અયોધ્યા ચુકાદા અગાઉ મુંબઈમાં સુરક્ષા સઘન
મુંબઈ, સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા રામ જન્મભૂમિ-બાબરી મસ્જીદ (Ram janmabhumi babri mosque verdict) વિવાદિત કેસના ચુકાદા પૂર્વે મુંબઈ પોલીસે સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દીધી છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર પણ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. પોલીસ અધિકારીને જણાવ્યા મુજબ અગાઉથી પ્રતિબંધિત આદેશ લાગુ કરી દેવાયો છે અને આ ચુકાદાને લઈને કોઈ ઉજવણી કે માતમ નહીં મનાવવાનું ફરમાન જાહેર કરી દેવાયું છે. ડિસેમ્બર 1992માં બાબરી મસ્જીદ વિવાદિત માળખાને તોડી પાડ્યા બાદ મુંબઈમાં હિંસક કોમી અથડામણો થઈ હતી અને અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા.
સુપ્રીમના ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ 17 નવેમ્બરના તેમના નિવૃત્તિ અગાઉ ચુકાદો જાહેર કરે તેવી પ્રબળ સંભાવના છે. મુંબઈના પોલીસ કમિશ્નર સંજય બર્વેએ સોમવારે મુસ્લિમ સમાજના કેટલાક જાણીતા સભ્યો સાથે મુલાકાત કરી હતી. તેઓ પત્રકારો, આધ્યાત્મિક ગુરૂઓને પણ મળ્યા હતા અને સુપ્રીમનો જે પણ ચુકાદો આવે તેને સ્વીકારવા જણાવ્યું હતું.
ઉચ્ચ પોલીસ અધિકારીના મતે ચુકાદા અગાઉ મુંબઈમાં લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે. ખાસ કરીને અત્યંત સંવેદનશીલ વિસ્તારમાં વધુ તકેદારી રાખવામાં આવશે. સુપ્રીમનો જે પણ ન્યાય હોય તેને દરેકે સમુદાય તરીકે નહીં પરંતુ નાગરિક તરીકે સ્વીકારવો જોઈએ.
મુંબઈ પોલીસે 4-18 નવેમ્બર સુધી કલમ 144 લાગુ કરી છે જેને પગલે ગેરકાયદે રીતે ચારથી વધુ લોકોનું ટોળું એકત્ર થઈ શકશે નહીં. આ ઉપરાંત ચુકાદા બાદ કોઈ ઉજવણી કે શોક મનાવી શકાશે નહીં. મુંબઈ પોલીસનું સોશિયલ મીડિયા સેલ અને સાયબર સેલ તમામ પ્લેટફોર્મ ઉપર પણ ચાંપતી નજર રાખશે અને કોઈ ઉશ્કેરણીજનક કન્ટેન્ટ હશે અથવા સમાજની લાગણી દુભાય તેવો પ્રચાર કરાશે તો કાયદેસરની કાર્યવાહી કરાશે. પોલીસે લોકોને અફવાઓથી ગેરમાર્ગે નહીં દોરવાય જવાની સલાહ આપી છે અને કોઈ અફવા ફેલાવે કે ઉશ્કેરે તો તેવા તત્વોની પોલીસને તાત્કાલિક જાણ કરવા પણ અપીલ કરાઈ છે.