Western Times News

Gujarati News

અંબાજી મેળામાં પરિવારથી વિખુટા પડેલા બાળકોનું પરિવાર સાથે મિલન કરાવવા વિશેષ વ્યવસ્થા કરી

જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા બાળ સુરક્ષા એકમ, ચાઈલ્ડ લાઈન-૧૦૯૮, પોલીસ વિભાગ અને વોડાફોનના સંયુક્ત ઉપક્રમે કરાઈ બાળકોની સુરક્ષા સલામતીની વ્યવસ્થા

મહીસાગરથી મળી આવેલ બે દીકરીઓનું તેમની માતા અને અન્ય વાલી વારસો સાથે સુખદ મિલન

(માહિતી બ્યુરો, પાલનપુર) તા.5 મી સપ્ટેમ્બરથી યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનો શુભારંભ થઈ ચૂક્યો છે. અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળામાં પગપાળા આવનાર યાત્રાળુઓ સાથે મોટી સંખ્યામાં નાના બાળકો પણ આવે છે.

મેળામાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટતો હોઈ નાના બાળકો પરિવારથી વિખુટા પડી જવાના કે ગુમ થવાના બનાવો પણ બનતા હોય છે. ત્યારે ચાલુ સાલે મેળા માં બાળકોની સુરક્ષા અને સલામતી માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ કમ બનાસકાંઠા કલેક્ટરશ્રી આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ ‘‘મેળામાં બાળકની સુરક્ષા જવાબદારી આપણા સૌની”  સ્લોગન સાથે માતૃ મિલન-પ્રોજેક્ટની રચના જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા બાળ સુરક્ષા એકમ, ચાઈલ્ડ લાઈન-૧૦૯૮, પોલીસ વિભાગ અને વોડાફોનના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવેલી છે.

બાળકની સુરક્ષા માટે સૌ પ્રથમ તો બાળક મેળામાં પરિવારથી વિખુટુ પડે જ નહીં તે માટે વિવિધ કામગીરી કરવામાં આવે છે. માતૃ મિલન પ્રોજેકટ અંતર્ગત નાના બાળકો મેળા દરમ્યાન તેમના પરિવારથી વિખુટા પડે અથવા ગુમ થવાના કિસ્સામાં તેમના પરિવારની શોધખોળ તેમજ ગુમ થયેલ બાળકોની શોધખોળની કામગીરી તથા વિખુટા પડેલ બાળકને પરિવાર ન મળે ત્યાં સુધી બાળકને સલામત કસ્ટડીમાં રાખવાની કામગીરી કરવામાં આવે છે. આ પ્રોજેકટ થકી બાળકોને RFID રેડિયો ફિકવન્સી આઇડેન્ટિફિકેશન કાર્ડ પહેરાવવામાં આવે છે.

તા.05/09/2022 ના રોજ વોડાફોન કંપની મારફતે કુલ 79 બાળકોને આર.એફ.આઇ.ડી કાર્ડ પહેરાવવામાં આવેલ તેમજ કંટ્રોલ પોઇન્ટ પર કુલ 4 બાળકો મળી આવેલ જે પૈકી મહીસાગરથી મળી આવેલ બે દીકરીઓને તેમની માતા અને અન્ય વાલી વારસો સાથે સુખદ મિલન કરાવ્યુ હતું.

જ્યારે બીજા બે બાળકોના વાલીઓનો સંપર્ક કરી બાળકોને સોંપવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. વિખુટા પડેલા બાળકોનું પરિવાર સાથે સુખદ મિલન થતા પરિવારજનોએ માતૃ મિલન પ્રોજેકટ અને જિલ્લા વહીવટીતંત્ર પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.