સરખેજમાંથી બે બોગસ કોલ સેન્ટર ઝડપાયા
એક જ કોમ્પલેક્ષમાં ધમધમતા બંને કોલ સેન્ટરો પર મોડી રાત્રે પોલીસનો દરોડોઃ નવ આરોપીઓની ધરપકડઃ લાખો રૂપિયાની છેતરપીંડી આચર્યાની આંશકા |
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી સાયબર સેલ (Cyber cell ahmedabad raid on call centre in sarkhej ahmedabad, gujarat) દ્વારા કોલ સેન્ટરો પર નજર રાખવામાં આવી રહી હતી અમેરિકાની એફબીઆઈ એજન્સી દ્વારા સ્થાનિક નાગરિકો સાથે કરાતી છેતરપીંડીમાં મોટાભાગના કોલ સેન્ટરો ગુજરાત અને મહારાષ્ટ્રમાં આવેલા હોવાની અપાયેલી માહિતી બાદ ગુજરાત પોલીસ એલર્ટ બનેલી છે.
જેના પરિણામે મોટાભાગના કોલ સેન્ટરોને તાળા વાગી ગયા છે પરંતુ હજુ પણ કેટલાક ભેજાબાજ ગઠીયાઓ શહેરના છેવાડાના વિસ્તારોમાં કોલ સેન્ટર ચલાવી રહયા હોવાની માહિતી મળતા જ છેલ્લા કેટલાક દિવસથી આ અંગે વોચ રાખવામાં આવી હતી.
જેમાં શહેરના સરખેજ વિસ્તારમાં બે કોલ સેન્ટર ધમધમતા હોવાની ચોકકસ બાતમી મળતા જ ગઈકાલ મોડી રાત્રે પોલીસે સરખેજના એકજ કોમ્પલેક્ષમાંથી બે કોલ સેન્ટરો ઝડપી લઈ કુલ ૯ આરોપીઓની ધરપકડ કરી છે અને મોટી માત્રામાં મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓની પુછપરછ કરતા ચોંકાવનારી વિગતો બહાર આવી છે.
વિદેશમાં વસતા નાગરિકોને ફોન કરી લોન અપાવવાના બહાને છેતરપીંડી આચરવામાં આવતી હતી અને અત્યાર સુધીમાં આરોપીઓ દ્વારા મોટી રકમ પડાવી લેવામાં આવી હોવાનું જાણવા મળી રહયું છે. હાલમાં પોલીસ દ્વારા પુછપરછ ચાલી રહી છે.
આ અંગેની વિગત એવી છે કે ખાસ કરીને અમેરિકામાં વસતા નાગરિકોને પ્રીમિયમ (call for insurance premium collection to US citizens) ભરવા ઉપરાંત સરળતાથી અને ખૂબજ ઝડપથી લોન અપાવવાના બહાને છેતરપીંડી આચરવામાં આવતી હતી. આ અંગેની સંખ્યાબંધ ફરિયાદો ઉઠતા અમેરિકાની એફબીઆઈ (FBI, USA) સંસ્થા દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી અને તેમાં ભારતના ગુજરાત અને મહારાષ્ટ્ર રાજયમાંથી કોલ સેન્ટર મારફતે ફોન કરવામાં આવતા હોવાનું બહાર આવ્યું હતું. જેના પગલે આવા કોલ સેન્ટરો પર દરોડાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
ભારતના વિદેશ વિભાગ દ્વારા પણ સતત નજર રાખવામાં આવી રહી છે. ગુજરાત અને મહારાષ્ટ્રમાં ધમધમતા આવા કોલ સેન્ટરો પર વ્યાપક દરોડા પાડવામાં આવ્યા હતા અને કેટલાક મોટા માથાઓની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી
જેના પગલે શહેરી વિસ્તારોમાં ચાલતા કોલ સેન્ટરો બંધ કરી આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હતાં પરંતુ આરોપીઓ દ્વારા હવે શહેરના છેવાડાના વિસ્તારોમાં ખાનગીરાહે આવા કોલ સેન્ટરો ફરી શરૂ કરી દેવામાં આવ્યા છે.
