લૂંટેરી દુલ્હને દિવ્યાંગ યુવકને ૩.૮૮ લાખમાં નવડાવ્યો
અમદાવાદમાં લૂંટેરી દુલ્હનનો સપાટો
અમદાવાદ,જાે તમે લગ્ન ઇચ્છુક હોવ અને કોઈ પરિચિત વ્યક્તિઓ પાસેથી અજાણી વ્યક્તિઓનો સંપર્ક કરાવવામાં આવે તો ચેતી જજાે. કારણ કે ફરી એક વખત અમદાવાદ શહેરમાં લુટેરી દુલ્હન અને તેની ગેંગનો કિસ્સો સામે આવ્યો છે. એક યુવકે ત્રણ લાખથી વધારે રૂપિયા ખર્ચ્યા હોવા છતાં પણ યુવતીએ તેની સાથે લગ્ન કર્યા ન હતા અને આ ગેંગના સભ્યો રૂપિયા લઇ ફરાર થઈ ગયા હતા.
એટલું જ નહીં, યુવકને મારી નાખવાની ધમકી પણ આપી હતી. જેને લઈને યુવકે પોલીસ ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મૂળ રાજસ્થાનનો અને અગાઉ અમદાવાદમાં રહેતો અને હાલ મુંબઈમાં રહેતો ૨૯ વર્ષીય યુવક કોપરની બંગડી બનાવવાનું કામકાજ કરે છે અને તે અપંગ છે. બે વર્ષ પહેલાં અમદાવાદ શહેરના ઇસનપુર ખાતે યુવક છૂટકમાં કટલરીનો વેપાર કરતો હતો.
તે સમય દરમિયાન અમરાઇવાડી ખાતે રહેતા વિશ્વનાથ નામના વ્યક્તિ સાથે તે પરિચયમાં આવ્યો હતો. વિશ્વનાથે યુવકને લગ્ન કરવાની સલાહ આપી હતી. બાદમાં લગ્ન કરાવનાર સુરેશભાઈ કે જે બાપુનગરનો રહેવાસી છે તેની સાથે મુલાકાત કરાવી હતી. ગત ૧૨ ઓગસ્ટ ૨૦૨૦માં આ યુવક અને વિશ્વનાથ બંને સુરેશભાઈના ઘરે બાપુનગર ખાતે ગયા હતા. ત્યાં સુરેશભાઈએ તેમના ઘર પાસે રહેતા હરીદાસ તથા રાજુ તથા દિલીપ નામના વ્યક્તિઓ સાથે મુલાકાત કરાવી હતી અને લગ્ન બાબતે વાતચીત થઈ હતી.
બાદમાં રાજુભાઈએ યુવકને મહારાષ્ટ્રમાં અકોલા ખાતે એક છોકરી છે તેમ જણાવતા યુવકે લગ્નનો ખર્ચ પૂછ્યો હતો. જેથી રાજુ નામના વ્યક્તિએ લગ્ન થઈ જાય અને છોકરી તમારા ઘરે આવે ત્યાં સુધી ૨.૩૦ લાખ જેટલો ખર્ચ થશે અને છોકરી અમદાવાદ આવી જાય પછી પૈસા આપવાના રહેશે તેવું જણાવ્યું હતું. બાદમાં રાજુભાઈએ દિલીપભાઈની ગાડી ભાડે લઈ આ યુવક અને વિશ્વનાથ, સુરેશભાઈ, હરિદાસભાઈ, રાજુભાઈ તથા દિલીપભાઈ એક સાથે અકોલા ખાતે ગયા હતા.
બીજા દિવસે ત્યાં પહોંચી રાજુભાઈએ તેમના ઓળખીતા નરેશભાઈને ફોન કરી બોલાવ્યા હતા અને નરેશભાઈએ છોકરીને બતાવતા પહેલા રૂપિયા ૧૧,૦૦૦ શુકન પેટે આપો તો જ છોકરી બતાવીશું નહીં તેમ કહ્યું હતું. જેથી ફરિયાદી યુવકે નરેશભાઈને પૈસા આપ્યા હતા. બાદમાં રાજુભાઈ નરેશભાઈના ઘરે લઈ ગયા હતા. ત્યાં નરેશભાઈ વિમળા માસી, સંજય, સુરજ પાટીલ તથા સુમિત્રા પાટીલ તથા સંજય તથા કલ્યાણીબેન સાથે મુલાકાત કરાવી હતી.
