બહુચરાજી મંદિરના શિખરની ઊંચાઈ હવે પ૬ ફુટ સુધી લઈ જવાશે

બહુચરાજી, શક્તિપીઠ બહુચરાજી સ્થિત બહુચર માતાજીના મંદિરના મુખ્ય શિખરની ઉંચાઈને લઈ છેલ્લા ૭ વર્ષથી ચાલતા વિવાદને દૂર કરવા આખા મંદિરને નવેસરથી રીડેવલપ કરી મુખ્ય શિખરની ઉંચાઈ પ૬ ફૂટ કરવાનો ઐતિહાસિંક નિર્ણય કરાયો છે.
બહુચરાજી ટેમ્પલ ટ્રસ્ટની ડેવલપમેન્ટ ઓફ બહુચરાજી ટેમ્પલ અંગેની મિટિંગ સોમવારે મળી હતી જેમાં શિખર ઉંચાઈ સહિત બહુચરાજી મંદિરનો ‘બી’માંથી ‘એ’ કેટેગરીમાં સમાવેશ કરી અંબાજી અને સોમનાથની જેમ વિકાસ કરવા સહિત અનેક લોકોપયોગી નિર્ણય નવરચિત બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળની પ્રથમ બેઠકમાં લેવાતાં સમગ્ર ચુંવાળ પંથકના શ્રદ્ધાળુઓમાં આનંદની લાગણી પ્રસરી છે.
બહુચરાજી ટેમ્પલ ટ્રસ્ટની મિટીંગ મહેસાણા કલેકટર કચેરીમાં ટેમ્પલ ટ્રસ્ટના ચેરમેન વ જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલના અધ્યક્ષસ્થાને, ટ્રસ્ટીઓ યજ્ઞેશ દવે, બળવંતસિંહ રાજપુત, જયશ્રીબેન પટેલ, કિરીટભાઈ પટેલ સહિતની હાજરીમાં મળી હતી.