પાકિસ્તાને ૧ વિકેટે રોમાંચક વિજય મેળવ્યો
શ્રીલંકાની ટીમે પણ ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે
ફરીદ અહમદ અને આસિફ અલી વચ્ચે જાેરદાર ઝઘડો
અલીએ પોતાના હાથમાં રહેલું બેટ બોલર અહમદ તરફ ઉગામ્યું હતું, સાથી ખેલાડીઓ અને અમ્પાયર દોડી આવ્યા
નવી દિલ્હી,એશિયા કપમાં અફઘાનિસ્તાન સામે પાકિસ્તાને ૧ વિકેટે રોમાંચક વિજય મેળવ્યો હતો. આ મેચમાં ઘણી રોમાંચક ક્ષણો જાેવા મળી હતી. મેચની અંતિમ ક્ષણોમાં પાકિસ્તાનના આસિફ અલી અને અફઘાનિસ્તાનના ફરીદ અહમદ વચ્ચે ઝઘડો થયો હતો. આઉટ થયા પછી આસિફ અલીએ બોલર ફરીદ પર બેટ ઉગામ્યું હતું. પાકિસ્તાનની ઇનિંગ્સ દરમિયાન આસિફ અલી બેટિંગ કરી રહ્યો હતો.
૧૯મી ઓવર ફરીદ અહમદ બોલિંગ કરી રહ્યો હતો. ઓવરના પાંચમાં બોલે શોટ ફટકારવાના પ્રયત્નમાં આસિફ અલી કેચ આપી બેઠો હતો. આ દરમિયાન બોલર ફરીદ ઉજવણી કરતા આસિફ પાસે આવ્યો હતો. આસિફે પોતાના હાથમાં રહેલું બેટ તેના તરફ ઉગામ્યું હતું.
બન્ને વચ્ચેનો ઝઘડો જાેઈને સાથી ખેલાડીઓ અને અમ્પાયર દોડી આવ્યા હતા. બધાએ બન્ને ખેલાડીઓની શાંત પાડ્યા હતા. બોલરોના શાનદાર પ્રદર્શન બાદ શાદાબ ખાનના ૩૬ અને નસીમ શાહના ૪ બોલમાં અણનમ ૧૪ રનની મદદથી પાકિસ્તાને એશિયા કપમાં અફઘાનિસ્તાન સામે ૧ વિકેટે રોમાંચક વિજય મેળવ્યો છે.
અફઘાનિસ્તાને ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૨૯ રન બનાવ્યા હતા. જવાબમાં પાકિસ્તાને ૧૯.૨ ઓવરમાં ૯ વિકેટે લક્ષ્યાંક મેળવી લીધો છે. આ જીત સાથે પાકિસ્તાને એશિયા કપની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. બીજી તરફ ભારતના અભિયાનનો અંત આવી ગયો છે.