Western Times News

Gujarati News

ભારતીય ઓલિમ્પિક ગેમ્સ સર્વ પ્રથમ લાહોરમાં વર્ષ ૧૯૨૪માં રમાઈ હતી

Ø વર્ષ ૧૯૪૦માં બોમ્બેમાં તેની ૯મી આવૃત્તિમાં “ભારતીય ઓલિમ્પિક ગેમ્સ”નું નામ બદલીને “નેશનલ ગેમ્સ” રાખવામાં આવ્યું

દોરાબજી ટાટા અને જી. ડી. સોંધીની સક્રિય ભૂમિકા હતી

ભારતમાં રમતગમતનો ઇતિહાસ વૈદિક તથા પ્રાચીનકાળથી જોડાયેલો છે. તે સમયે રમતગમતનો હેતુ અને ઉપયોગ શારીરિક વિકાસ તેમજ સ્વસુરક્ષા માટેનો હતો. અને કહેવાય છે કે, ‘સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મન રહે છે’, જેના થકી આપણે મનુષ્યના જીવનમાં રમતોનું મહત્વ ખૂબ સારી રીતે જાણી શકીએ છીએ.

પ્રાચીન કાળમાં ભારત વિકસિત દેશોની યાદીમાંનું એક હતું. ભારતે દુનિયાને ઘણી બધી રમતો આપી છે તેમજ બદલાયેલા સ્વરૂપ તેમજ આધુનિકીકરણ સાથે દુનિયા પાસેથી ઘણી નવી રમતો સ્વીકારી પણ છે. પુરાતત્વીય વિભાગના ખોદકામ દરમિયાન મોહેં-જો-દડો અને હડપ્પા,

વૈદિક સાહિત્ય તથા અલગ-અલગ સંસ્કૃતિના સાહિત્યમાં ભારતની રમતગમત પ્રવૃત્તિઓનો સમૃદ્ધ વારસો જોવા મળે છે. રમત જગતના વિદ્વાન એવા સિમોન જેનકીંગ રમત વિશે જણાવતા કહે છે કે, “રમત-ગમત એ કાર્યપ્રવૃતિ તેમજ આનંદપ્રમોદનો સંયોગ છે, જેમાં શારીરિક પ્રવૃત્તિ અને સ્પર્ધા બંનેનો સમાવેશ થાય છે. રમતગમત એવી પ્રવૃત્તિ છે, જેમાં શારીરિક શ્રમની સાથે કૌશલ્યનો પણ સમાવેશ થાય છે, જેમાં વ્યક્તિ ટીમ અથવા વ્યક્તિગત રીતે સ્પર્ધા કરે છે“.

ભારતમાં રાષ્ટ્રીય રમતોત્સવના ભૂતકાળ પર ડોકીયું કરીએ તો, નેશનલ ગેમ્સની શરૂઆત બ્રિટિશ શાસન હેઠળ ૧૯૨૪માં મેગા સ્પોર્ટિંગ ઈવેન્ટ ઓલિમ્પિકથી પ્રેરિત થઈને થઈ હતી. ઓલિમ્પિકના નામે વિખ્યાત, રાષ્ટ્રીય મલ્ટિ-સ્પોર્ટિંગ ઇવેન્ટને ભારતીય ઓલિમ્પિક ગેમ્સ તરીકે નામ આપવામાં આવ્યું હતું.

જ્યાં દેશના વિવિધ રાજ્યોના રમતવીરો પોતપોતાના રાજ્યોના કિર્તિમાન સ્થાપવા માટે સ્પર્ધા કરે છે. નેશનલ ગેમ્સની સ્થાપનાનો ઉદ્દેશ દેશમાં રમાતી પરંપરાગત તેમજ સ્થાનિક રમતોને પ્રોત્સાહન આપવાની સાથે સમગ્ર દેશમાં રમતગમતના માળખાનું નિર્માણ કરવાનો હતો. ૧૯૨૦ના દાયકામાં ઓલમ્પિક ચળવળ દરમિયાન ભારતમાં રાષ્ટ્રીય રમતોની ઉત્પત્તિ થઈ હતી. ઓલમ્પિક તેમજ અન્ય આંતરરાષ્ટ્રીય રમતોમાં પસંદ કરી શકાય તેવી રાષ્ટ્રીય પ્રતિભાવોને ઓળખવાના હેતુથી પણ ભારતમાં રાષ્ટ્રીય રમતોની શરૂઆત કરવામાં આવી હતી.

“ભારતીય ઓલિમ્પિક ગેમ્સ” તરીકે ઓળખાતી પ્રથમ રાષ્ટ્રીય રમતો વર્ષ ૧૯૨૪માં પંજાબમાં લાહોર ખાતે પંજાબ ઓલિમ્પિક એસોસિએશનના પ્રથમ અધ્યક્ષ સર દોરાબજી ટાટા હતા તથા સચિવ જી.ડી. સોંધીના નેતૃત્વમાં યોજાઈ હતી.  લેફ્ટનન્ટ કર્નલ એચ.એલ.ઓ. ગેરેટ સ્થાપક સંસ્થાના પ્રમુખ હતા. ભારતીય ઓલિમ્પિક ગેમ્સનું સપનું આ વ્યક્તિઓએ ભજવેલી મુખ્ય ભૂમિકાને કારણે સાકાર થયું.

ભારતમાં એશિયન ગેમ્સ અને ઓલિમ્પિક એકરુપ હોય તેવા વર્ષો સિવાય દર બે વર્ષે નેશનલ ગેમ્સ યોજાય તેમ આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ ૧૯૨૪ થી ૧૯૩૮ સુધી ભારતીય ઓલમ્પિક ગેમ્સ દ્વારા રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ ત્રણ આવૃત્તિ લાહોર (૧૯૨૪-૧૯૨૮)ખાતે યોજાઇ હતી.

ત્યારબાદ અલ્હાબાદ(૧૯૩૦), મદ્રાસ(૧૯૩૨), ન્યુ દિલ્હી(૧૯૩૪), લાહોર(૧૯૩૬) અને કલકત્તા (૧૯૩૮) ખાતે નિયમિતપણે દર બે વર્ષે યોજવામાં આવી હતી. વર્ષ ૧૯૪૦માં બોમ્બેમાં તેની ૯મી આવૃત્તિમાં “ભારતીય ઓલિમ્પિક ગેમ્સ”નું નામ બદલીને “ધ નેશનલ ગેમ્સ” રાખવામાં આવ્યું. ત્યારબાદ દર બે વર્ષે પટિયાલા (૧૯૪૨) તથા લાહોર (૧૯૪૪-૧૯૪૬) ખાતે યોજાઇ હતી. ભારતીય ઓલિમ્પિક ગેમ્સ વર્ષ ૧૯૪૬ સુધી બ્રિટિશ શાસન હેઠળ ૧૨ વખત યોજાઈ હતી.

વર્ષ ૧૯૪૮ માં લખનૌએ સ્વતંત્ર ભારતની પ્રથમ રાષ્ટ્રીય રમતોનું આયોજન કર્યું, જે ખરેખર દેશ માટે ગૌરવની ક્ષણ હતી. ત્યારબાદ વર્ષ ૧૯૭૦ સુધી આ રમત નિયમિતપણે યોજાઈ હતી. વર્ષ ૧૯૭૯ માં નવ વર્ષના અંતર પછી હૈદરાબાદે ૨૫મી નેશનલ ગેમ્સની યજમાની કરી હતી.

૬ વર્ષના અંતરાલ પછી દિલ્લીએ વર્ષ ૧૯૮૫માં ૨૬મી આવૃત્તિનું આયોજન કર્યું હતું, પરંતુ આ વખતે તેમાં ભવ્ય સુધારા હતા. વર્ષ ૧૯૮૫ પછી નેશનલ ગેમ્સને ઓલમ્પિક ફોર્મેટ મુજબ રમાડવાનું નક્કી કરવામાં આવ્યું.  રાષ્ટ્રની મુખ્ય રમત-ગમત આયોજક સંસ્થા ‘ભારતીય ઓલિમ્પિક એસોસિએશન’ના નેજા હેઠળ આયોજનમાં ધરમૂળથી ફેરફાર કરવામાં આવ્યા. ખૂબ ધામધૂમથી નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું.