અમેરિકાના નાગરિકો સાથે છેતરપીંડીની ઘટનાઓ વધતા ફરી એક વખત ગુજરાત પોલીસને એલર્ટ કરવામાં આવી હતી અમદાવાદ સાયબર સેલ દ્વારા છેલ્લા કેટલાક દિવસથી ઈન્ટરનેટ પર આધારિત કરવામાં આવતા ફોન ટ્રેસ કરવામાં આવી રહયા હતા અને સોશિયલ મીડીયા પર પણ નજર રાખવામાં આવી રહી હતી જેના આધારે કેટલીક મહત્વપૂર્ણ વિગતો મળી હતી.
શહેરના સરખેજ વિસ્તારમાં ન્યુ આનંદનગર રોડ કોર્પોરેટ વિસ્તારમાં સાણંદ (Sarkhej Area, New Anandnagar Corporate Road) જવાના રોડ પર આવેલા સિગ્નેચર-2 બિલ્ડીંગમાંથી રાત્રિ દરમિયાન સતત અમેરિકામાં ફોન થતા હોવાનું ટ્રેસ થયું હતું. સાયબર સેલે આ અંગેની માહિતી ઉચ્ચ અધિકારીઓને આપી હતી જેના આધારે સ્થાનિક પોલીસને એલર્ટ કરવામાં આવી હતી. વેજલપુર સહિતના પોલીસ સ્ટેશનનો સ્ટાફ સક્રિય બન્યો હતો અને છેલ્લા બે દિવસથી વોચ ગોઠવવામાં આવી હતી.
વોચ દરમિયાન સિગ્નેચર બિલ્ડીંગમાં રાત પડતાં જ બે જેટલી ઓફિસોમાં કેટલાક શખ્સોની શંકાસ્પદ અવરજવર જાવા મળી હતી અને રાતભર આ બંને ઓફિસો ચાલુ રહેતી હોવાથી પોલીસની શંકા વધુ મજબુત બની હતી.
દરમિયાનમાં ગઈકાલ મોડી રાત્રે પોલીસની એક ટીમે સમગ્ર સિગ્નેચર બિલ્ડીંગમાં (Signature Building, S. G. Highway, Ahmedabad) પોલીસ તૈનાત કરી દીધી હતી અને બે ટીમોએ આ બંને ઓફિસોમાં દરોડાની કાર્યવાહી શરૂ કરતા જ અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.
પોલીસે રેડ પાડતા જ આ બંને ઓફિસોમાં હાજર શખ્સોએ નાસભાગ કરી મુકી હતી પરંતુ એલર્ટ બનેલી પોલીસે બંને ઓફિસોમાંથી હાજર કુલ ૯ શખ્સોને રંગે હાથ ઝડપી લીધા હતાં.
પ્રાપ્ત માહિતી મુજબ આ બંને ઓફિસોમાં ગેરકાયદેસર કોલ સેન્ટર ધમધમતા હતાં અને અમેરિકા સહિતના દેશોમાં ફોન કરીને લોન અપાવવાના બહાને છેલ્લા ઘણા સમયથી રૂપિયા પડાવવામાં આવતા હતાં. પકડાયેલા શખ્સોની પુછપરછમાં વધુ કેટલાક શખ્સોના નામો ખુલ્યા છે. પોલીસે બંને ઓફિસોમાંથી કબજે કરેલા લેપટોપ, કોમ્પ્યૂટર સહિતના મુદ્દામાલને તપાસ અર્થે એફએસએલમાં મોકલી આપવામાં આવ્યા છે.(Police recovered Laptop, computer, and send to FSL for further investigation)
આ ઉપરાંત ઓફિસોમાંથી કેટલીક મહત્વપૂર્ણ વિગતો પણ કબજે કરી છે. જેમાં કેટલાક ફોન નંબરો સાથેની માહિતીનો પણ સમાવેશ થાય છે પોલીસે જપ્ત કરેલી ડાયરીઓના આધારે તપાસ શરૂ કરી આ ગુનામાં સંડોવાયેલા અન્ય શખ્સોની પણ શોધખોળ શરૂ કરી દીધી છે. પકડાયેલા શખ્સોમાં કેટલાક અન્ય રાજયોના શખ્સો પણ હોવાનું જાણવા મળી રહયું છે.