રખડતા ઢોરની સમસ્યામાંથી મુક્તિ ક્યારે?
શહેરના બાપુનગર, નિકોલ, ઓઢવમાં ઢોરનો આતંક યથાવત
ઢોર પાર્ટીની કામગીરી માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે, સ્માર્ટ રોડ હજુ સુધી ઢોર મુક્ત થયા નથી
અમદાવાદ,રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યા હવે સૌથી મોટી સમસ્યા બની ગઇ છે. કારણ કે રખડતા ઢોરના કારણે રાજ્યમાં અનેક અકસ્માતો સર્જાય છે. જેના કારણે ક્યાંક કોઇકનું મોત નીપજે છે તો ક્યાંક કોઇ ઘાયલ થાય છે. જેથી ગુજરાત હાઈકોર્ટે રખડતા ઢોરના ત્રાસ મુદ્દે થયેલી જાહેરહીતની અરજીની સુનાવણી હાથ ધરી હતી.
જેમાં હાઈકોર્ટે સરકાર પોલીસ વિભાગ અને મહાનગરપાલિકાની ઝાંટકણી કાઢી હતી.ગુજરાત હાઈકોર્ટની અનેક ફટકાર બાદ પણ અમદાવાદ શહેરમાં રસ્તા પર રખડતા ઢોરના ત્રાસની સ્થિતિ લગભગ યથાવત્ જાેવા મળી રહી છે. શહેરના બાપુનગર, નિકોલ, ઓઢવમાં ઢોરનો આતંક યથાવત છે. શહેરના સ્માર્ટ રોડ હજુ સુધી ઢોર મુક્ત થયા નથી.
આ પરથી ઢોર પાર્ટીની કામગીરી માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે.સ્થાનિકના જણાવ્યા અનુસાર, ‘કોર્પોરેશનની ટીમ ઢોર પકડવા આવતી નથી. ઢોરના કારણે રોડ પર નીકળવામાં પણ ડર લાગે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મનીઓ ખાલી ગાડી લઈને આવે છે અને ઢોરને પકડ્યા વગર ચાલ્યા જાય છે.’
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યામાંથી મુક્તિ અપાવવા હાઈકોર્ટે રખડતા ઢોર મુદ્દે એક્શન પ્લાન બનાવવા આદેશ આપ્યો છે. ઢોર પાર્ટી પર હુમલો કરનારાઓ પર પાસા લગાવવા હાઈકોર્ટે આદેશ આપ્યો છે. તેમજ બનાવેલા પ્લાનનો અમલ કરવાનો પણ હાઈકોર્ટે આદેશ આપ્યો છે.
ભારતીય દંડ સંહિતાની કલમ ૩૩૨, ૩૩૮ અને ૧૮૮ હેઠળ ગુનો નોંધવાનો હાઇકોર્ટે આદેશ આપ્યો છે. આ સાથે હાઈકોર્ટે સુનાવણી દરમિયાન રખડતા ઢોરની સમસ્યા પર અંકુશ લાવવા રાજ્ય સરકાર સહિત પોલીસ વિભાગ અને તમામ મનપા અને નગરપાલિકાઓને કડક પગલા લેવા આદેશ આપ્યા છે.ss1