સંજય સુમિત્રાનો બનેવી થતો હતો અને કલ્યાણીબેન સુમિત્રાની બહેન થતી હતી. બાદમાં યુવકે સુમિત્રા પાટીલ સાથે મુલાકાત કરી પોતે અપંગ છે અને કટલરીનો વેપાર કરે છે તેવું જણાવતા સુમિત્રાએ હું મારી મરજીથી તમારી સાથે લગ્ન કરવા તૈયાર છું તેમ કહ્યું હતું. તે સમયે નરેશભાઈએ છોકરીના હાથમાં ૧,૧૦૦ આપવાનું કહેતા યુવકે પૈસા આપ્યા હતા અને અમદાવાદ પરત આવી ગયા હતા.
બાદમાં બીજા દિવસે આ તમામ લોકો બાપુનગર આવ્યા હતા અને પૈસાની વાત કરી હતી. જેથી યુવકે બાપુનગર ચાર રસ્તા ખાતે ૨૦,૦૦૦ રૂપિયા રોકડા આપ્યા હતા. બાદમાં ફોટો કોપી કઢાવી પછી કોર્ટમાં લગ્ન કરવા જઈએ તેમ કહી સામેવાળાઓએ ૨.૨૦ લાખ લઈ લીધા હતા અને ભાગી ગયા હતા અને ફોન બંધ કરી દીધો હતો. બાદમાં આ શખ્સોએ ફોન ઉપાડી ૩૦,૦૦૦ રૂપિયા ખાતામાં નાખો તો અમે છોકરીને લઈને ફરીથી આવીશું તેમ કહ્યું હતું.
બાદમાં આ યુવક મહારાષ્ટ્ર ખાતે ગયો હતો જ્યાં તેની પાસે વધુ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી અને યુવતીને ૧૫ દિવસ પછી તમારી સાથે મોકલીશું તેમ કહી ભરોસો અને વિશ્વાસ આપ્યો હતો. સાથે જણાવ્યું હતું કે, લગ્ન ન થાય તો તમારા પૂરેપૂરા પૈસા તમને પાછા આપી દઈશું. જેથી યુવકે લગ્ન કરવાના ઇરાદે આ તમામ નાણા એટલે કે કુલ ૩.૮૮ લાખ રૂપિયા આ શખ્સોને ચૂકવ્યા હતા.
બાદમાં સુમિત્રા નામની યુવતીએ યુવકને ફોન કરી જણાવ્યું કે હું દિવાળી પછી આવું છું, તમે મને કપડાં ખરીદવા અને જ્વેલરી ખરીદવા પૈસા આપો. જેથી યુવકે પૈસા આપ્યા હતા. જાેકે, યુવતી આવી ન્હોતી અને ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. યુવતી ઘરે ન આવતા યુવકે પૈસા પરત માંગતા આ શખ્સોએ ફોન ઉપર ગાળો બોલી જાનથી મારવા મારી નાખવાની ધમકી આપી હતી.
સાથે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં પગ મૂકીશ તો તને મારી નાખીશું. આ મામલે યુવકે મલકાપુર પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. જ્યાં યુવતીએ ૧૫ દિવસ પછી આવી જઈશ તેવું કહેતા અંદરો અંદર સમાધાન થયું હતું. પરંતુ અનેક દિવસો સુધી રાહ જાેવા છતાં પણ આ યુવતી ન આવતા આરોપી નરેશ, કલ્યાણીબહેન, સુમિત્રા પાટીલ અને તેનો બનેવી સંજય, વિમળા માસી અને સંજય અકોલા વાળો નામના શખ્સોએ ૩.૮૮ લાખ પડાવી લગ્ન ન કરી છેતરપિંડી આચરતા બાપુનગર પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી.