સસ્તામાં સોનું અને ડોલર આપવાની લાલચે ઠગાઈ
અમદાવાદ, લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખ્યા ના મરે.. એ કહેવાત પ્રમાણે ઘણાં ઝડપથી રૂપિયાવાળા બનવામાં છેતરપિંડીનો ભોગ બનતા હોય છે. ટૂંક સમયમાં રૂપિયાવાળા બનવું હોય જલદી રૂપિયા કમાઈ લેવા હોય તેવી લાલચમાં ફસાવીને ગેંગ લોકોને છેતરતી હોય છે.
આજ રીતે છેતરપિંડી કરતા એક શખ્સની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચે ઈસનપુરમાં રહેતા ૩૪ વર્ષના કિર્તી અમીનની ધરપકડ કરી છે. જેણે લોકોને સોનું અને ડોલર સસ્તા ભાવે આપવાની લાલચે છેતરપિંડી કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર કિર્તીએ ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રના ઓછામાં ઓછા ૧૦ લોકો સાથે છેતરપિંડી કરી છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા હવે આ કેસમાં વધુ ઊંડી તપાસ કરવામાં આવી રહી છે.
મણિનવગરના રામબાગ ચાર રસ્તાથી પોલીસે તેમની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે કિર્તી અમિન અને તેની ગેંગના સભ્યો લોકોને અસલી સોનું અને ડોલર બતાવીને તેને નીચી કિંમતે આપવાની વાત કરતા હતા. જાે કોઈ સોનું કે ડોલર લેવા માગે તો તે વ્યક્તિ પાસેથી કિર્તી અમિનની ગેંગ એડવાન્સમાં રૂપિયા લઈ લેતી હતી
અને આ પછી ગેંગનો જ એક વ્યક્તિ નકલી પોલીસ બનીને આવતો હતો અને બંને પક્ષોને ડરાવીને ભારત સરકારના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવતું હોવાનું કહીને તેમની સામે પોલીસ કેસ નોંધવાની ધમકી આપવામાં આવતી હતી. આ પછી નકલી પોલીસ બનીને આવેલી વ્યક્તિ ત્યાંથી ફરાર થઈ જતી હતી અને બંને પક્ષ પાસેથી રૂપિયા લઈ જતી હતી.
કિર્તી અમીન અને તેની ગેંગ લોકોને નકલી ડોલર ગોલ્ડ આપીને છેતરપિંડી પણ કરતી હતી. પાછળા એક વર્ષમાં આ ગેંગે મહારાષ્ટ્ર, રાજસ્થાન અને સૌરાષ્ટ્ર, નડિયાત તથા અમદાવાદ અને ગુજરાતના અન્ય ભાગોના લોકોને છેતરતા હતા. ક્રાઈમ બ્રાન્ચ અધિકારીએ જણાવ્યું હતું કે બે મહિના પહેલા કિર્તી અમિન,
રાજસ્થાનનો શાહરુખ પટેલ અને મુંબઈનો બાબા ખાન રાજસ્થાનમાં નકલી સોનું મોકલતા હતા. કિર્તી અમદાવાદમાં ડીલ માટે ફોન કરતો હતો. આ ગેંગના સભ્યો લોકોને હાથીજણ વિસ્તારમાં મળતા હતા. એ સમયે કિર્તી અમિનને શક હતો કે રાજસ્થાનની વ્યક્તિ રાજસ્થાન પોલીસ સાથે આવે છે માટે તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો.