ગોપાલ સ્નેક્સ GPYG- મોડાસાના વૃક્ષારોપણ ઝુંબેશમાં મદદે આવ્યું
(તસ્વીરઃ બકોર પટેલ, મોડાસા) ગાયત્રી તીર્થ, શાન્તિકુંજ, હરિદ્વાર પ્રેરિત “વૃક્ષ ગંગા અભિયાન” અંતર્ગત મોડાસા ક્ષેત્રમાં છેલ્લા ૬૪ રવિવારથી દર અઠવાડિયે પ્રત્યેક રવિવારે ગાયત્રી ચેતના કેન્દ્રની યુવા ટીમ જીપીવાયજી-મોડાસાના યુવાનો પર્યાવરણ બચાવ ઝુંબેશ ચલાવી રહ્યાં છે.
આ યુવા ટીમ દર રવિવારે અલગ અલગ સ્થાનો પર આમ જનતાને પ્રેરણાત્મક મારું ઘર- મારું વૃક્ષ ઝુંબેશમાં ભાવનાત્મક સંબંધના સંકલ્પ સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવી રહેલ છે.
આ યુવા ટીમને વૃક્ષારોપણમાં રોપેલ છોડને થોડા મોટા થાય ત્યાં સુધી પશુઓથી બચાવવા સૌથી વધારે જરુર પડે છે ટ્રી-ગાર્ડની. જેનો ખર્ચ કરવો ઘણી મુશ્કેલી વર્તાય છે. જે માટે આ ટીમ સતત પ્રયત્નશીલ રહે છે.
આ ટીમના પર્યાવરણ બચાવ ઝુંબેશને અને તે પણ છેલ્લા ૬૪ રવિવારથી અવિરત વૃક્ષારોપણ-જતન કાર્યક્રમની સંપૂર્ણ જાણકારી ગોપાલ સ્નેક્સ પ્રા. લિ.ને થતાં આ જીપીવાયજી ટીમને ૩૦૦ લોખંડના મજબૂત ટ્રી- ગાર્ડની મદદ કરી આ યુવા ટીમનો ઉત્સાહ વધાર્યો છે.
ગોપાલ સ્નેક્સ પ્રા.લિ.ના રહિયોલ ખાતેના પ્લાન્ટના અગ્રણી કલ્પેશભાઈ પારેખ તથા મુકેશભાઈ પટેલ મોડાસાના ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે રુબરુ આવી ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા ચાલી રહેલ જનસેવાની પ્રવૃતિઓથી પ્રભાવિત થઈ યુવા ટીમના કાર્યને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવી ૩૦૦ ટ્રી-ગાર્ડની સહાય જાહેર કરી હતી.
ગોપાલ સ્નેક્સ પ્રા. લિ. એક વ્યવસાયિક કંપની હોવા છતાંય સારી ગુણવત્તાના લોખંડના અંદાજે ચાર લાખ રુપિયાની માતબર રકમના ટ્રી-ગાર્ડ આપી પર્યાવરણ બચાવ જનસેવાના કાર્યમાં ઉદારતાનું અનોખું પ્રેરણાત્મક ઉદાહરણ સાબિત કર્યું છે.