ભરૂચમાં હવે ૪ સ્થળે શ્રીજીનું વિસર્જન કરી શકાશે
સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ શ્રીજી વિસર્જન માટે ચાર જળકુંડ ઉભા કરાયા
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જીલ્લામાં શ્રીજી ઉત્સવ ધૂમધામ પૂર્વક ઉજવાઈ રહ્યો છે.ત્યારે દસ દિવસના આતિથ્ય માણીયા બાદ શ્રીજીને વિદાય આપવા માટે તંત્ર પણ સજ્જ થઈ ચૂક્યું છે.જેમાં નર્મદા નદીમાં શ્રીજીનું વિસર્જન ન કરવા અંગેની સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ ભરૂચમાં ૪ સ્થળોએ શ્રીજી વિસર્જન માટે જળકુંડ ઊભા કરવામાં આવ્યા છે.જેનું સ્થળ નિરીક્ષણ કરવા સાથે શ્રીજી વિસર્જનના રૂટ ઉપરનું પણ નિરીક્ષણ તંત્રના અધિકારીઓએ કર્યું હતું.
ભરૂચ નગરપાલિકા દ્વારા ગણપતિ વિસર્જન અંગે કૃત્રિમ તળાવની કામગીરી હાથધરી હતી.સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ કૃત્રિમ તળાવમાં મંડળો તેમજ ઘરમાં પ્રસ્થાપિત ગણેશ પ્રતિમાનું વિસર્જન કરવામાં અપીલ કરાઈ હતી.ગણપતિ વિસર્જનના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે,ત્યારે ભરૂચ નગરપાલિકા સભાખંડ ખાતે પાલિકા અને વહીવટી તંત્ર તેમજ ગણેશ મંડળો અને આયોજકો તથા પોલીસ વિભાગની મળેલી બેઠકમાં ગણપતિ વિસર્જન અંગે ચર્ચા કરવામાં આવી હતી.
જળકુંડ ખાતે વિસર્જન સમયે ધસારો ન થાય તે માટે નગરપાલિકા દ્વારા શહેરના મોદીપાર્ક નજીક એક મોટો જળકુંડ જ્યારે બીજાે નાનો જળકુંડ, પૂર્વપટ્ટીના નર્મદા બંગ્લોઝ સોસાયટી નજીક મકતમપુર સ્થિત કે જયા નારાયણ હોસ્પિટલના પાછળ રોડ પર અને ઝાડેશ્વર વિસ્તારમાં ગાયત્રી મંદિર જવાના રોડની બાજુમાં કૃત્રિમ જળકુંડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.આ કુત્રિમ જળકુંડમાં ઘરમાં પ્રસ્થાપિત અને પંડાલમાં પ્રસ્થાપિત ગણપતિની પ્રતિમાનું વિસર્જન કરવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
ભરૂચમાં કેટલાક મંડળો દ્વારા ઈકો ફ્રેન્ડલી મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવી છે.જેમણે વહીવટી તંત્ર પાસે માંગ કરી હતી કે ઈકો ફ્રેન્ડલી મૂર્તિથી નદી પ્રદૂષિત થતી નથી જેના કારણે અમને નદીમાં મૂર્તિનું વિસર્જન કરવાની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ સનાતન હિંદુ ઉત્સવ સમિતિના પ્રમુખ પ્રકાશ કાયસ્થ અને મંડળોએ કરી હતી.
આ પ્રસંગે ભરૂચ નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા,પોલીસ વિભાગના એએસપી વિકાસ સુંડા,પ્રાંત અધિકારી યુ એન જાડેજા, મામલતદાર સહિત કલસરિયા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહી વહીવટીતંત્ર દ્વારા બહાર પાડવામાં આવેલ ગાઈડલાઈન અનુસરણ કરી પાલિકા દ્વારા જળકુંડ તેમજ ઉભા કરવામાં આવેલા તળાવમાં વિસર્જન કરવામાં આવે તેવી અપીલ કરી હતી.