અમદાવાદ મ્યુ. કમીશ્નરે વધુ એક વખત શાસકોને શિરે ઠીકરો ફોડયો
આસી.કમીશ્નરની ભરતીમાં થયેલ ગેરરીતિની છુપાવવા કમીશ્નર ચાલુ
|
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં રપ આસી. મ્યુનિસિપલ કમીશ્નરની ભરતી પ્રક્રિયા સોમવારે પૂર્ણ થઈ છે. મ્યુનિ.કમીશ્નર અને શાસકો માટે ભલે ભરતી પ્રક્રિયા પુરી થઈ હોય પરંતુ તેની પધ્ધતિ સામે અનેક સવાલો શરૂ થયા છે. આસી.કમીશ્નર ની જગ્યા માટે જાહેર કરવામાં આવેલી લાયકાત, લેખિત પરીક્ષા તેમજ ઈન્ટરવ્યુ સુધીની પ્રક્રિયા વિવાદમાં રહી છે.
લાયકાત અને ભરતી પ્રક્રિયામાં સુધારો કરવા વ્યાપક માંગણી |
આ મામલે મ્યુનિ.કમીશ્નર વધુ એક વખત શાસકોના માથે ઠીકરો ફોડવામાં સફળ થયા છે. પરંતુ મ્યુનિ. કમીશ્નરને છેલ્લા દિવસ સુધી પારદર્શિતાની દુહાઈ આપવાની ફરજ પડી છે.તે બાબત પણ નકારી શકાય તેમ નથી ! આસી.કમીશ્નરની ભરતી પસંદગીમાં ખોટું થયુ હોવાના આક્ષેપ હજી સુધી થઈ રહયા છે. સાથે-સાથે મનપામાં વર્ષોથી ફરજ બજાવતા કર્મચારીઓના ભાવિ પર પ્રશ્નાર્થ લાગી ગયો હોવાની પણ ચર્ચા ચાલી રહી છે.
મ્યુનિ.કમીશ્નરે “નકકી કરેલા” ઉમેદવારો ની યાદીને સ્ટાફ સીલેકશન કમીટીએ મંજૂરીની મ્હોર લગાવ્યા બાદ રપ આસી. મ્યુનિ.કમીશ્નર અધિકારીઓની સીટ કન્ફર્મ થઈ ગઈ છે. મનપામાં થયેલ ભરતીમાં ૧પ ઉમેદવારો આંતરીક અને ૧૦ ઉમેદવારો બહારથી પસંદગી કરવામાં આવ્યા છે. સુત્રોએ જણાવ્યા મુજબ રપ પૈકી લગભગ ર૦ નામો અગાઉથી જ નિશ્ચિત જ હતા.
કોગ્રેસના પ્રવકતા બદરૂદીન શેખે પણ ઈન્ટરવ્યુ અગાઉ જે નામો જાહેર કર્યા હતા તે પૈકી મોટાભાગ ના ઉમેદવારો પસંદ થયા છે. તેથી આસી.મ્યુનિ.કમીશ્નરની ભરતી પ્રક્રિયામાં મોટાપાયે ગરબડ થઈ હોવાની શકયતા નકારી શકાય તેમ નથી ! સોમવારે સ્ટાફ સિલેકશન કમીટી સમક્ષ ઉમેદવારોની યાદી રજુ કરતા પહેલા શુક્રવાર અને શનિવારે ઉમેદવારોના મૌખિક ઈન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. આસી. કમીશ્નરની ભરતી પ્રક્રિયા મામલે કોંગ્રેસ દ્વારા કમીશ્નર સામે શંકાની સોથ તાકવામાં આવી હતી.
તેથી કમીશ્નરે તેમના સ્વભાવ મુજબ ચુંટાયેલી પાંખ પર ઠીકરો ફોડવા માટે તખ્તો તૈયાર કર્યો હતો. તથા શનિવારે ઈન્ટરવ્યુ ચાલુ હોવા છતાં થોડા સમય માટે બહાર આવી ને નકકી કરેલ પ્લાનનો અમલ કર્યો હતો. કમીશ્નરે ભરતી પ્રક્રિયા પારદર્શક હોવાની તથા ઈન્ટરવ્યુ આઈઆઈએમના પ્રોફેસર લઈ રહયા હોવાની જાહેરાત કરી હતી.
મ્યુનિ.કોર્પોરેશનના આંતરિક સુત્રોએ વધુમાં કહ્યું હતું કે મ્યુનિ. કોર્પોરેશનમાં ર૦૦૯ની સાલથી લેખિત પરીક્ષા અને ઈન્ટરવ્યુ માટે આઈઆઈએમના પ્રોફેસરની મદદ લેવામાં આવે છે. ર૦૦૯માં ડે.મ્યુનિ. કમીશ્નર અને આસી.મ્યુનિ. કમીશ્નર ની ભરતી માટે પણ આઈઆઈએમના પ્રોફેસરે જ ઈન્ટરવ્યુ લીધા હતા. એ અલગ બાબત છે કે તમામ ઈન્ટરવ્યુ સમયે એકમાત્ર પ્રોફેસર બૈજુ ને જ બોલાવવામાં આવે છે !
