મહર્ષિ દયાનંદ સરસ્વતીના વિચારોએ દેશમાં નવજાગરણ દ્વારા ક્રાંતિ લાવી : રાજ્યપાલ
આર્ય સમાજની વિચારધારાએ દેશની આઝાદી માટે ક્રાંતિકારીઓને નૂતન પ્રેરણા આપી : આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે સૌને સંકલ્પબદ્ધ થવા રાજ્યપાલશ્રીનો અનુરોધ
ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે જણાવ્યું છે કે, મહર્ષિ દયાનંદ સરસ્વતીના વિચારોએ દેશમાં નવજાગરણ દ્વારા ક્રાંતિ લાવી હતી. તેમણે એમ પણ જણાવ્યું કે, આર્ય સમાજની વિચારધારાએ દેશની આઝાદી માટે ક્રાંતિકારીઓને નૂતન પ્રેરણા આપી હતી. જેનાથી દેશના સ્વતંત્રતા સંગ્રામને નવું બળ મળ્યું હતું.
આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભા દ્વારા “હમેં આઝાદી કિસને દિલાઈ” વિષય પર રાજયસ્તરીય પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં સર્વાધિક ગુણ મેળવનારા 78 સફળ વિદ્યાર્થીઓને ટેબ્લેટ વિતરણ કરવાનો સમારોહ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ હોલ ખાતે યોજવામાં આવ્યો હતો.
સ્પર્ધામાં સફળ થયેલાં 78 વિદ્યાર્થીઓને શુભકામના પાઠવતા રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, વિચારની શકિત અમાપ હોય છે. મહર્ષિ દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજના માધ્યમથી વૈદિક જ્ઞાનની પુન: સ્થાપના, નારી ઉત્કર્ષ, કુરીતિઓનું નિવારણ અને રાષ્ટ્રવાદી વિચારધારાથી સમાજમાં નવજાગરણ કર્યું.
તેમણે જણાવ્યું હતું કે, 1857ની ક્રાંતિમાં મળેલી નિષ્ફળતા બાદ અંગ્રેજોનો અત્યાચાર જ્યારે ચરમસીમાએ હતો ત્યારે આઝાદી માટે ક્રાંતિકારીઓની લડતમાં મહર્ષિ દયાનંદના વિચારોએ નવો પ્રાણ પૂર્યો હતો. મહર્ષિ દયાનંદ સરસ્વતીએ કહ્યું હતું કે, વિદેશી રાજા ગમે તેટલા સારા હોય, સ્વદેશી રાજા જ શ્રેષ્ઠ હોય છે. તે વાતને યાદ કરાવી રાજ્યપાલશ્રીએ ઉમેર્યુ હતું કે, સ્વદેશી શબ્દ સૌ પ્રથમ વખત દયાનંદ સરસ્વતીના વિચારોમાંથી મળ્યો હતો તેમણે સૌ પ્રથમ સ્વરાજની વાત કરી હતી.
આર્ય સમાજની વિચારધારાથી પ્રેરિત થઈને સરદાર ભગતસિંહ, રામપ્રસાદ બિસ્મિલ, ભાઈ પરમાનંદ, લાલા લજપતરાય, શ્યામજી કૃષ્ણ વર્મા જેવા અનેક ક્રાંતિકારીઓએ દેશની આઝાદી માટે સ્વાર્પણ કર્યું. આજે પણ આર્ય સમાજની વિચારધારા એટલી જ પ્રસ્તુત છે. તેમણે આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે સૌ સંકલ્પબદ્ધ બને તેવો અનુરોધ પણ કર્યો હતો. આ પ્રસંગે રાજ્યપાલશ્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા પાંચ પ્રાણબિંદુઓને દોહરાવી રાષ્ટ્ર સર્વોપરિના ભાવ સાથે આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે પૂર્ણરૂપે ગુલામીની માનસિકતાથી મુક્ત થવા સૌને સંકલ્પબદ્ધ થવા આહવાન કર્યું હતું.
આ પ્રસંગે ગુજરાત યુનિવર્સિટી અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સસ્ટેનેબલ દ્વારા પ્રાકૃતિક કૃષિમાં પીએચ.ડીનો અભ્યાસક્રમ શરૂ થઈ રહ્યો છે, રાજ્યપાલશ્રીના હસ્તે આ અભ્યાસક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગુજરાત યુનિવર્સિટીમાં હવેથી પ્રાકૃતિક કૃષિ વિષયમાં બી.એસસી, એમ.એસસી ઉપરાંત પીએચ.ડી નો અભ્યાસ પણ થઈ શકશે તે માટે યુનિવર્સિટીના કુલપતિ પ્રો. શ્રી હિમાંશુ પંડ્યાએ જાહેરાત કરી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત રહેલાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ શ્રી પથિક પટવારીએ વૈદિક સંસ્કૃતિના પનરૂત્થાન ઉપરાંત સ્વરાજ માટે દયાનંદ સરસ્વતીના વિચારોથી જે ક્રાંતિ આવી તેને ઉદાહરણ સાથે સમજાવી હતી. જ્યારે ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સમાજના પ્રમુખ શ્રી સુરેશચંદ્ર આર્યએ વૈદિક ધર્મ સંસ્કૃતિ અને મહર્ષિ દયાનંદ સરસ્વતીના વિચારોથી યુવાપેઢી અવગત થાય તે વાત પર ભાર મૂકી આર્ય સમાજની પ્રવૃત્તિ વિશે માહિતી રજૂ કરી હતી.
આ પ્રસંગે ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેસર શ્રી કમલેશ ચોકસી લિખિત પુસ્તકનું રાજ્યપાલશ્રીએ વિમોચન કર્યું હતું. કાર્યક્રમમાં ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભાના મંત્રી શ્રી રતનશી વેલાણી, જામનગર આર્ય સમાજના શ્રી દિપકભાઇ ઠક્કર પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે આભાર દર્શન ગાંધીધામ આર્ય સમાજના શ્રી વાંચોનિધિ આર્યએ કર્યું હતું.