ભાગીદારે ૩.પ૪ કરોડ પરત માગતાં માણસો મોકલી 1.60 કરોડમાં મેટર પતાવવા દમદાટી આપી
બે ભાગીદારોનું અપહરણ કરી હોટલમાં ગોંધી રાખી હથિયાર બતાવી હત્યાની ધમકી આપી
(એજન્સી) અમદાવાદ, ઘોડાસરમાં ત્રિપાઠી પરિહાર એન્ડ એસોશિયેટના બે ભાગીદારોનું અપહરણ કરી ઝાયડસ હોસ્પિટલ પાસે આવેલી એક હોટલમાં ગોંધીને હથિયાર બતાવી ધાક-ધમકી આપી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ભાગીદારે રૂ.૩.પ૪ કરોડ પરત માગતા વેપારીએ માણસો મોકલી રૂ.૧.૬૦ કરોડમાં મેટર પતાવી દે,
નહીંતર હાથ-પગ તોડીને મારી નાખીશ’ એવી ધમકી પણ આપી હતી. કાગડાપીઠમાં રહેતા મોહિતભાઈ ત્રિપાઠીએ તરંગ પાટડિયા, વિશાલ પાટડિયા, હિતેન્દ્ર પાટડિયા, દીપેશ સોની, તેજલ સોની, વિનોદ જાદવ, ગોપાલ જાદવ, જયેશ ઉર્ફે મુસડ અન્ય શખ્સો વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવી છે.
મોહિતભાઈએ સીએનો અભ્યાસ કર્યો છે અને તેઓ તેમના પાર્ટનર દીપકભાઈ સાથે મળીને ત્રિપાઠી પરિહાર એન્ડ એસોશિયેટ નામની ફર્મ દ્વારા વ્યવસાય કરે છે. વર્ષ ર૦ર૦માં મણિનગરમાં રહેતા તરંગ પાટડિયા તથા તેમના ભાઈ વિશાલ તેમજ પિતા હિતેન્દ્ર પાટડિયા મોહિતભાઈની ઓફિસ આવ્યા હતા.
આ સમયે જીએસટી, ઈન્કમટેકસ તેમજ ટેકસ ઓડિટના કામકાજની વાતચીત થઈ હતી ત્યારબાદ અવારનવાર તેઓ ઓફિસે આવતા જતા હતા. ત્યારબાદ તરંગ તેમજ વિશાલે મોહિતભાઈને કહ્યું કે અમને તમારું કામ ગમ્યું છે, જેથી અમે તમારી સાથે કામ કરવા માંગીએ છીએ,
તરંગે મોહિતભાઈને કહ્યું કે તમે અમારી પાસે પૈસાનું રોકાણ કરશો તો તમને સારી એવી કમાણી થશે. આથી મોહિતભાઈને તરંગ પર વિશ્વાસ આવી ગયો હતો. મોહિતભાઈએ તરંગને કુલ ત્રણ કરોડ પ૪ લાખ રૂપિયા રોકાણ કરવા માટે આપ્યા હતા. થોડા દિવસ બાદ મોહિતભાઈ તેમણે આપેલા રૂપિયાની ઉઘરાણી કરવા તેઓની ઓફિસ પર ગયા હતા
ત્યારે તરંગની પત્ની અને તેના પિતા હિતેન્દ્ર હાજર હોવા છતાં રૂપિયા આપી દેવાના વાયદા કરતા હતા. તરંગની પત્ની તેજલ મોહિતભાઈને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતી હતી. ત્યારબાદ મોહિતભાઈને ડર લાગતા તેઓ પરત ઓફિસે આવી ગયા હતા.
જાેકે તરંગ મોહિતભાઈની ઓફિસે જયારે આવતો ત્યારે કહેતો કે તમારા પૈસા ટૂંક સમયમાં કિલયર કરી આપીશું. થોડા દિવસ બાદ ફરી તરંગે મોહિતભાઈને કહ્યું કે મારી લોન પાસ થાય એટલે આવતા અઠવાડિયા સુધીમાં તમને તમારા રૂપિયા પરત કરી દઈશ. ત્યારબાદ આ શખ્સોએ કહ્યું કે અમને તરંગે મોકલ્યા છે. તેઓ આમ કહીને ધાક-ધમકીઓ આપતા હતા. આ તમામ શખ્સો મોહિતભાઈ અને દીપકભાઈને બળજબરીપૂર્વક લઈ ગયા હતા.
મોહિતભાઈ અને દીપકભાઈને બાઈક પર અપહરણ કરીને ઝાયડસ કેડિલા હોસ્પિટલની બાજુની ગલીમાં આવેલી એક હોટલમાં લઈ ગયા હતા, જયાં પહેલાથી તરંગ હાજર હતો. મોહિતભાઈ અને દીપકભાઈને ખુરશીમાં બેસાડી દીધા હતા. વિનોદ જાદવ નામના શખ્સે કમરના ભાગેથી હથિયાર કાઢીને ખાટલા પર મુકયું હતું.
આ તમામ આરોપીઓએ ભેગા થઈને કહ્યું કે આ રૂપિયાની મેટર દોઢ કરોડમાં પતાવવાની છે થોડીવારમાં માથાભારે શખ્સ મુસાળાભાઈ ઉર્ફે મુસડથી ફેમસ છે.
તેણે મોહિતભાઈ અને દીપકભાઈ પાસે આવીને કહ્યું કે ૧.૬૦ કરોડમાં વાત પતાવવાની છે, જાે નહીં માને તો તારા હાથ-પગ તોડીને જાનથી મારી નાખીશું તેણે આમ કહેતાં મોહિતભાઈ અને દીપકભાઈ ડરી ગયા હતા. મોહિતભાઈ આરોપીઓએ જેમ કહ્યું એમ કરવા લાગ્યા હતા. ત્યારબાદ મોહિતભાઈને હોટલમાં ગોંધી રાખીને વધુમાં કહ્યું કે પોલીસ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખીશ.