વૈશાલીની હત્યા કેસમાં પોલીસને મળી સફળતા
વૈશાલી હત્યા કેસના મુખ્ય કોન્ટ્રાક્ટ કિલરની ધરપકડ
૩ પૈકીના ૨ કોન્ટ્રાકટ કિલરો પોલીસ સકંજામાં આવી ચૂક્યા છે જ્યારે અન્ય એકને પકડવા પોલીસના પ્રયાસ ચાલુ છે
વલસાડ,વલસાડના પારડી નજીકથી પસાર થતી પાર નદી કિનારેથી ગઈ ૨૮મી ઓગસ્ટના રોજ વલસાડની જાણીતી સિંગર વૈશાલી બલસારાની શંકાસ્પદ હાલતમાં બંધ કારમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ થતાં જ વલસાડ જિલ્લા પોલીસવડા સહિત જિલ્લાના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.
પોલીસે વૈશાલી બલસારાની હત્યાનું રહસ્ય ઉકેલવા ૬ ટીમો બનાવી હતી. જે વિવિધ દિશામાં તપાસ કરી હતી. જેમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો અને ગળું દબાવીને વૈશાલીની હત્યા કરાઇ હોવાનું બહાર આવ્યું હતું. જાે કે, વૈશાલીના શરીર પર કોઈ જગ્યાએ ઈજા કે પ્રતિકારના કોઈ નિશાન જાેવા ન મળતા પોલીસ પણ મૂંઝવણમાં મુકાઇ હતી.
આરોપીઓ સુધી પહોંચવા પોલીસે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારના ૧૦૦૦થી વધુ સીસીટીવી ફૂટેજ પણ તપસ્યા હતા. આખરે વૈશાલી બલસારાની હત્યાના રહસ્ય પરથી પડદો ઉચકવામાં પોલીસને સફળતા મળી હતી. પોલીસે વૈશાલીની હત્યાની માસ્ટર માઈન્ડ મૃતક વૈશાલીની જ નજીકની મિત્ર બબીતાની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું કે, મૃતક વૈશાલી અને મુખ્ય આરોપી બબીતા કૌશિકની દુકાનો બાજુમાં હતી. આથી બંને વચ્ચે એક વર્ષથી મિત્રતા બંધાઈ હતી. મિત્રતા દરમિયાન બબીતાએ વૈશાલી પાસેથી રૂપિયા ૨૫ લાખ રૂપિયા ઉછીના લીધા હતા.
જાેકે, વાયદા પ્રમાણે સમયસર બબીતા એ પૈસા પરત ન કર્યા હોવાથી વૈશાલી દ્વારા અવારનવાર તેને આપેલા ૨૫ લાખ રૂપિયાની ઉઘરાણીમાં કરવામાં આવી રહી હતી. આ રૂપિયા પરતના આપવા પડે તે માટે મુશ્કેલીમાં મદદ કરી ૨૫ લાખ રૂપિયા ઉછીના આપનાર મિત્રએ વૈશાલીનો કાંટો કાઢી નાખવાનું પ્લાન બનાવ્યો હતો.
જે બાદ વૈશાલીને પૈસા લેવા માટે વલસાડના વશીયાર નજીક આવેલા ડાયમંડ ફેક્ટરી પાસે સાંજના સમયે બોલાવી હતી. જ્યાં અગાઉથી જ બબીતાની સાથે રહેલા બે અજાણ વ્યક્તિઓ તેના નજીકના સ્વજન હોવાનું કહી વૈશાલીની કારમાં બેસાડ્યા હતા. ત્યારબાદ બબીતાની સાથે રહેલા શખ્સોએ વૈશાલીને કારમાં જ ક્લોરોફોર્મ સુંગાવી અને બેહોશ કરી દીધી હતી અને ત્યારબાદ તેને ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી દીધી હતી.
બબીતાએ વૈશાલીની હત્યા માટે બહારના રાજ્યના એક પ્રોફેશનલ કિલર ગેંગનો સંપર્ક કર્યો હતો. સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્ર બનેલા કોન્ટ્રાક્ટ કિલ્લરોને બબીતાએ વૈશાલીની હત્યા માટે ૮ લાખ રૂપિયાની સોપારી આપી હતી.
શરૂઆતમાં દસ લાખ રૂપિયાની માંગ કરવામાં આવી હતી. પરંતુ ૮ લાખ રૂપિયામાં ડીલ થઈ હતી. જાેકે, બબીતા એ વૈશાલીયે ઉછીના આપેલા ૨૫ લાખમાંથી આઠ લાખ રૂપિયા હત્યારાઓને આપી અને વૈશાલીને તેના જ પૈસાથી હત્યા કરાવી તેનો કાંટો કઢાવી નાખ્યો હોવાનું પોલીસની તપાસમાં ચોકાવનારો ખુલાસો થયો હતો.
જે બાદ પોલીસે કોન્ટ્રાક્ટ કિલરોને પકડવા ચક્રોગતિમાન કર્યા હતા. વલસાડ ટીમે પંજાબથી સુખવિંદર નામના મુખ્ય કોન્ટ્રેકટ કિલરની ધરપકડ કરી છે. જ્યારે આ પહેલા પોલીસે ગત ૦૩ સપ્ટેમ્બરના રોજ એક કોન્ટ્રાક્ટ કિલરની ધરપકડ કરી હતી. સિંગર વૈશાલીની હત્યામાં સામેલ ૩ પૈકીના ૨ કોન્ટ્રાકટ કિલરો પોલીસ સકંજામાં આવી ચૂક્યા છે. જ્યારે અન્ય એકને પકડવા પોલીસના પ્રયાસ ચાલુ છે.ss3