ST બસ ન આવતા વિદ્યાર્થીઓ ૮ કિમી ચાલીને સ્કૂલે જવા મજબૂર
નવસારીના ખાટાઆંબા ગામના વિદ્યાર્થીઓને મુશ્કેલી
બીલીમોરા એસટી ડેપો મેનેજરને શાળાના આચાર્ય દ્વારા પણ રજુઆત કરવામાં આવી છે પરંતુ હજુ સુધી બસ ચાલુ કરવામાં આવી નથી
નવસારી,વિકાસની હરણફાળ ભરતા ગુજરાતના વાંસદાના અંતરિયાળ ગામ એવા ખાટાઆંબા ગામેથી બસની સુવીધાનો આજે પણ અભાવ જાેવા મળે છે. પરિવહનની અસુવિધાને લઇને વિદ્યાર્થીઓને બોરીયાછ ગામે આવેલી શાળાએ ૮ કિલોમીટર પગપાળા ચાલીને પહોંચવું પડે છે.
ત્યારે આ વિદ્યાર્થીઓની સાથે આજે વાંસદાન ધારાસભ્ય અનંત પટેલ તેમજ કોંગ્રેસના આગેવાનો પણ પગપાળા શાળાએ પોહચ્યા હતા.આદિવાસી વિસ્તાર વાંસદા તાલુકાના ખાટાઆંબા ગામના ૧૦૦ થી વધુ વિદ્યાર્થીઓ ડુંગરાળ વિસ્તારમાંથી મુખ્ય રસ્તા સુધી અને ત્યાંથી ૮ કિમી દૂર બોરીયાછ ગામે આવેલી સરદાર પટેલ ઉચ્ચત્તર માધ્યમિક શાળા સુધી ચાલીને પહોંચે છે.
વિદ્યાર્થીઓ રોજના અંદાજે ૮ થી ૧૦ કિમી ચાલીને ૨ થી અઢી કલાકે શાળાએ થાકીને પહોંચતા હોય છે, જેને કારણે અભ્યાસમાં મૂડ નથી રહેતુ અને જેની અસર વિદ્યાર્થીઓના પરિણામ પર પડે છે. ત્યારે આ વિદ્યાર્થીઓની વેદના સમજીને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને કોંગ્રેસના આગેવાનો આ વિદ્યાર્થીઓ સાથે ૮ કિલોમીટર ચાલીને ખાટાઆંબાથી બોરીઆછ સુધી પોહચ્યાં હતા.
બાળકોની સમસ્યાનો અંત લાવવા એસટી વિભાગ દ્વારા બોરીઆછથી કણધા સુધીની બસ સેવા શરૂ કરવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી છે. એટલું જ નહિ આગામી સમયમાં જાે બસ શરૂ કરવામાં નહીં આવે તો ધરણા સહિત ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
વાંસદાના અંતરિયાળ કણધા ગામ સુધીનો રસ્તો સારો હોવા છતાં કોઈક કારણસર અંદાજે ૧૦ વર્ષ અગાઉ બંધ થયેલ એસટી બસ સેવા ખાટાઆંબા સહિતના ગામડાઓના વિદ્યાર્થીઓ માટે મુશ્કેલીરૂપ બની હતી.
વાંસદાના ખાટાઆંબાના વિદ્યાર્થીઓને પડતી અગવડતા વિશે બીલીમોરા એસટી ડેપો મેનેજરને શાળાના આચાર્ય દ્વારા પણ રજુઆત કરવામાં આવી છે પરંતુ હજુ સુધી બસ ચાલુ કરવામાં આવી નથી ત્યારે બસ વહેલી તકે ચાલુ કરવામાં આવે તેવી વિધાર્થીઑ અને વાલીઑ માંગ ઉઠાવી રહ્યા છે.ss3