઠા સોમનાથ મહાદેવના દર્શન કર્યાં

સોમનાથ, શ્રાવણ માસનો પ્રારંભ તા.૨૯ જુલાઇના રોજ થયેલ અને તા.૨૭ ઓગસ્ટના શ્રાવણની પુર્ણાહુતી થયેલી હતી. શ્રાવણ માસની પુર્ણીમા,ચાર સોમવારો,જન્માષ્ટમી,સાતમ-આઠમ, અગીયારસ, માસિક શિવરાત્રી, અમાસ સહિતના પર્વો હર્ષોલ્લાસ સાથે ભક્તિમય વાતાવરણમાં ઉજવાયા હતા.

સોમનાથ મહાદેવના દર્શન, પુજન, અર્ચન કરીને ૧૦ લાખ થી વધુ ભક્તો ધન્ય બન્યા હતા. ખાસ કરીને શ્રાવણના સોમવારો દરમ્યાન યોજાતી પાલખીયાત્રા, માસિક શિવરાત્રિ પર્વે યોજાતા પ્રહર પુજનમાં જ્યોત પુજન, મહાપૂજા, મહાઆરતિ યાત્રીકોની સવિશેષ હાજરી નોંધાઈ હતી.

શ્રાવણ માસ પર્યન્ત દેવાધિદેવ સોમનાથ મહાદેવને ભક્તો દ્વારા ૩૯૦ ધ્વજા રોપણ, ૫૧૦ સોમેશ્વર મહાપૂજન, ૮૪ સવાલક્ષ બિલ્વપૂજા, ૬૮૬૫ રૂદ્રાભિષેક, ૨,૪૯૩ બ્રાહ્મણભોજન સહિતની પુજાવિધિ સાથે ૪૫૯૫ મહામૃત્યુંજય મંત્રજાપ કરી ધન્યતા અનુભવી હતી. શ્રાવણ માસ પર્યન્ત શ્રી સોમનાથ યજ્ઞશાળા ખાતે વિશ્વકલ્યાણ માટે યોજવામાં આવતા મહામૃત્યુજય યજ્ઞ અંગે શ્રદ્ધાળુઓમાં વિશેષ આકર્ષણ જાેવા મળ્યું હતું.

જેના કારણે માસ પર્યન્ત ૧૬,૦૮૮ યાત્રીકો એ મહામૃત્યુંજય યજ્ઞમાં આહુતિ અર્પણ કરી હતી આમ પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવને ૩,૩૭,૮૪૮ યજ્ઞઆહુતિ અર્પણ કરવામાં આવી હતી. શ્રાવણ માસ દરમીયાન યાત્રીકો દ્વારા સોમનાથ મહાદેવને ભક્તો દ્વારા પુજાવિધિ,ડોનેશન સ્વરૂપે કેશ, ઇ-પેમેન્ટ ,કાર્ડ સ્વાઇપ, દ્વારા ૨.૩૭ કરોડની રકમ અર્પણ કરવામાં આવેલ. ૩૦.૨૩ લાખની કુલ કિમતના ધાર્મિક પૂજાવિધિ માટે ઉપયોગમાં લઈ શકે તેવા ચાંદિના સીક્કા યાત્રીકોએ સ્મૃતિ ચિહ્ન તરીકે ખરીદ્યા હતા.

શ્રાવણ દરમિયાન અનેક મહાનુભાવોએ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી, જેમાં દેશના તત્કાલીન ઉપરાષ્ટ્રપતિ શ્રી વૈકૈયા નાયડું જી, ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ, રાજ્યસભા સાંસદ શ્રી પ્રકાશ જાવડેકર ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી નિમાબેન આચાર્ય, ગુજરાત રાજ્યના મંત્રીશ્રીઓ સર્વ શ્રી જીતુભાઇ વાઘાણી, શ્રી પુર્ણેશભાઇ મોદી,

શ્રી કુબેરભાઇ ડીંડોર, શ્રી નરેશભાઇ પટેલ, શ્રી મનિષાબેન વકીલ, ઉપરાંત કર્ણાટકના પુર્વ રાજ્યપાલ શ્રી વજુભાઇ વાળા, પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, સહિતના મહાનુભાવો સોમનાથ પધાર્યા હતા.

શ્રાવણમાસમાં સોમનાથ મહાદેવના દર્શન કરોડો લોકોને ઘરે બેઠા થઈ શકે તેના માટે સોશ્યલ મીડીયા મહત્વનું માધ્યમ બન્યુ હતું. જેમાં ટ્રસ્ટ દ્વારા વિવિધ શોશ્યલ મીડીયા પ્લેટફોર્મ પર ૪૫ દેશમાં વસતા ૧૨.૭૫ કરોડ થી વધુ ભક્તોએ સોમનાથ મહાદેવના નિત્યદર્શન, પુજા, આરતી, જીવંત પ્રસારણ સહિતનો લાભ લીધો હતો. શ્રાવણ માસ દરમિયાન નિત્ય દર્શન અને એમના વિશેષ મહાત્મ્ય સમજાવતા વિડિયો તૈયાર કરવામાં આવતા હતા, જેમને પણ ભક્તો દ્વારા વિશેષ પ્રતિસાદ મળેલો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.