7 મજૂર મોતને ભેટયાં છતાં ફાયરબ્રિગેડ કે પોલિસ ન બોલાવી
નિર્માણધીન બિલ્ડિંગની લિફ્ટ તૂટતાં સાત મજૂરનાં મોત-જૂની પાસપોર્ટ ઓફિસ સામે બની રહેલા એસ્પાયર-૨ નામની બિલ્ડિંગમાં દુર્ઘટના બની, સાઈટના માલિકોએ ફાયરબ્રિગેડ કે પોલીસને ન બોલાવી
(એજન્સી)અમદાવાદ, શહેરના પાંજરાપોળ-યુનિવર્સિટી રોડ પર બની રહેલા એસ્પાયર-૨ નામના એક બિલ્ડિંગમાં લિફ્ટ તૂટતા સાત મજૂરોના મોત થયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, જૂની પાસપોર્ટ ઓફિસ સામે બની રહેલા એસ્પાયર ૨ નામના બિલ્ડિંગમાં આ દુર્ઘટના બની હતી.
આ ઘટનામાં એક મજૂર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. સાતમા માળે તૂટેલી લિફ્ટ નીચે પટકાતા એટલો પ્રચંડ ધડાકો સંભળાયો હતો કે આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. હાલ પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને આ મામલે તપાસ હાથ ધરી છે.
ચોંકાવનારી વાત એ છે કે, આ મામલે ફાયરબ્રિગેડને કોઈ કોલ નહોતો કરવામાં આવ્યો. ઘટનાસ્થળે પહોંચેલા ફાયરબ્રિગેડના એક અધિકારીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે તેઓ પણ ટીવીમાં સમાચાર જાેયા બાદ સ્થળ તપાસ કરવા માટે આવ્યા છે.
મૃત્યુ પામનાર શ્રમિકોઃ સંજયભાઈ બાબુભાઇ નાયક, ઉમર ૨૦ વર્ષ, જગદીશભાઈ રમેશભાઈ નાયક, ઉંમર ૨૧ વર્ષ, અશ્વિનભાઈ સોમાભાઈ નાયક , ઉમર ૨૦ વર્ષ, મુકેશ ભરતભાઈ નાયક , ઉમર ૨૫ વર્ષ, મુકેશભાઇ ભરતભાઇ નાયક, ઉમર ૨૫ વર્ષ, રાજમલ સુરેશભાઇ ખરાડી, ઉમંર ૨૫ વર્ષ,પંકજભાઇ શંકરભાઇ ખરાડી, ઉમર ૨૧ વર્ષ.
કન્સ્ટ્રક્શન સાઈડના માલિકોએ ઘટનાનો છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોઈ શકે તેવુ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આટલી મોટી ઘટના બન્યા છતા પણ ફાયર બ્રિગેડ કે પોલીસને બોલાવવામાં આવી ન હતી. ચીફ ફાયર ઓફિસરે કહ્યું કે, અમે પણ મીડિયામાં સમાચાર જાેઈને જ અહી આવ્યા છીએ, અમને આ બાબતે કોઈ સૂચના ન હતી.
આ દુર્ઘટના અનેક મોટા સવાલ ઉભા કરી રહ્યાં છે કે કેમ ઘટનાના ત્રણ કલાક સુધી કાર્યવાહી કરવામાં ન આવી. આખરે કેમ કન્સ્ટ્રક્શન સાઈડના બિલ્ડરોએ ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ કર્યો. આખરે ઘટના પાછળ કોની બેદરકારી છે, જેના કારણે ૭ શ્રમિકો મોતને ભેટ્યા.
આ ઘટના સમયે કન્સ્ટ્રક્શન સાઈડ પર હાજર એક મજૂરે કહ્યું કે, અહીં કુલ ૧૦ મજૂરો કામ કરતા હતા. અમને અકસ્માતની જાણ થતા જ અમે દોડી આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. આ બનાવની જાણ થતા ઉચ્ચઅધિકારીઓ સહિતનો પોલીસ કાફલો તાત્કાલીક ઘટના સ્થળ પર દોડી ગયો હતો. તેમજ બનાવ અંગે ફાયરબ્રિગેડ સાથે મળી તપાસ હાથ ધરી હતી.