શિક્ષકે વિદ્યાર્થિનીને પ્રેમના પાઠ ભણાવી પ્રેમજાળમાં ફસાવીઃ અંતે ઝડપાયો
વિદ્યાર્થિનીને લઇને ભાગી જનાર શિક્ષક ઝડપાયો-શાળાના શિક્ષક દ્વારા અભ્યાસક્રમની બહાર વિદ્યાર્થિનીને પ્રેમના પાઠ ભણાવી પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી
ગોધરા, શિક્ષક દ્વારા પોતાની જ વિદ્યાર્થીનીને પ્રેમજાળમાં ફસાવી ભગાડી જવાનો ચકચારી શિક્ષણ જગતને લાંછન લગાવતો કિસ્સો થોડા દિવસ પહેલા પંચમહાલના શહેરા તાલુકાથી સામે આવ્યો હતો.
સમગ્ર વિસ્તાર સહિત શિક્ષણ જગતમાં ચર્ચાના ચકડોળે ચડેલા આ કિસ્સાના આરોપી અને ગુરુ શિષ્યના પવિત્ર બંધનને સર્મશાર કરતા લંપટ શિક્ષકની પોલીસે ધરપકડ કરી લીધી છે. શહેરા તાલુકાની એક હાઈસ્કૂલમાં ધોરણ ૧૨માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીને અભ્યાસ કરાવતા તે જ શાળાના શિક્ષક દ્વારા અભ્યાસક્રમની બહાર વિદ્યાર્થીને પ્રેમના પાઠ ભણાવી પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ શિક્ષક જાતે વિદ્યાર્થીનીને લઈ રફુચક્કર થઈ ગયો હતો.
સમગ્ર મામલે વિદ્યાર્થીનીના પરિવારજનોએ શહેરા પોલીસ સ્ટેશન ખાતે લંપટ શિક્ષક સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેને લઇ શહેરા પોલીસે પોક્સો તથા એટ્રોસિટી સહિતની ગંભીર કલમો સાથે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. લંપટ શિક્ષકને શોધી કાઢવા શહેરા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી બાતમીદારોની બાતમીના આધારે તે દિશામાં તપાસ હાથ કરવામાં આવી હતી.
દરમ્યાન પોલીસને બાતમી મળી હતી કે કડાણા તાલુકાના મલેકપુર ગામના રહેવાસી અને શહેરા તાલુકાની શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા નિમેષકુમાર પટેલ તથા તેની સાથે એક બાળકી છત્તીસગઢના રાયપુર ખાતે રહે છે. બાતમીના આધારે શહેરા પોલીસની સર્વેલન્સ ટીમે બાતમીવાળી જગ્યાએ છાપો મારતા લંપટ શિક્ષક નિમેષ પટેલ તથા વિદ્યાર્થીનીને છત્તીસગઢના રાયપુરથી ઝડપી પાડ્યા હતા.
શહેરા પોલીસે બંનેનો કબજાે મેળવી શહેરા પોલીસ સ્ટેશન ખાતે લાવી પૂછપરછ કર્યા બાદ પોલીસે શિક્ષકની ધરપકડ કરી તેની સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.