સગર્ભા મહિલાને ગાયે ભેટી મારતાં તંત્રએ ચાર ઢોરવાડા સીલ કર્યા
ગાય સહિત રર જેટલાં ઢોરો કબજે કરાયા
વડોદરા, વડોદરાના સલાટવાડા વિસ્તારની એક સગર્ભા મહિલાને ગાયે ભેટી મારવાની બનેલી ઘટનાથી લાલચોળ બનેલા મહાનગરપાલિકા અને પોલીસ ટીમે આ વિસ્તારમાં ચાર ઢોર વાડાઓ સીલ કરી દીધા હતા. એક તબકકે તો ઢોર પાર્ટી અને સ્થાનીક પશુપાલકો આમને સામને આવી જતા મામલો તંગ બની ગયો હતો. પોલીસે એક મહિલા તથા પશુપાલકની અટકાયત કરી હતી. ઢોર પાર્ટીએ રર ઢોર કબજે કર્યા હતા.
વડોદરાના સલાટવાડા વિસ્તારમાં એક સગર્ભા મહિલાને રસ્તે રઝળતી ગાયે અડફેટે લીધી હતી. મહિલાને પેટ, પેઢા અને ગુપ્તાંગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાઈ હતી. જાેકે પાલિકા દ્વારા ઈજાગ્રસ્ત મહિલાની તબિયત અંગેની પૃચ્છા કરતા તેણીનું ગર્ભ સલામત હોવાનું સામે આવ્યું છે.
હાલ મહિલા ઈજાગ્રસ્ત હોવાના કારણે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઘટનાની વિગતો મળતા મેયર કેયુર રોકડિયાના સીધા આદેશના પગલે ઈન્ફોન્ચમેન્ટ રિમુવલ ડાયેરકટર ડો. મંગેશ જયસ્વાલ તથા ઉચ્ચ પોલીસ અધિકારીઓની સાથે ઢોર પાર્ટી સલાટવાડા વિસ્તારમાં પહોચી ગઈ હતી
જયાં ગેરકાયદે ઉભા કરવામાં આવેલા ચાર જેટલા ઢોરવાડાની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પાલિકા અને પોલીસ ફોર્સની સામે જ છંછેડાયેલા પશુપાલકોએ કાર્યવાહીમાં વિધ્ન નાંખવાનો પ્રયાસ કર્યો હતો. ભારે હોબાળો મચાવીને ઢોર પાર્ટીની સાથે ઝપાઝપી પણ કરી હતી. એક યુવાને તો ઝેર પીવાનું પણ નાટક કર્યું હતું જાેકે પોલીસે માહોલ બગડે તે અગાઉ એક મહિલા તથા ઝેર પીવાનું નાટક કરનાર યુવાનની અટકાયત કરી હતી.