ડુંગળીની આયાત કરી કિંમત નિયંત્રિત કરવા માટે પ્રયાસો
દિલ્હી-એનસીઆર તેમજ અન્ય ભાગોમાં ડુંગળીના ભાવ ૧૦૦ રૂપિયા સુધી પહોંચતા પરેશાની: નિકાસ પર બ્રેક |
નવીદિલ્હી, ડુંગળીની વધતી જતી કિંમતોથી સામાન્ય લોકોના બજેટ બગડી રહ્યા છે. બીજી તરફ સરકારનું કહેવું છે કે, ડિમાન્ડ અને સપ્લાયમાં સંતુલન નહીં હોવાના કારણે કિંમતોમાં વધારો થયો છે. કેન્દ્રીય ખાદ્યાન્ન મંત્રી રામવિલાસ પાસવાને આજે કહ્યું હતું કે, આ મહિનાના અંત સુધી ડુંગળીની કિંમતો બિલકુલ સ્થિર બની જશે. તેમણે કહ્યું હતું કે, વધી ગયેલી કિંમતો માટે અતિવૃષ્ટિ અને કેટલાક રાજ્યોમાં આવેલા પુરને જવાબદાર ઠેરવી શકાય છે. પાસવાને એમ પણ કહ્યું હતું કે, તુર્કી, અફઘાનિસ્તાનથી ડુંગળીની આયાત માટે વિદેશ મંત્રાલય સાથે વાતચીત ચાલી રહી છે. હાલના સમયમાં દિલ્હી-એનસીઆરમાં ડુંગળીની કિંમતો પ્રતિકિલો ૮૦-૧૦૦ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.
કેન્દ્રીય મંત્રી સરકાર તરફથી ખાતરી આપતા કહ્યું છે કે, મહિનાના અંત સુધી ડુંગળીની કિંમતો સંપૂર્ણપણે કાબૂમાં આવી જશે. તેમણે એમ પણ કહ્યું છે કે, ડુંગળીની કિંમતમાં વધારો થવા માટે માંગ અને પુરવઠા વચ્ચે સંતુલન નહીં હોવાની બાબત રહેલી છે. અતિવૃષ્ટિ અને પુરના કારણે અનેક રાજ્યોમાં પાકને ભારે નુકસાન થયું છે. આના માટે જે કંઈપણ પગલા લેવાની જરૂર હતી તે તમામ પગલા પહેલાથી જ લેવામાં આવી ચુક્યા છે. ડુંગળીની નિકાસ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. સાથે સાથે ૫૭૦૦૦ ટન ડુંગળીનો બફર સ્ટોક પણ તૈયાર રાખવામાં આવ્યો છે. હજુ પણ તેમાંથી ૧૫૦૦ ટનનો જથ્થો રહેલો છે પરંતુ આની કેટલીક મર્યાદા રહે છે. થોડાક મહિનામાં ડુંગળી ખરાબ થવા લાગી જાય છે.
પાસવાને ડુંગળીની વધતી જતી કિંમતોને નિયંત્રિત કરવા માટે આયાત કરવાના પ્રસ્તાવ પર કામ કરવાની પણ વાત કરી છે. તેમણે કહ્યું છે કે, અમે વિદેશમંત્રાલય સાથે વાતચીત કરી રહ્યા છે. અફઘાનિસ્તાન, તુર્કી, ઇજિપ્ત અને અન્ય કેટલાક દેશોમાં ડુંગળીની આયાત કરવામાં આવનાર છે. જા કે, આ દેશોમાંથી આવનાર ડુંગળીની કિંમતોમાં કેટલું અંતર છે તે બાબતની પણ નોંધ લેવામાં આવશે. આ મહિનાના અંત સુધી ડુંગળીની કિંમતો ખુબ નીચે પહોંચી શકે છે. એક સપ્તાહના ગાળામાં જ ડુંગળીની કિંમતમાં ૪૦ ટકાથી વધુનો વધારો થઇ ગયો છે.
સરકારના પુરવઠા વધારવા અને કિંમતોને કાબૂમાં લેવા માટે દિલ્હીમાં છેલ્લા ઘણા પગલા લેવાયા હોવા છતાં રિટેલ કિંમતો ૪૫ ટકા વધીને ૮૦ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. કેટલીક જગ્યાએ ૧૦૦ રૂપિયા સુધીનો ભાવ પણ પહોંચ્યો છે. સરકારી આંકડા દર્શાવે છે કે, પહેલી ઓક્ટોબરના દિવસે ડુંગળીની કિંમત ૫૫ રૂપિયા પ્રતિકિલો હતી. મહારાષ્ટ્ર જેવા ડુંગળી ઉત્પાદક રાજ્યમાં ભારે વરસાદના લીધે કિંમતોને માઠી અસર થઇ છે.