રાજકોટના ગઢકા પાસે અમૂલના પ્લાન્ટ માટે જમીનની ફાળવણી
સૌરાષ્ટ્ર અને કચ્છ માટે મહત્વના સમાચાર
કુલ ૨૦૦ કરોડના ખર્ચે પ્રતિદિન ૩૦ લાખ લીટર દૂધ પ્રોસેસ કરતો અમૂલનો પ્લાન્ટ સ્થાપિત થશે, જેનો સીધો જ ફાયદો સૌરાષ્ટ્ર-કચ્છના દૂધ ઉત્પાદકોને થશે
રાજકોટ,રાજકોટમાં ગઢકા ખાતે અમૂલ પ્લાન્ટને ગત જુલાઇ મહિનામાં જ સરકારે મંજૂરી આપી દીધી છે. મહત્વનું છે કે જિલ્લા વહીવટી તંત્રએ સરકારમાં દરખાસ્ત કરી હતી જે બાદ ગઢકા ખાતે ૧૦૦ એકર જમીનની ફાળવણી કરવા માટે રાજકોટ તંત્રને આદેશ કરવામાં આવ્યો હતો.
જે બાદ આજે રાજકોટના ગઢકા પાસે પ્લાન્ટ માટે ૧૧૬ એકર જમીનની ફાળવણીની પ્રોસેસ કરવામાં આવી છે. અમૂલે ૧૦૦ કરોડની રકમ રાજકોટ વહીવટી તંત્રને ચૂકવી દીધી છે. હવે કુલ ૨૦૦ કરોડના ખર્ચે પ્રતિદિન ૩૦ લાખ લીટર દૂધ પ્રોસેસ કરતો અમૂલનો પ્લાન્ટ સ્થાપિત થશે.
જેનો સીધો જ ફાયદો સૌરાષ્ટ્ર-કચ્છના દૂધ ઉત્પાદકોને થશે. ટૂંક સમયમાં મુખ્યમંત્રીના હસ્તે અમૂલ પ્લાન્ટનું ભૂમિપૂજન કરાશે. મહવનું છે કે ગઢકા ગામની સર્વે નંબર ૪૭૭ની ૧૦૦ એકર જમીન આ માટે પસંદ કરવામાં આવી હતી.
જમીન માટે જિલ્લા તંત્રએ દરખાસ્ત પણ મૂકી હતી.જમીન જંત્રીનો ભાવ ૫૨૦ રૂપિયા આસપાસ નક્કી કરાયો છે. આ પહેલા રાજકોટ જિલ્લા તંત્ર દ્વારા અમૂલ ડેરીના પ્લાન્ટ માટે જામનગર રોડ તરફ આવેલા આનંદપરા ગામમાં ૧૦૦ એકર જમીન પસંદ કરવામાં આવી હતી.
પણ GCMMFને પ્લાન્ટ સેટ અપ કરવા માટે આ ભાવ મોંઘો પડતો હતો. તેથી જગ્યા બદલીને ગઢકાગામની જમીન લેવાનું પસંદ કરવામાં આવ્યું હતું. અહી પ્લાન્ટ સ્થાપવાનો ર્નિણય ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૦માં લેવાયો હતો.અમૂલ એક સહકારી દૂધ મંડળી છે જેની સ્થાપના ૧૯૪૬માં થઈ હતી.
અમૂલ એ ગુજરાત સહકારી દૂધ વિતરણ સંઘ લિ. (ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ) દ્વારા સંચાલિત એક બ્રાન્ડ છે. અમૂલ આણંદમાં આવેલી છે અને સહકારી સંસ્થાની લાંબા ગાળાની સફળતાનું ખુબજ ઉત્તમ ઉદાહરણ છે.
અમૂલ ભારતની શ્વેત ક્રાંતિ છે, જેથી ભારત વિશ્વમાં દૂધ અને દૂધ ઉત્પાદનો સૌથી મોટું ઉત્પાદક બન્યું છે. તે વિશ્વની સૌથી મોટી શાકાહારી માખણની બ્રાન્ડ પણ છે.SS3