ભરૂચ નગરપાલિકાના પૂર્વ નગરસેવકની ગાડીને આંતરી અઢી લાખની લૂંટ

પૂર્વ નગર સેવક મનહર પરમારને આંખોના ભાગે હથોડી વડે માર મારી ગળામાં રહેલી સોનાની બે લાખની ચેન અને રોકડા ૫૦,૦૦૦ની લૂંટ ચલાવી
(પ્રતિનિધી) ભરૂચ, ભરૂચ નગરપાલિકાના પૂર્વ અપક્ષ નગરસેવક અને સામાજિક કાર્યકર મનહર પરમાર અંકલેશ્વરથી ભરૂચ તરફ આવી રહ્યા હતા.
તે દરમ્યાન અંગત અદાવતે ૪ લોકોએ ફોરવિલ ગાડીમાં ધસી આવી મનહર પરમારની ગાડીને આંતરી ગાડી માંથી બહાર કાઢી મનહર પરમારને હથોડી વડે આંખોના ભાગે માર મારી સોનાની ચેન અને રોકડા ૫૦,૦૦૦ની લૂંટ ચલાવી ફરાર થઈ જતા મામલો પોલીસ મથક પહોંચ્યો છે.
અંકલેશ્વર શહેર પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ અનુસાર ભરૂચ નગરપાલિકાના પૂર્વ નગર સેવક અને સામાજિક કાર્યકર મનહરભાઈ મગનભાઈ પરમાર ગત મોડી રાત્રી પોતાના મિત્રને મળવા ગયા બાદ પરત પોતાની ગાડી નંબર જીજે ૧૬ બીજી ૦૮૯૯ની લઈ ભરૂચ તરફ આવી રહ્યા હતા.
તે દરમ્યાન ૧૦ વાગ્યાના અરસામાં ગડખોલ પાટીયા નજીક ઓવરબ્રિજ ઊતરી થોડે આગળ અંકલેશ્વર તરફ જવાના જુના નેશનલ હાઈવે ૮ ઉપર સામ્રાજ્ય સોસાયટી નજીક મનહર પરમારની ફોર વ્હીલર ગાડીની આગળ અન્ય ફોરવીલ ગાડી નંબર જીજે ૧૬ બીજી ૫૨૨૮ની ગાડી આગળ આવી હતી અને તેમાંથી અમિત ગોહિલ તથા તેનો ભાઈ વિશાલ ગોહિલ તથા અન્ય બે અજાણ્યા મળી ૪ જણાએ ગાડીમાંથી ઉતરી મનહર પરમારને તેની ગાડી માંથી બહાર કાઢી તેની સાથે બોલાચાલી બાદ ગાળા ગાળી કરી હતી.
જેમાં અમિત ગોહિલ અને વિશાલ ગોહિલનાઓએ તેઓના હાથમાં રહેલી હથોડીથી મનહર પરમારને મોઢાના આંખના ભાગે હથોડી વડે માર મારી તથા છાતીની જમણી બાજુમાં પણ તથા હાથના પંજા ઉપર હથોડી વડે માર મારી ગંભીર ઈજા પહોંચાડી મનહર પરમારના ગળામાં રહેલી બે લાખની સોનાની ચેન તથા ખીસામાં રહેલા રોકડા રૂપિયા ૫૦,૦૦૦ ની લૂંટ ચલાવી મનહર પરમારનો શર્ટ ફાડી નાખી ગંભીર ઈજા પહોંચાડી લૂંટારૂઓ પોતાની ગાડીમાં ફરાર થઈ ગયા હતા.
ભરૂચ નગરપાલિકાના પૂર્વ નગર સેવક મનહર પરમારને ગંભીર રીતે ઈજા થઈ હોવાના કારણે તેઓએ તેઓના પુત્ર કેતન પરમાર અને તેના અન્ય પિયુષ પરમારને જાણ કરી હતી અને ૧૦૮ મારફતે સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.ગંભીર રીતે ઘવાયેલા હોવાના કારણે મનહર પરમારને વધુ સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં પોલીસે તેઓનું નિવેદન લેતા તેઓએ જણાવ્યું હતું કે હુમલાખોરો વસંતમિલની ચાલના રહીશો છે અને આજથી ૮ દિવસ પહેલા મનહર પરમારની ઓફિસની બહાર થયેલા ઝઘડા બાબતે મનહર પરમારે સંદીપ નામના વ્યક્તિ સાથે બી ડિવિઝન પોલીસ મથકે જઈ ફરિયાદ આપી હતી તેની રીસ રાખી હુમલો કરાયું હોવાનું રટણ કર્યું હતું.
અંકલેશ્વર શહેર પોલીસે હુમલાખોર અમિત ગોહિલ તથા તેનો ભાઈ વિશાલ ગોહિલ તથા અન્ય બે અજાણ્યા મળી ૪ લોકો સામે લુંટ જીવલેણ હુમલો કરવો ગાળો ભાંડવી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવા બાબતની આઇપીસીની કલમ ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.