નવભારત સાહિત્ય મંદિર આયોજિત ‘કલમનો કાર્નિવલ’ પુસ્તક મેળાનો પ્રારંભ
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વીડિયો સંદેશ દ્વારા નવભારત સાહિત્ય મંદિરના આ પ્રશંસનીય કાર્ય બદલ અભિનંદન આપ્યા
૮ થી ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૨ સુધી ચાલનારા આ પુસ્તક મેળામાં વિવિધ વિષયોનાં ૫૦,૦૦૦થી વધુ પુસ્તકોનો સંગ્રહ
અમદાવાદના સી.જી. રોડ પર આવેલા સુશીલાબેન રતિલાલ હોલ ખાતે નવભારત સાહિત્ય મંદિર દ્વારા ‘કલમનો કાર્નિવલ’ પુસ્તક મેળાનું આયોજન કરાયું છે. આ પુસ્તક મેળો ગૃહ રાજયમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે ખુલ્લો મુકાયો હતો.
આ પુસ્તક મેળાના ઉદ્ધાટન સમારોહમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ખાસ વિડિયો સંદેશ મોકલ્યો હતો. જેમાં તેમણે જણાવ્યું હતું કે, જ્યારે હું ગુજરાતમાં હતો ત્યારે ગુજરાતે ‘વાંચે ગુજરાત’ અભિયાન શરૂ કર્યું હતું, આજે ‘કલમનો કાર્નિવલ’ મેળો ગુજરાતના એ અભિયાનને આગળ લઈ જાય છે. વધુમાં શ્રી નરેન્દ્રભાઈએ કહ્યું કે, પુસ્તક અને ગ્રંથ આ બંને વિદ્યા ઉપાસનાનાં મૂળ તત્ત્વો છે. અને ગુજરાતમાં તો પુસ્તકાલયની સદીઓ જૂની પરંપરા રહી છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ પુસ્તક મેળાના આયોજકોને અભિનંદન આપતા કહ્યું કે, આ પુસ્તકમેળો એવા સમયે આયોજિત થયો છે જ્યારે દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઊજવી રહ્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, બદલાતા જતા સમયની સાથે યુવાનોમાં પુસ્તકો વાંચવાની આદત બને એ ખૂબ જરૂરી છે. અને આ પ્રકારના આયોજનથી યુવાઓમાં પુસ્તકો પ્રત્યેનું આકર્ષણ વધે છે તથા સાહિત્ય અને જ્ઞાનનો વિસ્તાર થાય છે.
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે હું ગુજરાતમાં હતો ત્યારે લોકોને કહેતો હતો કે, મને ‘બુકે નહીં બુક’ આપો. પુસ્તક ખરીદવું એ પણ એક પ્રકારની સમાજસેવા છે. પુસ્તક ખરીદવાની, વાંચવાની અને રાખવાની ટેવ પાડવી જોઈએ. વધુમાં તેમણે કહ્યું હતું કે, પુસ્તકો, લેખકો અને સાહિત્ય બાબતે ગુજરાતનો ઇતિહાસ ઘણો સમૃદ્ધ રહ્યો છે.
આ પ્રસંગે ગૃહ રાજયમંત્રી શ્રી હર્ષ સંઘવીએ આયોજકોને અભિનંદન આપતા જણાવ્યું હતું કે, નવભારત સાહિત્ય મંદિર દ્વારા ગુજરાતી ભાષાને જીવંત રાખવા પ્રયત્ન કર્યો છે. તેમણે ઉમેર્યું હતું કે, આગામી દિવસોમાં અર્બન વિસ્તારોમાં લાઈબ્રેરી બનાવવાનું આયોજન અમે કરી રહ્યા છીએ. આ ઉપરાંત નવી પેઢી પુસ્તકો સાથે કેવી રીતે કનેક્ટ થાય એ માટેનો પ્રયત્ન અમે કરી રહ્યા છીએ.
‘કલમનો કાર્નિવલ’ પુસ્તક મેળામાં સાહિત્યકારો, લેખકો, પત્રકારો તથા મોટી સંખ્યામાં પુસ્તકપ્રેમીઓ હાજર રહ્યા હતા.
૮ થી ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૨ સુધી ચાલનારા આ પુસ્તક મેળામાં વિવિધ વિષયો જેવા કે, ઈતિહાસ, પૌરાણિક કથા, આધ્યાત્મિક, ધર્મ, સસ્પેન્સ, ડ્રામા, હૉરર, સેલ્ફ-હેલ્પ, મેનેજમેન્ટ, પ્રેરક, ઇતિહાસ વગેરેના ૫૦,૦૦૦થી વધુ પુસ્તકોનો સમાવેશ છે. આ ઉપરાંત પુસ્તકો ત્રણેય ભાષા અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં પણ ઉપલબ્ધ છે.