પુતિનની નજીકના લોકોને કરાઈ રહ્યા છે ટાર્ગેટ ??

રશિયાના ઓઈલ કિંગનું હોસ્પિટલની બારીમાંથી પડી જતા મોત
મોસ્કો,રશિયાના લુકોઈલ ઓઈલ કંપનીના ચેરમેન રવીલ મગનોવનું મોસ્કોમાં એક હોસ્પિટલની બારીમાંથી પડી જતા મોત થઈ ગયું છે. કંપનીએ તેમના મૃત્યુની પુષ્ટી કરી, પરંતુ માત્ર એટલું જ કહ્યું કે, ૬૭ વર્ષના મગનોવનું ગંભીર બીમારી બાદ નિધન થઈ ગયું હતું. રશિયન મીડિયાએ કહ્યું કે, તેમની મોસ્કોના સેન્ટ્રલ ક્લિનિકલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી અને તેમનું મોત થઈ ગયું છે.
રવીલ મગનોવ રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિનની ઘણી નજીક હોવાનું મનાતું હતું. તેમના મોતે પુતિનના નજીક લોકોમાં ભય ફેલાવી દીધો છે. રશિયા-યુક્રેનના યુદ્ધની શરૂઆતથી જ રશિયાના પ્રેસિડન્ટ પુતિનની નજીકના લોકો ટાર્ગેટ પર છે. પહેલા તો અમેરિકા અને યુરોપીયન દેશોએ પુતિનની નજીકના લોકોની સંપત્તિઓ જપ્ત કરી અને બાદમાં તેમના પર પ્રતિબંધ મૂકી દીધો.
હવે, રશિયામાં પુતિનના નજીકના લોકોની અલગ-અલગ અકસ્માતોમાં મોતનો સીલસીલો પણ શરૂ થઈ ગયો છે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, આ મોતોનો રશિયા-યુક્રેન યુદ્ધ સાથે સંબંધ હોઈ શકે છે. રશિયન તપાસ અધિકારીઓએ કહ્યું કે, તેઓ ઘટનાસ્થળે તપાસ કરી રહ્યા છે, જેથી મોતનું સાચું કારણ જાણી શકાય. સૂત્રોને ટાંકીને જણાવ્યું કે, મગનોવ છઠ્ઠા માળની બારીમાંથી પડી ગયા હતા.
એજન્સીએ બાદમાં જણાવ્યું કે, રવીલ મગનોવે પોતે જ પોતાનો જીવ લીધો છે. રશિયાની પોલીસ પ્રાથમિક દ્રષ્ટિએ આ ઘટનાને આત્મહત્યાનો મામલો માની રહી છે. પરંતુ, તાજેતરના સમયમાં વ્લાદિમીર પુતિનની નજીકના લોકોના એક પછી થઈ રહેલા મોતથી રશિયાની ચિંતા વધી ગઈ છે. રશિયાના યુક્રેન પર આક્રમણ કર્યા પછી તરત જ લુકોઈલ ઓઈલ કંપની બોર્ડે આ યુદ્ધના પીડિતો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરતા સંઘર્ષને જલદી બંધ કરવાનું આહવાહન કર્યું હતું.
યુક્રેન પર આક્રમણના જવાબમાં બ્રિટેને લુકોઈલ ઓઈલ કંપનીના અબજપતિ પ્રેસિડન્ટ વાગિટ અલેપેરોવ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. એ કારણે એપ્રિલમાં તેમને કંપનીનું અધ્યક્ષ પદ છોડવું પડ્યું હતું. આ વર્ષે એપ્રિલમાં રશિયાની ગેસ ઈન્ડસ્ટ્રી નોવાટેકના પૂર્વ ડેપ્યુટી ચેરમેન સર્ગેઈ પ્રોટોસેન્યા, તેમની પત્ની અને દીકરીની લાશ એક સ્પેનિશ વિલામાં મળી હતી.
રશિયાની પ્રાઈવેટ બેન્કિંગ કંપની ગજપ્રોમબેંકના એક પૂર્વ વાઈસ પ્રેસિડન્ટ વ્લાદિસ્લાવ અવાયવની લાશ પણ એપ્રિલમાં મોસ્કોના તેમના ફ્લેટમાંથી મળી હતી. મેમાં રશિયન પેટ્રોલિયમ બિઝનેસ કંપની લુકોઈલના અબજપતિ માલિક એલેક્ઝેન્ડર સુબ્બોટિનનું હાર્ટ એટેકથી મોત થઈ ગયું હતું.
ઓગસ્ટમાં વ્લાદિમીર પુતિનનું બ્રેન કહેવાતા રાજકીય વિશ્લેષક એલેક્ઝાન્ડર દુગિનને પણ નિશાન બનાવી એક હુમલો કરાયો હતો. આ હુમલામાં દુગિનને બદલે તેમની દીકરીનું મોત થઈ ગયું હતું. આ ઘટના રશિયાની રાજધાની મોસ્કોમાં બની હતી. દુગિનની હત્યા માટે કારમાં બોમ્બ લગાવાયો હતો, જેને ભૂલથી દુગિનની દીકરીએ સ્ટાર્ટ કરી દીધો અને તેના વિસ્ફોટમાં તેનું મોત થઈ ગયું હતું.ss1