નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા પાંચમી સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિનની ઉજવણીનું આયોજન
વડોદરાના માનવ ડાહ્યાભાઈ પરમારનું પ્રતિભાશાળી વિદ્યાર્થી તરીકે તેમજ મા ભારતી શાળાનું સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર દ્વારા માનનીય શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી દ્વારા રાજ્યકક્ષાએ સન્માન થનાર છે
શ્રેષ્ઠ શાળા, શ્રેષ્ઠ બાલવાડી સહિત શિક્ષક તેમજ આચાર્યને સન્માનિત કરીને ઉજવણી કરવામાં આવશે
વડોદરા, ભારતનું ભાવી તેના વર્ગખંડોમાં ઘડાઈ રહ્યું છે અને દેશના ભાવિ નાગરિકોના ઘડતરમાં શિક્ષક પાયાની ભૂમિકા નિભાવી રહ્યા છે ત્યારે આગામી 5 સપ્ટેમ્બરના રોજ વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સમાજ તેમજ દેશના ઘડતરમાં અભૂતપૂર્વ યોગદાન આપનાર શિક્ષકોને સન્માનિત કરવાનું આયોજન કરવામાં આવેલ છે.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા તા. ૦૫/૦૯/૨૦૨૨ ના રોજ પંડિત દિનદયાલ હોલ આજવા ખાતે આ કાર્યક્રમનું આયોજન કરેલ છે. શિક્ષક દિનની ઉજવણીના ભાગરૂપે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત શાળાઓ અને શિક્ષકોમાંથી શ્રેષ્ઠ શાળા શ્રેષ્ઠ શિક્ષક તેમજ બાલવાડી વિભાગમાંથી શ્રેષ્ઠ બાલવાડી અને શ્રેષ્ઠ બાલવાડી શિક્ષકને સન્માનિત કરવામાં આવે છે. ચાલુ વર્ષે એક નવીન પહેલ શરૂ કરવામાં આવી છે. જેમાં સમિતિ કક્ષા અને ઝોન કક્ષામાં અલગ અલગ સ્તરે શાળા/બાલવાડી, આચાર્ય અને શિક્ષકોને સન્માનિત કરવામાં આવનાર છે. આ કાર્યક્રમ અંતર્ગત સમિતિ કક્ષાએ એક – એક શ્રેષ્ઠ શાળા, શ્રેષ્ઠ આચાર્ય, શ્રેષ્ઠ શિક્ષક (ધોરણ ૧ થી ૫), શ્રેષ્ઠ શિક્ષક (ધોરણ ૬ થી ૮) શ્રેષ્ઠ બાલવાડી તથા શ્રેષ્ઠ બાલવાડી શિક્ષકને સન્માનિત કરવામાં આવશે. જ્યારે ઝોન કક્ષાએ પ્રથમ, દ્વિતીય અને તૃતીય એમ ત્રણ શ્રેષ્ઠ શાળા, શ્રેષ્ઠ આચાર્ય, શ્રેષ્ઠ શિક્ષક (ધોરણ ૧ થી ૫) તથા શ્રેષ્ઠ શિક્ષક (ધોરણ ૬ થી ૮)ને સન્માનિત કરવામાં આવશે.
આ ઉપરાંત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત પંડિત દિનદયાલ પ્રાથમિક શાળા (ગુજરાતી માધ્યમ) ના વિદ્યાર્થી માનવ ડાહ્યાભાઈ પરમાર ધોરણ-૮ નું પ્રતિભાશાળી વિદ્યાર્થી તરીકે ગુજરાત રાજ્યના માનનીય શિક્ષણમંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી દ્વારા અમદાવાદ મુકામે સન્માન થનાર છે. તેમજ સ્વચ્છ વિદ્યાલય એવોર્ડ વિજેતા શાળાઓનું પણ સન્માન થનાર છે જેમાં વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિતમાં ભરતી શાળાનું સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર દ્વારા સન્માન થનાર છે.
વધુમાં આ દિવસે સમગ્ર વર્ષ દરમિયાન વયનિવૃત અને સ્વૈચ્છિક નિવૃત થનાર તમામ શાળાઓ, બાલવાડી અને મુખ્ય કચેરીના સ્ટાફને સન્માનિત કરવામાં આવનાર છે. જેમાં ચાલુ વર્ષે કુલ ૨૯ નિવૃત અને સ્વૈચ્છિક નિવૃત થતાં કર્મચારીઓનું સન્માન થનાર છે.
જેમાં મુખ્ય અતિથિ તરીકે માનનીય મંત્રીશ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદી, ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર ડૉ.જયેન્દ્રસિંહ જાદવ, માનનીય મંત્રીશ્રી મનિષાબેન વકીલ, માનનીય મેયરશ્રી કેયુરભાઈ રોકડિયા, સાંસદશ્રી રંજનબેન ભટ્ટ, ધારાસભ્યશ્રીઓ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, વડોદરાના અધ્યક્ષ તથા ઉપાધ્યક્ષ શ્રી અને શિક્ષણ સમિતિના સભ્યશ્રીઓની ઉપસ્થિતિમાં આયોજન થનાર છે.