Western Times News

Gujarati News

ટ્રાન્સસ્ટેડિયા ખાતે સમારોહમાં ૩૬મી નેશનલ ગેઈમ્સનો મૅસ્કોટ અને ઍન્થમ લૉન્ચ થશે

Transtadia Ahmedabad Gujarat

કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ તા.૪થી સપ્ટેમ્બર, રવિવારે લોન્ચ કરશે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય રમત-ગમત મંત્રી શ્રી અનુરાગ ઠાકુર અને  રાજ્યના રમત-ગમત મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની ઉપસ્થિતિમાં ૧૧મા ખેલ મહાકુંભનું વિધિવત સમાપન પણ યોજાશે

ગુજરાતના પેરા-ઍથ્લેટ્સનું સન્માન કરાશે : ખેલ પ્રતિભા પુરસ્કાર એનાયત કરાશે

અમદાવાદના ટ્રાન્સસ્ટેડીયા ખાતે રવિવારે, તા. ૪થી સપ્ટેમ્બરે યોજાનારા ભવ્ય સમારોહમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ ૩૬મા રાષ્ટ્રીય રમતોત્સવના મૅસ્કોટનું અનાવરણ કરશે.

ગુજરાતમાં ૨૯ સપ્ટેમ્બર થી ૧૨ ઓક્ટોબર દરમિયાન રમાનારી ૩૬મી નેશનલ ગેઈમ્સનું ઍન્થમ પણ આ રંગારંગ કાર્યક્રમમાં લૉન્ચ કરાશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, રમત-ગમત અને યુવા પ્રવૃત્તિઓના કેન્દ્રીય મંત્રી શ્રી અનુરાગ ઠાકુર, ગુજરાતના રમત-ગમત અને યુવા પ્રવૃત્તિઓના મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી તથા ભારતના જાણીતા રમતવીરોની ઉપસ્થિતિમાં આ સમારોહમાં નેશનલ ગેઈમ્સની વેબસાઈટ અને મોબાઇલ એપ્લિકેશન પણ લૉન્ચ કરાશે.

‘રમત-ગમતના માધ્યમથી રાષ્ટ્રીય એકતાની ઉજવણી’ની થીમ પર આઝાદીના અમૃત મહોત્સવ પર્વે ગુજરાતમાં યોજાઇ રહેલી ૩૬મી નેશનલ ગેઈમ્સ અંતર્ગત અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત, રાજકોટ અને ભાવનગર ખાતે વિવિધ પ્રકારની ૩૬ રમતોમાં ૩૬ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ૨૦,૦૦૦

જેટલા રમતવીરો, પ્રશિક્ષકો અને રમતગમત ક્ષેત્રના અધિકારીઓ ભાગ લેશે. ૩૬મી નેશનલ ગેઈમ્સના ભવ્યાતિભવ્ય આયોજન પહેલાં મેસ્કોટ અને એન્થમ લૉન્ચિંગનો ભવ્ય રંગારંગ સમારોહ અમદાવાદના વિશાળ ટ્રાન્સસ્ટેડિયમ ખાતે રવિવારે સાંજે ૬.૦૦ કલાકે યોજાશે.

ટ્રાન્સસ્ટેડીયાના એકા એરેના ખાતે યોજાઈ રહેલા આ સમારોહમાં ગુજરાત રાજ્યમાં નેશનલ ગેઈમ્સના આયોજન માટે ઇન્ડિયન ઑલિમ્પિક એસોસિએશન, ગુજરાત રાજ્ય ઑલિમ્પિક એસોસિએશન અને ગુજરાત સરકાર વચ્ચે કરારો થશે.

ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલા ૧૧મા ખેલ મહાકુંભનું વિધિવત સમાપન પણ આ સમારોહમાં યોજાશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૧૨ મી માર્ચ,૨૦૨૨ ના રોજ ૧૧મા ખેલ મહાકુંભનો શુભારંભ કરાવ્યો હતો. ગ્રામ્ય, શાળા, તાલુકા, જિલ્લા, ઝોન અને રાજ્યકક્ષાએ યોજાયેલા ખેલ મહાકુંભમાં રેકોર્ડ બ્રેક ૫૫ લાખ ખેલાડીઓએ ભાગ લીધો હતો.

વ્યક્તિગત ઉપરાંત ટીમ, શાળા, અને જિલ્લા કક્ષાએ વિજેતા થયેલા ખેલાડીઓને ₹ ૩૦ કરોડના ઇનામો એનાયત કરાયા છે. સફળતાપૂર્વક યોજાઈ ગયેલા ૧૧મા ખેલ મહાકુંભના વિજેતાઓને મહાનુભાવોના હસ્તે પુરસ્કારની રકમ એનાયત કરાશે અને ૧૧મા ખેલ મહાકુંભનું વિધિવત સમાપન યોજાશે.

ગુજરાતના પેરા-ઍથ્લેટ્સએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતોમાં રાજ્ય અને રાષ્ટ્રનું ગૌરવ વધાર્યું છે. ગુજરાતના આવા ચાર પેરા-ઍથ્લેટ્સનું પણ આ પ્રસંગે સન્માન કરાશે. સાથોસાથ તેજસ્વી ખેલાડીઓને ખેલ પ્રતિભા પુરસ્કાર પણ એનાયત કરાશે.

આઝાદીના અમૃત મહોત્સવના વર્ષમાં ગુજરાતમાં યોજાઇ રહેલી ૩૬મી નેશનલ ગેઈમ્સ માટે ગુજરાત અને ભારતમાં અભૂતપૂર્વ ઉત્સાહ અને ઉત્સુકતા છે. રાજ્ય સરકાર રાષ્ટ્રીય રમતોત્સવમાં ભારતભરના રમતવીરો, પ્રશિક્ષકો અને રમતગમત પ્રેમીઓને આવકારવા આતુર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.