Western Times News

Gujarati News

નામીબિયાથી ખાસ વિમાનમાં 8 ચિત્તા કુનો નેશનલ પાર્કમાં લવાયા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાંજરામાંથી મુક્ત કર્યા

ગ્વાલિયર, ભારતની ધરતી પર સાત દાયકા બાદ વન્ય પ્રાણી ચિતાની ત્રાડ શરુ થઇ છે. નામીબિયાથી મેળવાયેલા આઠ ચિતા સાથેનું ખાસ વિમાન આવી પહોંચ્યું હતું અને વડાપ્રધાનના હસ્તે વન્ય પ્રાણીઓને કુનો નેશનલ પાર્કમાં છૂટા મુકવામાં આવ્યા હતા.

ભારતમાંથી 1947માં ચિતાનું અસ્તિત્વ ભુસાઈ ગયું હતું અને ત્યારથી એક પણ ચિતા દેશમાં ન હતા. ભારતની મોદી સરકારે ખાસ પહેલ કરીને આઠ ચિતા નામીબિયાથી મેળવ્યા હતા અને આઠ ચિતા સાથેનું ખાસ વિમાન આજે સવારે આવી પહોંચ્યું હતું. 24 લોકોની ટીમ સાથેના આ પ્લેને ગ્વાલિયર એરબેઝ પર ઉતરાણ કર્યું હતું.

વિમાનના ઉતરાણ સાથે જ આતશબાજીથી સ્વાગત કરવામાં આવ્યું હતું. કેન્દ્રના ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદીત્યસિંહ સિંધીયા તથા મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ આ તકે હાજર રહ્યા હતા.

વિમાનમાંથી ચિતાઓને પાંજરા સહિત બહાર કાઢી નિષ્ણાંતો દ્વારા ચેકઅપ કરાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ ખાસ હેલિકોપ્ટર મારફત આ ચિતાઓને કુનો નેશનલ પાર્ક મોકલવામાં આવ્યા હતા.

કુનો નેશનલ પાર્ક ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યા હતા અને પાંજરામાંથી ચિતાઓને મુક્ત કરી ક્વોરન્ટાઇન એન્ક્લોઝરમાં છોડયા હતા.

વડાપ્રધાન મોદીએ અર્ધો કલાકના રોકાણ દરમિયાન ચિતા મિત્ર ટીમના સભ્યો સાથે પણ વાતચીત કરી હતી. આ ઉપરાંત શાળાના બાળકોને બોલાવવામાં આવ્યા હતા. આજે વડાપ્રધાનનો જન્મદિવસ છે અને તે શાળાના બાળકો સાથે ઉજવ્યો હતો.

કુનો નેશનલ પાર્કના ટિકતૌલી ગેઇટથી 18 કિલોમીટર અંદર પાંચ હેલિપેડ બનાવવામાં આવ્યા હતા. જ્યાં વડાપ્રધાનના હેલિકોપ્ટરનું ઉતરાણ કરાવવામાં આવ્યું હતું. 500 મીટરની ત્રિજયામાં 10 ફૂટ ઉંચો સ્ટેજ બનાવવામાં આવ્યો હતો.

આ મંચની બરાબર નીચે છ ફૂટના પાંજરામાં ચિતાને રાખવામાં આવ્યા હતા. વન વિભાગના સુત્રોએ કહ્યું કે એક મહિનો ક્વોન્ટાઇનમાં રખાયા બાદ ચિતાઓને નેશનલ પાર્કમાં છોડવામાં આવશે. તમામ ચિતા પર સતત વોચ રાખવામાં આવશે.

નામીબિયાથી ચિતાને ભારત લાવવાનો આ વિશ્વનો પ્રથમ સ્થળાંતર પ્રોજેક્ટ છે. મોટા માંસાહારી વન્ય જીવને પ્રથમ વખત શિફટ કરવામાં આવ્યા છે. ચિતાને ભારત મોકલવા ભારત અને નામીબિયા વચ્ચે ગત 20 જુલાઈ 2022ના રોજ કરાર થયો હતો.

નામીબિયાથી ભારત લવાયેલા આઠ ચિતામાં બે સગા ભાઈઓ પણ છે અને તેમની ઉમર અઢી થી સાડા પાંચ વર્ષની છે. ચિતાનું સરેરાશ જીવનકાળ સામાન્ય રીતે 12 વર્ષ હોય છે. ચિતાઓને સુરક્ષિત રીતે ભારત પહોંચાડવામાં નામીબિયાથી વેટરનરી ડોક્ટર અન્ના બસ્ટો સહિતની 24 સભ્યોની ટીમ પણ આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.