Western Times News

Gujarati News

ગુજરાત બ્રેસ્ટ મીટ, ગેસ્ટ્રો-ઈન્ટેસ્ટીનલ ઓન્કોલોજી કોન્ફરન્સ અમદાવાદમાં યોજાઈ

આ ટ્વીન મીટમાં દેશભરમાંથી જાણીતા સ્તન કેન્સર નિષ્ણાતો અને ઓન્કોલોજિસ્ટ્સ ભાગ લઈ રહ્યા છે 

કેન્સર સંચાલનના પડકારો, સર્જરીમાં નવીનતમ પ્રગતિઓ, વિવિધ વિષયો પર ચર્ચાસત્રનું આયોજન 

અમદાવાદ :  4થી ગુજરાત બ્રેસ્ટ મીટ (GBM) અને 5મી મિડ-યર ગેસ્ટ્રો-ઇન્ટેસ્ટીનલ(પેટ અને આંતરડા સંબંધિત) ઓન્કોલોજી કોન્ફરન્સ શનિવારે અમદાવાદમાં શરૂ થઈ હતી. આ કોન્ફરેન્સમાં રાજ્ય અને દેશના જાણીતા સ્તન કેન્સર નિષ્ણાતો અને ઓન્કોલોજિસ્ટ્સ ભાગ લઈ રહ્યા છે.

વર્તમાન જીવનશૈલી અને દૈનિક આહારની આદતો વગેરે સહિતના વિવિધ કારણોસર સ્તન કેન્સર અને ગેસ્ટ્રો-આંતરડાના કેન્સરનો વ્યાપ વૈશ્વિક સ્તરે વધ્યો છે. ભારતમાં પણ સ્તન કેન્સર અને ગેસ્ટ્રો-આંતરડાના કેન્સરનું નિદાન થતા દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો જોવા મળ્યો છે.

આ કોન્ફરન્સના ઓર્ગેનાઈઝિંગ સેક્રેટરી અને અમદાવાદમાં HCG કેન્સર સેન્ટર ખાતે મેડિકલ ઓન્કોલોજી (GI સેવાઓ) ના ડાયરેક્ટર  ડૉ. વિરાજ લવિંગિયાએ જણાવ્યું હતું કે, “4થી ગુજરાત બ્રેસ્ટ મીટ અને 5મી મિડ-યર ગેસ્ટ્રો-ઇન્ટેસ્ટીનલ ઓન્કોલોજી કોન્ફરન્સ મુખ્યત્વે બે વિષયોને આવરી લે છે, એક ગેસ્ટ્રો-આંતરડાનું કેન્સર અને બીજું સ્તન કેન્સર. આ કોન્ફરન્સ એક શૈક્ષણિક સંમેલન છે જેનો હેતુ આ બે પ્રકારના કેન્સર વિશે જાગૃતિ ફેલાવવાનો છે.

દેશભરમાંથી 200 થી વધુ ડોકટરો આ કોન્ફરન્સમાં ભાગ લઈ રહ્યા છે અને અન્ય સહભાગીઓ સાથે કેન્સરની સારવારમાં તેમનું જ્ઞાન અને અનુભવ શેર કરી રહ્યા છે. કોન્ફરન્સનો ઉદ્દેશ્ય ડોકટરોને આ કેન્સરના નવીનતમ વિકાસ અને તેની સારવારથી માહિતગાર કરવાનો છે, જેનાથી તેઓ દર્દીઓને વધુ સારી સેવા અને સંભાળ આપી શકશે.”

4થી ગુજરાત બ્રેસ્ટ મીટના ઓર્ગેનાઈઝિંગ ચેરપર્સન અને HCG કેન્સર સેન્ટરના ડાયરેક્ટર ડૉ. ડી જી વિજયે જણાવ્યું હતું કે, કોન્ફરન્સના પ્રથમ દિવસે નિષ્ણાતો દ્વારા વિવિધ વિષયો વિશે પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. 4થી ગુજરાત બ્રેસ્ટ મીટના ભાગરૂપે, શનિવારે કોન્ફરન્સના પ્રથમ દિવસે યુવા દર્દીઓમાં સ્તન કેન્સરનું સંચાલન કરવાના પડકારો, સ્તન કેન્સર સર્જરીમાં નવીનતમ પ્રગતિઓ અને જોખમ ઘટાડવાની વ્યૂહરચનાઓ પર પેનલ ચર્ચાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

5મી મિડ-યર ગેસ્ટ્રો-ઇન્ટેસ્ટાઇનલ ઓન્કોલોજી કોન્ફરન્સના ઓર્ગેનાઈઝિંગ ચેરપર્સન અને HCG  કેન્સર સેન્ટરના ડાયરેક્ટર ડો. જગદીશ કોઠારીએ જણાવ્યું હતું કે, આ 5મી મિડ-યર ગેસ્ટ્રો-ઇન્ટેસ્ટાઇનલ ઓન્કોલોજી કોન્ફરન્સ દરમિયાન પેનલ વિવિધ વિષયો પર ચર્ચા કરશે. જેમાં ટોચના નિષ્ણાતો દ્વારા પેપર પ્રેઝન્ટેશન અને વિવિધ પ્રકારના ગેસ્ટ્રો-ઇન્ટેસ્ટાઇનલ કેન્સર જેવા કે અન્નનળી, ગેસ્ટ્રિક, સ્વાદુપિંડ, ગુદા વગેરેના વિષયો પર ચર્ચા કરવામાં આવશે.

ડૉ. લવિંગિયાએ વધુમાં જણાવ્યું કે, “4થી ગુજરાત બ્રેસ્ટ મીટ (GBM) અને 5મી મિડ-યર ગેસ્ટ્રો-ઇન્ટેસ્ટીનલ ઓન્કોલોજી કોન્ફરન્સનો પ્રથમ દિવસ ઉત્તમ હતો અને તમામ સહભાગીઓ માટે શીખવાની વિસ્તૃત તક પૂરી પાડી હતી. અમને સહભાગીઓ તરફથી ઉમદા પ્રતિસાદ મળ્યો છે. બીજા દિવસે પણ ઘણા રસપ્રદ સત્રો ગોઠવવામાં આવ્યા છે અને અમને વિશ્વાસ છે કે તે પણ આજના સત્રો અને ઇવેન્ટ્સની જેમ જ ઉપયોગી અને જ્ઞાનવર્ધક બની રહેશે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.