નડિયાદ ખાતે 27 કરોડના ખર્ચે નિર્માણ થયેલ અદ્યતન જિલ્લા પંચાયત ભવનનું લોકાર્પણ
(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદ ખાતે અંદાજે રૂ.૨૭ કરોડના ખર્ચે નિર્માણ થયેલ અદ્યતન જિલ્લા પંચાયત ભવનનું લોકાર્પણ કરવા સાથે નડિયાદ, માતર અને વસો તાલુકામાં જન સુવિધા અને જનસુખાકારીના રૂ.૧૫.૩૦ કરોડના વિકાસ કામો સહિત કુલ રૂ.૪૨.૩૦ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ – ખાતમુહૂર્ત કર્યું
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતમાં વિકાસના પાયા મજબૂત રીતે નાખ્યા હોવાથી આજે આપણા રાજ્યની વિકાસ યાત્રા દેશ અને દુનિયા નિહાળી રહી છે. ગુજરાતમાં સરકારી યોજનાના લાભો છેવાડાના માનવી સુધી પહોંચ્યા છે. તેના કારણે જ ગુજરાત સમગ્ર દેશનું ગ્રોથ એન્જીન બન્યું છે. ગુજરાત વિકાસના તમામ ક્ષેત્રોમાં હરણફાળ ભરી રહ્યું છે. આરોગ્ય, શિક્ષણ, માર્ગો, વીજળી અને પીવાના પાણી જેવી પાયાની સુવિધાઓ ગુજરાતના દરેક ખુણામાં પહોંચી છે.
શ્રી પટેલે ઉમેર્યું કે, બે દાયકા પૂર્વે વિકાસ માત્ર એક ક્ષેત્ર કે વિસ્તાર પૂરતો સીમિત હતો. જેમ કે, વડોદરાથી વાપી સુધી જ ઔદ્યોગિક વિકાસ થતો હતો. આજની સ્થિતિએ વિકાસની ક્ષીતિજાે વિસ્તરી છે અને ગામડા તથા તાલુકા સુધી તમામ પાયાની સુવિધાઓ સાથે જિલ્લા મથકો ઉપર આધુનિક સુવિધાઓ આપવામાં આવી રહી છે.
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના વિવિધ ક્ષેત્રમાં થયેલા વિકાસની ભૂમિકા આપતા જણાવ્યું કે, પહેલા પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે ડ્રોપ આઉટ રેશિયો ૩૭ ટકા જેટલો હતો. જે આજે ઘટીને માત્ર ૩ ટકા જેટલો જ રહ્યો છે. તેની સાથે આરોગ્ય ક્ષેત્રે પણ સુવિધાઓનો વિસ્તાર કરવામાં આવ્યો છે. જન આરોગ્યની ખેવના માટે ગામેગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, વેલનેસ સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે. તેનાથી ગ્રામીણોને ઘર આંગણે આરોગ્યની સુવિધા પ્રાપ્?ત થઇ રહી છે.
મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ખેડા જિલ્લાના નડિયાદ ખાતે અંદાજે રૂ.૨૭ કરોડના ખર્ચે નિર્માણ થયેલ અદ્યતન જિલ્લા પંચાયત ભવનનું લોકાર્પણ કરવા સાથે નડિયાદ, માતર અને વસો તાલુકામાં જન સુવિધા અને જનસુખાકારીના રૂ.૧૫.૩૦ કરોડના વિકાસ કામો સહિત કુલ રૂ.૪૨.૩૦ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ – ખાતમુહૂર્ત કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.