Western Times News

Gujarati News

અમદાવાદમાં સ્વાઈનફલૂ નો કહેર યથાવત્‌- ૭ દર્દીના મૃત્યુ

Files Photo

(પ્રતિનિધિ) અમદાવાદ,સ્માર્ટસીટી અમદાવાદના નાગરીકો વધુ એક વખત જીવલેણ વાયરસના સકંજામાં આવી રહયા છે. ર૦ર૦ અને ર૦ર૧માં કોરોના વાયરસના આતંક બાદ ર૦રરમાં એચ-૧ એન-૧ વાયરસ આતંક મચાવી રહયો છે. શહેરમાં સ્વાઈનફલુના કેસ ચિંતાજનક હદે વધી રહયા છે,

જયારે માત્ર ઓગસ્ટ મહીનામાં જ સ્વાઈનફલુના કારણે ૦૬ દર્દી તથા સપ્ટેમ્બરમાં વધુ એક દર્દીનું મૃત્યુ થતા તંત્ર ચોંકી ઉઠયુ છે, શહેરમાં ચાલુ વર્ષ દરમ્યાન સ્વાઈનફલુના ૯૪૦ કરતા વધુ કેસ કન્ફર્મ થયા છે, જયારે સપ્ટેમ્બર મહીનાના પ્રથમ બે સપ્તાહમાં જ ૧૬૮ કેસ નોંધાયા છે. સ્વાઈનફલુના ૭પ ટકા કેસ માત્ર પશ્ચિમ વિસ્તારમાં કન્ફર્મ થયા છે,

શહેરમાં ત્રણ વર્ષ બાદ વધુ એક વખત એચ-૧ એન-૧ વાયરસ ત્રાટક્યો છે. શહેરમાં ર૦૧૯ના વર્ષમાં સ્વાઈનફલુના ૧૩૩૭ કેસ અને ર૮ મરણ નોધાયા હતા, ત્યારબાદ કોરોના વાયરસના કારણે સ્વાઈનફલુના ટેસ્ટ કરવામાં આવતા ન હતા, ચાલુ વર્ષ દરમ્યાન જે દર્દીના કોરોના રીપોર્ટ નેગેટીવ આવે તેના સ્વાઈનફલુ ટેસ્ટ કરવામાં આવી રહયા હોવાથી

મોટી સંખ્યામાં પોઝીટીવ કેસ બહાર આવી રહયા છે, ચાલુ વર્ષ દરમ્યાન ૧૩ સપ્ટેમ્બર સુધી સ્વાઈનફલુના ૯૩૯ કેસ નોંધાયા છે, જે પૈકી ૦૭ દર્દીના મૃત્યુ થયા છે, સ્વાઈનફલુના દર્દીઓમાં પપ૭ પુરૂષ અને ૩૮ર સ્ત્રી દર્દીનો સમાવેશ થાય છે. વયજુથ મુજબ જાેવામાં આવે તો શૂન્યથી ૧પ વર્ષ સુધીના ૧૭૩ બાળકો સ્વાઈનફલુના સકંજામાં આવી ગયા છે,

જયારે ૪૧થી પપ વય જુથમાં ર૧૯ કેસ નોંધાયા છે જે પૈકી ત્રણના મૃત્યુ થયા છે, ઓગસ્ટ મહીના દરમ્યાન સ્વાઈનફલુના ૭૩૭ કેસ અને ૦૬ મરણ નોધાયા હતા, જે પૈકી સરકારી હોસ્પીટલોમાં ૧૧૯ કેસ અને બે મૃત્યુ તથા ખાનગી હોસ્પીટલોમાં ૬૧૮ કેસ અને ચાર મૃત્યુ કન્ફર્મ થયા હતા,

સપ્ટેમ્બર મહિનામાં ૧૬૮ કેસની સાથે ૧ મરણ પણ નોંધાયું છે ર૦રરમાં જુલાઈ મહીના સુધી સ્વાઈનફલુના માત્ર ૩૪ કેસ નોંધાયા હતા. અમદાવાદ શહેરમાં સ્વાઈનફલુના ૯૩૯ કેસ પૈકી ૬૯૬ કેસ પશ્ચિમ વિસ્તારમાં નોધાયા છે, જયારે ૦૭ પૈકી ૦૩ મૃત્યુ પણ પશ્ચિમમાં થયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.