મ્યુનિ.કોર્પોરેશન આસી.કમીશ્નર માટે જે યોગ્યતાનો અમલ કર્યો છે. તે પણ વિવાદનું કારણ બની છે. કોર્પોરેશનમાં વર્ષોથી ફરજ બજાવતા કર્મચારીઓ માટે પાંચ વર્ષનો વહીવટી અનુભવ ફરજીયાત રાખવામાં આવ્યો છે. જયારે બહાર ના ઉમેદવારો માટે અનુભવને મહત્વ આપવામાં આવ્યું નથી. મતલબ કે ર૦ વર્ષનો ફર્સ્ટકલાસ ગ્રેજયુએટ કોઈપણ અનુભવ વિના માત્ર “ભલામણ” ના આધારે ર૦ વર્ષથી ફરજ બજાવતા અધિકારીના સાહેબ બની જશે !
ચોકાવનારી બાબત એ છે કે આ નવા “સાહેબો” તેમના હાથ નીચે કામ કરનાર અધિકારીઓના પાસેથી વહીવટી તાલીમ મેળવશે ! મ્યુનિ. કોર્પોરેશનમાં જે તે સમયે એમસીકયુ (લેખિત પરીક્ષા) ને મહત્વ આપવામાં આવ્યું હતું. તે સમયના સંજાગોના આધારે શાસકો અને વહીવટીતંત્ર એ ભરતી પ્રક્રિયા અને લાયકાત નકકી કર્યા હતા.
પરંતુ દસ વર્ષ બાદ પણ તેમાં કોઈ જ સુધારો કરવામાં આવ્યો નથી. તંત્ર દ્વારા જે એમસીકયુ ટેસ્ટ લેવામાં આવે છે. તેનાથી કોને ફાયદો થશે તે બાબત સમજની પાર છે ! મ્યુનિ.કોર્પોરેશનની કાર્ય પધ્ધતિ અને પ્રજાકીય કામોની વ્યવસ્થા વિશે પ્રશ્નો પુછવાના બદલે મનઘડત પ્રશ્નો પુછીને ભરતી થઈ રહી છે. જે બંધ કરવી જરૂરી છે.
તેવી જ રીતે બહારની ભરતીમાં પણ વહીવટી અનુભવને ફરજીયાત કરવો આવશ્યક છે. ર૦૦૯માં જે આસી.મ્યુનિ.કમીશ્નરોની ભરતી કરવામાં આવી હતી તે મહાનુભાવો હજી સુધી ૧૦૦ ટકા યોગદાન આપી શકયા નથી. તેના જેવી જ પરિસ્થિતિ નું નિર્માણ થશે. મ્યુનિ.કમીશ્નર અને શાસકોએ કોને ખુશ કરવા માટે વહીવટી અનુભવની લાયકાતમાં સુધારો કર્યો નથી તે પક્ષ પ્રશ્ન છે ! એકાદ-બે ને ખુશ રાખવામાં ૬પ લાખ નાગરીકોનો દ્રોહ થઈ રહયો છે. તે બાબત આ મહાનુભાવો વહેલી તકે સમજે તે વધુ યોગ્ય રહેશે. હાલ જે દસ ઉમેદવારોની પસંદગી થઈ છે. તેમને તાલીમ આપવામાં જ બે વર્ષ જેટલો સમય લાગશે તે બાબત પણ નિશ્ચિત છે.
મ્યુનિ.કોર્પોરેશનમાં એક સાથે રપ આસી.કમીશ્નરની ભરતી થયા બાદ હાલ વર્ષોથી ફરજ બજાવતા કર્મચારીઓના ભવિષ્ય પર પ્રશ્નાર્થ લાગી ગયો છે. હેડ ઓફ ધ ડીપાર્ટમેન્ટની કેડર બાદ આસી.કમીશ્નર અને ડે.મ્યુનિ.કમીશ્નરના પદ માટે પ્રમોશનના રસ્તા બંધ છે. મનપાના કર્મચારીઓને જ ઉચ્ચ હોદ્દો મેળવવા માટે કહેવાતી “પારદર્શક” પ્રક્રિયામાંથી પસાર થવાનું રહેશે.
આસી.કમીશ્નર માટે જે ૧પ ઉમેદવારોની આંતરિક ભરતી થઈ છે. તેમાં પાંચ જેટલા ઉમેદવારો માત્ર એક જ વિભાગમાં કામ કરતા હતા. નોંધનીય છે કે આ વિભાગને “કમીશ્નર”ની પસંદગીનો વિભાગ માનવામાં આવે છે. જેમાં છેલ્લા દોઢ વર્ષે દરમ્યાન અબજા રૂપિયા ખર્ચ પણ થયા છે. પરંતુ કામો માત્ર “પારદર્શક” ભરતી જેવા જ રહયા છે. તેવા કટાક્ષ પણ મ્યુનિ. ભવનમાં થઈ રહયા છે.