કેરળે ૧૯૮૭માં ૨૭મી નેશનલ ગેમ્સની યજમાની કરી હતી, જે પછી ૭ વર્ષ બાદ બોમ્બે અને પુણેમાં ૧૯૯૪માં રાષ્ટ્રીય રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાર પછી બેંગ્લોર (૧૯૯૭), ઇમ્ફાલ (૧૯૯૯), પંજાબ (૨૦૦૧) અને હૈદરાબાદ (૨૦૦૨) પછી ૨૦૦૭ માં ગુવાહાટીએ ૩૩મી આવૃત્તિનું સફળતાપૂર્વક આયોજન કર્યું હતું. 35મી આવૃત્તિ કેરળની રાજધાની દક્ષિણી શહેર તિરુવનંતપુરમમાં યોજાઇ, જ્યારે બીજી તરફ ગોવા અને છત્તીસગઢને આગામી બે આવૃત્તિઓનું યજમાનપદું કરવાની તક મળી હતી.

જો કે, બહુ ઓછા સમયમાં રાજ્યોએ ફાળવેલ તારીખની અંદર ઈવેન્ટનું આયોજન કરવું એક જટિલ કાર્ય બની ગયું હતું. કુદરતી આફતો, વૈશ્વિક તેમજ અન્ય સમસ્યાઓના કારણે ઘણા રાજ્યો ઈવેન્ટનું નિર્ધારિત સમયે આયોજન કરવામાં અસફળ થયા હતા. વર્ષ ૨૦૨૦ માં ગોવા અને વર્ષ ૨૦૨૧ માં છત્તીસગઢ આવું આયોજન કરી શકાયું ન્હોતું.

રાષ્ટ્રીય રમતોનો સમયગાળો અને નિયમો સંપૂર્ણપણે ભારતીય ઓલિમ્પિક સંઘના અધિકારક્ષેત્રમાં આવે છે. તણાવ અને તાણના વારંવારના સમયગાળા છતાં, ઓલિમ્પિક ચળવળે તેની ચમક અથવા જોમ ગુમાવી નથી. તેનાથી વિપરિત, તે ગુવાહાટી, રાંચી, કેરળ અને હવે ગોવા જેવા કેન્દ્રોમાં અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે દેશભરની સ્થાનિક સરકારો સક્ષમ છે.

નેશનલ ગેમ્સ ૨૦૨૨માં ૩૬ રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. બે નવી ઈવેન્ટ્સ યોગાસન અને મલખંભનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. વધુમાં ખો-ખો અને કબડ્ડી જેવી સ્વદેશી રમતોનો પણ નેશનલ ગેમ્સ-૨૦૨૨ માં સમાવેશ કરવામાં આવ્યો છે.

ગુજરાત ૨૭ સપ્ટેમ્બરથી ૧૦ ઓક્ટોબરની વચ્ચે પ્રથમ વખત પ્રતિષ્ઠિત રમતોત્સવ એટલે કે ૩૬મી નેશનલ ગેમ્સનીની યજમાની કરી રહ્યું છે. ગુજરાત રાજ્યમાં આ ઈવેન્ટ અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગર એમ છ શહેરોમાં યોજાશે. ૩૬મી નેશનલ ગેમ્સનું ગુજરાત જ્યારે યજમાન બનવા જઇ રહ્યુ છે, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતમાં નેશનલ ગેમ્સના આયોજનના પ્રસ્તાવને ઝડપી સ્વીકારવા બદલ ‘ભારતીય ઓલિમ્પિક એસોસિએશન’નો આભાર માન્યો છે.

ગરવા ગુજરાતમાં નેશનલ ગેમ્સના આયોજનથી ભારત દેશના ધુરંધર રમતવીરો ગુજરાત રાજ્યના અત્યાધુનિક સ્પોર્ટ્સ ઇંફ્રાસ્ટ્રક્ચરથી વાકેફ થશે. ગુજરાત જ્યારે વિશ્વ સ્તરીય રમતગમતના માળખાથી સજ્જ છે, અને ગુજરાતના લોકોમાં રમતગમત પ્રત્યે નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે ગુજરાત રાજ્ય આ રાષ્ટ્રીય રમતોત્સવને અત્યાર સુધીના શ્રેષ્ઠ યજમાન બનવામાં કોઈ કસર છોડશે નહીં.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.