બોરસદમાં યુવતીને મળવા આવનારા યુવકને ઝાડ સાથે બાંધીને માર માર્યો
આણંદ, બોરસદ તાલુકાના બદલપુર ગામે પ્રેમની તાલિબાની સજા કરવામાં આવી હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ બદલપુર ગામે પહોચી હતી. સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરીને ફરિયાદ લેવાની તજવીજ હાથ ધરી હતી. પ્રેમીને ઝાડ સાથે બાંધીને લાકડીથી તેમજ લાફાનો માર માર્યાનો આક્ષેપ કરાયો છે.
ચર્ચાતી વાતો અનુસાર હરિપુરા ગામે રહેતા એક મેઘરાજસિંહ પ્રતાપસિંહ પરમારને બદલપુરની યુવતીસાથે પ્રેમસંબંધ બંધાયો હતો.
સોમવારે સાંજના સુમારે યુવક યુવતીને મળવા માટે આવતા યુવતીના પરિવારજનોને ખબર પડી જતા તેને પકડી લઈ, એક ઝાડ સાથે દોરડાથી બાંધી દઈને લાકડીથી તેમજ લાફાનો અને ગડદાપાટુનો માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
વીડિયોમાં યુવકને ઝાડ સાથે બાંધેલી હાલતમાં સ્પષ્ટ જાેઈ શકાય છે. સમગ્ર ઘટનાની જાણ ડીએસપીને થતાં જ ખંભાતના એએસપી સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ બદલપુર ગામે પહોંચી હતી. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર પૈસા લેતી દેતી છે પરંતુ તેને પ્રેમપ્રકરણ આપી દેવાયું છે.
હરિપુરાના મેઘરાજ પરમારના ઘરે લગ્ન પ્રસંગ હોય બદલપુરના વિજયભાઈ મંડપવાળાને મંડપ બાંધવાનું કામ સોંપ્યુ હતું જેમાં બાકી પૈસાને લઈને છેલ્લા કેટલાક સમયથી બન્ને વચ્ચે તકરાર ચાલી રહી હતી જેને પગલે આ ઘટના બની છે.