Western Times News

Gujarati News

ડમ્પરે બાઇકને ટક્કર મારતા બે કિશોરનાં ઘટનાસ્થળે મોત 

લીંબડી-સાયલા હાઇવે ફરી રક્તરંજીત બન્યો

ફરી હાઇવે પર અકસ્માતમાં બે વ્યક્તિનાં મોત થતાં જિલ્લામાં એક દિવસમાં માર્ગ અકસ્માતમાં પાંચ વ્યક્તિનાં મોત થયા છે

સુરેન્દ્રનગર,લીંબડી-સાયલા હાઇવે ફરી એક વખત રક્તરંજીત બન્યો છે. લીંબડી સાયલા હાઇવે પર મઢાદ ગામના પાટીયા પાસે ગત રાત્રે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બે સગીરનાં મોત થયા છે. અહીં માતેલા સાંઢની માફક દોડતા ડમ્પરે એક બાઇકને ટક્કર મારતા બે કિશોરનાં ઘટનાસ્થળે જ મોત થયા છે. આ બનાવમાં એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે,

જેને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે મૃતકોની તબિયત સારી ન હોવાથી દવા લેવા માટે હોસ્પિટલ જઈ રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં ડમ્પર કાળ બનીને ત્રાટક્યું હતું. આ બનાવમાં પિતાની નજર સામે જ બંને કિશોરનાં મોત થયા છે. બનાવમાં પિતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઉલ્લેખનીય છે કે મંગળવારે વહેલી સવારે લીંબડી હાઇવે પર વહેલી સવારે કાનપરા ગામના પાટીયા પાસે ગમખ્વાર અકસ્માતમાં ત્રણ વ્યક્તિનાં મોત થયાં હતાં.

ફરી હાઇવે પર અકસ્માતમાં બે વ્યક્તિનાં મોત થતાં જિલ્લામાં એક જ દિવસમાં માર્ગ અકસ્માતમાં પાંચ વ્યક્તિનાં મોત થયા છે. બીજી તરફ હાઇવે પર બેફામ ઝડપે દોડી રહેલા ડમ્પરો સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. મંગળવારે વહેલી સવારે કાનપરા પાટીયા પાસે રાત્રે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક ટેમ્પો ટ્રાવેલર એક ડમ્પર પાછળ ઘૂસી ગયું હતું.

આ બનાવમાં ત્રણ વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે એક વ્યક્તિને ગંભીર રીતે ઘાયલ અવસ્થામાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત અંગેની જે તસવીરો સામે આવી છે તે ખરેખર ડરાવનારી છે. ટેમ્પો ટ્રાવેલરમાં સવાર ત્રણેય વ્યક્તિનાં સીટ પર જ મોત નીપજ્યા હતા. બીજી તરફ ટેમ્પો ટ્રાવેલરના આગળના ભાગનો ભુક્કો બોલી ગયો હતો.

ગત રોજ અકસ્માતનો બીજાે એક બનાવ નવસારી શહેરના નેશનલ હાઇવે નંબર ૪૮ પર બન્યો હતો. જ્યાં ધારાગીરી બ્રિજ પાસે ટ્રક ચાલકે કારચાલકને પાછળથી ટક્કર મારી હતી. કારમાં સવાર પરિવાર મુંબઈથી સુરત આવી રહ્યો હતો. ટ્રક ચાલકે કારને પાછળથી ટક્કર મારતા ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને કાર આગળ ચાલી રહેલા ટ્રક સાથે અથડાઈ હતી. જાેકે, આ અકસ્માતમાં સદનસિબે પરિવારનો આબાદ બચાવ થયો છે. ટ્રક ચાલક અકસ્માત સર્જીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.